સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગ્રેગરી સ્ટોક/કિશોર-અંતરોનાં કમાડ ઉઘાડીએ!

          ૧.બપોરે ૨-૩૦એ પોતે ઘેર આવીને તમને સિનેમામાં લઈ જવાનું વચન તમારાં બાએ આપ્યું હોય, અને પછી સાંજે વાળુટાણા સુધી એ દેખાયાં ન હોય કે ન તમને ફોન પણ કર્યો હોય, તો એને કઈ જાતની સજા કરવી જોઈએ? એવી સજાથી ભવિષ્યમાં એ વધુ સારું સમયપાલન કરતાં થશે, એવો સંભવ ખરો? ૨. તમને એવાં શિક્ષિકા ગમે કે જે કડક હોય, પક્ષપાત ન કરતાં હોય અને સારું ભણાવતાં હોય? કે પછી એવાં ગમે કે જે લહેરી હોય, પણ બહુ સારું ભણાવતાં ન હોય? ૩. તમારાથી કોઈ ભૂલ થઈ જાય ત્યારે તમે તેનાં બહાનાં ઉપજાવી કાઢો છો? લોકો તમારી એ વાત માની લે છે, એમ તમને લાગે છે? ૪. એક વિખ્યાત લેખકે ‘ટાઇમ-મશીન’ની કલ્પના કરેલી છે, જેમાં બેસીને મનુષ્ય ભૂતકાળ કે ભવિષ્યમાં ગમે તેટલે દૂર સુધી સફર કરી શકે. એવા ‘સમયયંત્ર’માં બેસીને જાત-વળતની સફર તમે કરી શકો તેમ હો, તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? ૫. તમારે એવી એક નાની બહેન હોય જે તમારી વીરપૂજા કરતી હોય અને તમે જે કાંઈ કરો તેનું અનુકરણ કરવા મથતી હોય, તો તમે અત્યારના કરતાં કઈ જાતનું જુદું વર્તન કરો? ૬. કુટુંબમાં સહુ જે ઘરકામ કરે છે તેમાં તમારે ભાગે વધુ પડતું આવતું હોય એવું તમને લાગે છે? બધાં વચ્ચે ઘરકામની વહેંચણી તમારે કરવાની હોય, તો તમે ક્યાં કામ સંભાળો? ૭. તમારી સહુથી અણગમતી વ્યક્તિ કોણ છે? તેનો પણ કોઈ એકાદ ગુણ તમને સારામાં સારો લાગતો હોય તો તે કયો? ૮. એક દિવસ પૂરતા તમે ‘અદૃશ્ય માનવી’ બની જઈ શકો, તો તમે શું કરો? ૯. અમુક બાબતો તમને ગમતી નથી એવો દેખાવ તમે કરતા હો છો, પણ ખરેખર તો તેમાં તમને મજા આવે છે — એવું તમને લાગે છે? તો તમારી સાચી લાગણી એ રીતે છુપાવો છો શા માટે? ૧૦. ક્યારેક માતાપિતા પર તમને બહુ ચીઢ ચડે અને તેમને પાઠ ભણાવવાનું મન તમને થઈ જાય, ત્યારે તેમને ખીજવવા કે ભોંઠા પાડવા માટે ઝીણી ઝીણી કઈ બાબતો તમે કરો છો? ૧૧. તમારા પિતા તમને હજી વધુ ચીજવસ્તુઓ ભેટ આપે એ તમને ગમે? કે તમારી સાથે વધારે સમય ગાળે તે? બેમાંથી શું કરે તો તમે એને બહુ વહાલા છો એવું તમને લાગે? ૧૨. ધારો કે કોઈ જાદુથી આવતી કાલે સવારે તમે ઊઠો ત્યારે મોટી ઉંમરનાં થઈ ગયાં હો અને તમારાં પોતાનાં બાળકો પણ હોય, તો આજે તમારાં માબાપ તમારી સાથે રાખે છે તેના કરતાં જુદું કઈ જાતનું વર્તન તમે એ સંતાનો સાથે રાખો? ૧૩. આજે જ તમને ખબર પડે કે તમે સાવ નાનું બાળક હતાં ત્યારે તમારાં માબાપે તમને દત્તક લીધેલાં, તો તમને શી લાગણી થાય? તમારાં સાચાં માતાપિતાને શોધવાનો પ્રયત્ન તમે કરો? ૧૪. કોઈ એક બાબતમાં તમારા અમુક મિત્રાના જેટલા જ કુશળ તમે બની શકો તેમ હો, તો એવી કઈ બાબત તમે પસંદ કરો? ૧૫. નિશાળમાં રોજ એકસરખો ગણવેશ પહેરવો