સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંદ્રકાન્ત પંડયા/“બોડીને તાં વળી કાંહકી કેવી!”

          મારા પિતાજી ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. પિતાજીનું મૃત્યુ થયું. જમીન ગણોતે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહિ, એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. હવે વિધવા બાને માથે બે નાના દીકરા ને એક દીકરી ઉપરાંત ત્રણ પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની જવાબદારી હતી. બા બિચારી રાતદિવસ વૈતરું કરે. દીકરામાં હું મોટો, એટલે ચૌદ વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. દેણદારો પ્રામાણિક, પણ ખેતીનાં વર્ષો એક પછી એક એવાં ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. ક્યારેક થોડુંઘણું આપે, એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર! પોતે પેટે પાટા બાંધીને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતાં. ધરમપુરથી પાંચેક માઈલ દૂર મરઘમાળ ગામે રાનીપરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. કાઠાં વરસોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. પૈસા તો જે મળે તે આપે; ઉપરાંત બાપુના મૃત્યુ પછી વર્ષોવર્ષ લાકડાં, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. વરસ ગમે તેવું નબળું પડ્યું હોય તોય “હાઉકારનાં પોયરાંને આપદા ની પડવી જોઈએ” — એવી ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ, એવું જીવલો માનતો. બાપુજી જીવતા ત્યારે જીવલો અવારનવાર ઘેર આવતો. શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈ ને કંઈ મારા માટે લાવે. તેની સાથે કોઈક વાર તેનો પુત્ર ગોવિંદ પણ ‘હેર’ જોવાની લાલચે આવે. લંગોટી ને મેલું જીર્ણ ડગલું એ એનો પોશાક. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો, હાડપિંજર જેવો. તો એનો પુત્ર ગરીબડો, અર્ધનગ્ન દશામાં. મરઘમાળમાં જીવલા ઉપરાંત પણ એક-બે દેણદાર હતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય. એટલે તેમના પૈસા નિયમિત મળતા, બીજું પરચૂરણ અનાજ મળતું, પણ જીવલો તદ્દન ભાંગી ગયેલો. પત્ની મરી ગયેલી, તેનું બારમું કરવા માટે વળી બીજો શાહુકાર કરેલો, એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી હોય. એક રવિવારે એ રીતે જીવલાને ત્યાં જવાનું થયું. સાથે મારા મિત્રો મહમદ ને રસિક હતા. દસ વાગતાં ઘેર આવી જઈશું, એ ગણતરીએ બાએ કશું ભાતું બંધાવ્યું નહોતું. અમે પહોંચ્યા, તો માલૂમ પડ્યું કે જીવલો કશે બહાર ગયો હતો. ગોવિંદને પૂછ્યું તો એણે જણાવ્યું : “કોથે ગોયલો ઓહે તે ખબર ની, પણ બારેક વાગતાં આવી પુગહે.” એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઊપડ્યા. બોરડી પરથી મીઠાં રાંદેરી બોર પાડયાં, ખાધાં ને ગજવાં ભર્યાં. છોડ પરથી મરચાં ને રીંગણાં તોડીને થેલી ઠાંસીઠાંસીને ભરી. ગોવિંદે બાવળનાં દાતણ કાપી આપ્યાં તે લીધાં. નદીમાં નાહ્યા ને પાછા ઝૂંપડીએ પહોંચ્યા, ત્યાં જીવલો આવી ગયો હતો. તેણે પૂછ્યું, “ભીખલા, બપોર થઈ ગયા; કંઈ ખાધું કે ભૂયખો જ? ડોહાડી(ડોસી)એ હું બાંધી આયલું છે?” મેં કહ્યું કે અમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા; હવે તો ઘેર જઈને ખાશું. જીવલો કહે, “પોયરા, ભૂખ્યો તો ની જ જવા દેવ. દાળ-ચોખા આપું, તે ખીચડી બનાવી લાખ!” ખીચડી મને બહુ ભાવે નહિ, ને એ કડાકૂટ કરે કોણ? એટલે ના પાડી. પણ જીવલો એમ શાનો માને? “ભીખલાને હીરો (શીરો) બઉ ભાવે,” એમ કહી ગોવિંદને મોકલી, ક્યાંકથી પાશેર ઘી મંગાવ્યું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. થોડો ગોળ કાઢી આપ્યો. ત્રણ પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. પછી કાંસાના તાંસળામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. જીવલો કેળનાં પાન કાપી લાવ્યો. ગોવિંદે કાંદા સમારી આપ્યા. અને અમે ત્રણ જણ ખાવા બેઠા. પ્રેમનો શીરો. ધરાઈને ખાધું. થોડો આરામ કરીને જવા નીકળ્યા. તે પહેલાં પૂછ્યું, “જીવલા, થોડાક પૈસા આપશે કે?” “પૈહાની જોગવાઈ તો હમણાં ની થવાની,” એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોળ ને રીંગણાં લઈ આવ્યો. પણ અમારી થેલી તો ભરેલી હતી, એને મૂકવાં ક્યાં? મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું, ત્યારે તે કહે, “બોડીને તાં વળી કાંહકી કેવી?” જ્યાંત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો, તેમાં રીંગણાં-વાલોળ બાંધ્યાં અને અમે ચાલી નીકળ્યા… તે રાતે મોડે સુધી ઊંઘ ન આવી. જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યાં. એનું પેલું વાક્ય “બોડીને તાં વળી કાંહકી કેવી!” ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. રાત આખી અજંપામાં ગાળી. જીવલાની “બોડી” જેવી દશા કરનાર હું જ છું, એવો ભાવ જાગ્યો. અમે શીરો જમતા હતા ત્યારે જીવલાનાં નાગૂડિયાં ને પેટમાં વેંતવેંત ખાડા પડેલાં નાનાં છોકરાં કેવું ટીકીટીકીને જોઈ રહ્યાં હતાં, તે દૃશ્ય ખડું થયું. ભણવાગણવા ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડાં કાપતો, શાહુકારી પેટે કોઈ શેઠિયાને ત્યાં વેઠ કરતો — ત્યાં હું બીજો શાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો! એનાં છોકરાંનાં મોંનો કોળિયો મેં જ ઝૂંટવ્યો હોય એમ મને લાગ્યું. ને તે પણ ઓછું હોય તેમ બે થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો! મારી જાત પર મને તિરસ્કાર આવ્યો. સવારે બાને પૂછ્યું, “બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો શી રીતે દેવું ભરી શકશે?” બાએ ગુસ્સે થઈને કહ્યું, “ફોગટ થોડું આપે છે? મૂળાનાં પતીકાં જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે!” જીવલો મૂળ કોