સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંદ્રકાન્ત કાજી/શોધ

         
ધોળે દા’ડે ખરે બપોરે જોયું :
ઊભી વાટે વાટ રૂંધતું પડછાયાનું ટોળું!
ચશ્માંની આંખો પર અંધા અંધારાના કાચ!
કાંટા જેના ફરે ન એ ઘડિયાળે બાંધ્યા હાથ!
કોઈ મહિષ પર બેઠા, ને કોઈ ઘેટાં પાછલ ઘેલા,
કોઈ ઘૂવડ ચખ મીંચી કે’તા : “અમે સૂર્યથી પ્હેલા!”
ખોપરીઓમાં ભરી કાંકરા ફરી ફરી ખખડાવે,
પીળાં પાન સમાં સૂત્રોને હવા મહીં ફરકાવે!
શ્વાન તણી પૂછડીઓ બાંધી પડઘાઓને ઝંડે,
સૂનકારના ઢોલ પીટતા સડી ગએલા દંડે!
મૌન ધરે મુખ ત્યાં છાયાનાં મ્હોરાં ચપચપ બોલે,
મશાલ આગળ ધરીધરીને સૂરજ ક્યાં તે ખોળે!
પડછાયાને જોતાં શંકિત સૂરજ પણ અવ ગોતે :
કો’ તણો પડછાયો થઈને રહ્યો નથી ને પોતે?!
[‘કુમાર’ માસિક : ૧૯૬૫]
<