તમને ગમે, કે તમારી પસંદગીનાં કપડાં? ૧૬. તમારી ઓરડી વાળી નાખો! હાથ ધોઈ નાખો! નહાઈ લો! — ચોખ્ખાઈ માટે આટલી બધી માથાકૂટ વડીલો શીદને કરતાં હશે? ૧૭. જે જે બાબતોની તમને શરમ આવતી હોય કે બીક લાગતી હોય તે સહિતની તમારી બધી વાતો જો તમે તમારા મિત્રોને જણાવો, તો તમને લાગે છે કે અત્યારના કરતાં તેઓ તમને વધુ ચાહશે કે ઓછા? ૧૮. ઝટ મોટાં થઈ જવાની તમને ઉતાવળ છે? ‘મોટાં થવું’ એટલે શું? એવાં તમે ક્યારે થશો એમ લાગે છે? ૧૯. તમારી ઉંમરે પહોંચ્યા પછી બધા લોકોનો શારીરિક વિકાસ અટકી જાય અને તેઓ તમારા કરતાં વધુ બળવાન બને નહીં, તો પણ શું તમે તેમની આજ્ઞા માનો ખરા? શા માટે? ૨૦. ધારો કે તમારી નિશાળના આચાર્ય તમને કહે કે એ શાળામાં સુધારા કરવા માગે છે અને તમે કોઈ એક સૂચન કરો તો તેનો અમલ તેઓ કરશે, તો તમે તેમને શું કરવાનું કહેશો? ૨૧. ભગવાન વિશે ને ધર્મ વિશે જે બધી વાતો તમે સાંભળેલી છે, તેમાંથી કઈ તમને સાચી લાગે છે ને કઈ ખોટી? ૨૨. તમારાં ભાઈબહેનો કે મિત્રોમાંથી કોઈની સાથે તમે જિંદગીના કાયમી સાટાપાટા કરી શકો તેમ હો, તો તે માટે તમે કોની પસંદગી કરો અને શા માટે? ૨૩. તમારાં માતાપિતામાં કોઈ એક બાબતનો ફેરફાર તમે કરી શકો તેમ હો, તો તે કઈ હશે? ૨૪. બાળકોને કઈ બાબતો અંગે સજા થવી જોઈએ, એવું તમને લાગે છે? અને તે સજા કેવી રીતે થવી જોઈએ? પણ લોકો ઘરડાં થયાં હોય ત્યારે પછી તેમની ભૂલો માટે તેમને સજા ન કરવી જોઈએ, એવું તમને લાગે છે? તો એ કઈ ઉંમરે અને શા માટે? ૨૫. તમે કરેલાં કામોમાંથી તમને સૌથી વધુ અભિમાન શાને માટે થાય છે? તમે હજી શું કરો તો એથીય વધુ અભિમાન અનુભવો? ૨૬. નિશાળના તમારા વર્ગના બીજા બધા વિદ્યાર્થીઓને કોઈ નક્કી મારી નાખવાનું હોય, પણ તેમને બદલે મરવા તમે તૈયાર થાવ તો તે બચી જવાના હોય, તો તમે એ બધાને બચાવો કે તમારી જાતને? તમે જે કરો તેની કોઈનેય ખબર પડવાની ન હોય તો પણ? ૨૭. તમારા ઉત્તમ મિત્ર વિશે કઈ બાબત તમને સૌથી વધુ ગમે છે? ધારો કે તમારે કોઈ દૂરના સ્થળે રહેવા જવાનું થયું અને હાલના તમારા સૌથી સારા મિત્રને કદી મળી શકવાના ન હો, તો બીજા કોઈને ‘ઉત્તમ’ મિત્ર બનાવતાં કેટલો સમય લાગે એમ તમે ધારો છો? ૨૮. તમારો દરેકે દરેક વિચાર જે જાણે તો પણ તમે ડરો નહીં, એટલી બધી શ્રદ્ધા તમને જેની પર હોય એવી કોઈ વ્યક્તિઓ છે? ૨૯. તમારાથી ઘણું નાનું કોઈ બાળક તમને ખીજવ્યા જ કરતું હોય અને તમારે વિશે જૂઠાણાં ફેલાવતું અટકતું જ ન હોય, તો તેને વારવા કેટલી હદ સુધી જવા તમે તૈયાર થશો? અને એવું કરનાર તમારા કરતાં મોટું હોય તો? [પુસ્તકમાં લગભગ પાનેપાને એક એવા 260 સવાલો આપેલા છે, તેમાંથી પહેલા 57 પૈકી ઉપરના પસંદ કરી લેખક-પ્રકાશકના સૌજન્યથી અહીં આપેલા છે. પ્રકાશક : Workman Publishing Co., Inc., 708 Broadway, New York, N. Y. 10003, USA]