સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/...એટલે મારી બાને બળતરા નહીં!

          પરિષદ ઓફિસે હું પહોંચ્યો, મારાં કપડાં લોહિયાળ હતાં. મને પડેલ પોલીસના મારની નિશાનીઓ દેખાતી હતી. એટલે પરિષદે મારા વાંસાના ફોટા પડાવ્યા અને છાપામાં છપાવ્યા. મને પડેલ મારને લક્ષમાં લેતાં તત્કાળ લડત માટે ગામડામાં ન મોકલતાં આઠદસ દિવસ મને આરામ કરવા માટે જણાવ્યું. ખોરાકમાં ઘી, ગોળ, દૂધની માત્રા વધારી આપી. મને તાજોમાજો કરવાનું આયોજન થયું. ફરી પાછો સાંગણવા ચોકની જાહેર સભામાંથી મને પકડવામાં આવ્યો. મારી સાથે બીજા ત્રીસેક સૈનિકોને પકડવામાં આવ્યા. અમને બધાને રાજ્યની લાઇબ્રેરીના મકાનના કમ્પાઉન્ડમાં રાખ્યા હતા. રાત્રે દસ પછી બેત્રણ ખટારીઓ અમને ગામડાંની વાડીઓમાં મોકલવા તૈયાર રાખેલી. અમને એમાં બેસાડીને ત્રંબાથી આગળ ગયા પછી ચારપાંચ જણાને નીચે ઉતારે; સૈનિકોના ચપ્પલ, જોડા, ચશ્માં, પાકીટ, પેન વગેરે બધું પોલીસો લઈ લે, પછી મારે. એમ કરતા કરતા થોડા થોડા અંતરે ઉતારતા જાય, મારતા જાય. છેલ્લે હલેન્ડાની વાડીમાં અમે આશરે પંદર જણા હતા. એમાં બબ્બે જણાને ઉતારીને, મારની વિધિ કરીને, સૈનિકોને લૂંટી, મારી ભગાડ્યા. બાદ અમે બે જણા રહ્યા. તેમાં પહેલાં મારો વારો આવ્યો. જયંતીભાઈ ફોજદાર અને તેના માણસો મને મારવા લાગ્યા. હું નીચે બેસી ગયો અને ભગવાનનું નામ રામ, રામ, રામ… લઉં. મારની ગમેતેટલી ભીંસ હોવા છતાં મેં મચક આપી નહીં. હું ઘડાઈ ગયો હતો. વળી મને તાજોમાજો કરવા ઘી, ગોળ, દૂધ આપવામાં આવેલ. મેં મારને મચક ન આપતાં, ગમેતેવી ગાળો બોલીને ‘(મારો સાળો ઢોર જેવો છે ઈ’) કહી મને પડતો મૂક્યો. મારી પાછળ સાવરકુંડલાના જમનાદાસભાઈ જાનીને ઉતાર્યા. તે વખતે મારું વજન ૧૫૬ રતલ હતું, પણ જમનાદાસભાઈ તો સાવ સુકલકડી હતા. સારા પવનની ઝીંક ઝીલે તેવા પણ ન હતા. એને બેચાર બડા માર્યા, પણ પછી લાગ્યું કે ભામટો માર નહીં સહન કરી શકે, મરી જશે અને પોતાને બ્રહ્મહત્યાનું પાપ લાગશે, એટલે એને છોડી દીધા. હલેન્ડાની વીડીમાં સત્યાગ્રહીઓને મારીને પોલીસો જેવા ખટારીમાં રવાના થયા એટલે મેં ઊભા થઈને વાંભ દીધી : ભાઈઓ, કોઈ આડાઅવળા જશો નહીં. બધાય અહીં ભેગા થઈ જાવ, અહીંથી આપણે કૂચ કરતાં કરતાં રાજકોટ જવાનું છે. મારો અવાજ બુલંદ હતો, એટલે પોલીસોએ પણ સાંભળ્યો અને ખટારી ઊભી રાખી. બેપાંચ બડા મારી બધા સૈનિકોથી મને જુદો પાડવા એમની ગાડીમાં નાખ્યો. ખટારી ચાલી એટલે જયંતીભાઈ ફોજદારે કહ્યું કે, આને સાળાને સરધારના તળાવમાં નાખી દેવો છે. મેં કહ્યું : “જયંતીભાઈ, હું બહુ સારો તરવૈયો છું. ભાવનગરની અને દીવની ખાડી હું તરી ગયો છું. તમારે મને મારી નાંખવો હોય તો મારા હાથ પાછળ બાંધી અને પાણો બાંધી મને તળાવમાં નાખી દેજો. એટલે તમારે મને ઘડીએ ઘડીએ મારવો નહીં અને મારી માને રોજની બળતરા નહીં.” મારા આ શબ્દોની જયંતીભાઈ ઉપર જાદુઈ અસર થઈ. તેમણે ખટારીઓ ઊભી રખાવી અને મને માનથી સંબોધન કરી કહ્યું : “ગુણવંતભાઈ, નીચે ઊતરી જાવ.” હું નીચે ઊતર્યો એટલે તેમણે કહ્યું : “ગુણવંતભાઈ, માફ કરજો, તમને અમે ઓળખ્યા ન હતા.” તેમણે સિપાઈઓને બોલાવ્યા. પહેલાં પોતે મને પગે લાગ્યા. બાદ તેમણે બધા જ સિપાઈઓને કહ્યું કે : “આમને પગે લાગો,” બાદ મને કહ્યું : “તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ.” [‘સામ્પ્રત’ ત્રિમાસિક : ૨૦૦૬]