સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/સહજ સાધુતા

          આજકાલ સાધુઓનાં કૌભાંડો બહાર આવવા લાગ્યાં છે. લોકોને આંચકો લાગે છે, કારણ કે લોકો સાધુ પાસે ઊચી અપેક્ષા રાખતા હોય છે. પણ વાસ્તવિકતા એ છે કે લોકો જ સાધુને બગાડે છે. વેપારીઓ સાધુઓને લોભદીક્ષા આપે છે, અંધશ્રદ્ધાળુ સ્ત્રીઓ મોહદીક્ષા આપે છે. મંડપની ભીડ એમને અહંકારદીક્ષા આપે છે. લોભ, મોહ અને અહંકારથી ઘેરાયેલા મહારાજશ્રી આત્મા-પરમાત્મા અને મોક્ષની વાતો કરે ત્યારે શ્રોતાઓ ડોલી ઊઠે છે. જે રીતે સેક્સ-વિસ્ફોટ થઈ રહ્યો છે તેની અસરો હવે સાધુ-સંસ્થાને પણ પજવી રહી છે. જાહેરાતોમાં નગ્નતા જ નગ્નતા! ટીવીના પડદે નગ્નતાની ભરમાર. સાધુ શું આંખ મીંચીને જીવે? દિવસે નિહાળેલી નગ્નતા, રાત પડે ત્યારે આળસ મરડીને સ્વપ્નમાં બેઠી થાય છે. સામાજિક પરિસ્થિતિ એવી છે કે હવે ભાગ્યે જ કોઈ સાધુ પોતાની કામેચ્છાને રોકી શકે. એક સાધુનો આશ્રમ જોયો. આશ્રમમાં નિશાળ અને છાત્રાલય છે. એક ગરીબ છોકરો આશ્રમે આવ્યો. એને સાધુએ પૂછ્યું: “તારા બાપનું નામ શું?” છોકરો માથું ખંજવાળવા લાગ્યો. સાધુએ પૂછ્યું: “તારી મા ક્યાં છે?’ છોકરાએ કહ્યું: “ગામમાં દારૂ ગાળતી છે, તે મારી મા થાય.” સાધુએ મને કહ્યું: “સ્વરાજ મળ્યાને પંચાવન વર્ષ વીતી ગયાં પછી મારા ગામના છોકરાની આ દશા? આપણે કઈ સંસ્કૃતિનાં વખાણ કરીએ છીએ? આપણે કેવો સમાજ રચી બેઠા છીએ? આપણા સાધુબાવાઓની ઇમ્પોર્ટેડ ગાડીઓ જુઓ! અમારી સાધુ જમાતના ભવાડા જુઓ!” એ આશ્રમમાં શિષ્યમંડળ નથી, દાનપેટી નથી. વૈરાગ્ય છે, પરંતુ વૈરાગ્યની સભાનતા નથી. સાધુતા સાથે જોડાયેલો કોઈ બાહ્યાચાર નથી. આવી સહજ સાધુતાથી શોભતા સાધુનું નામ છે: હરિદાનજી. એ આશ્રમ કરજણ તાલુકાના મેથી ગામે છે. (ફોન: ૦૯૫૨૬૬૬-૨૮૧૦૯૯).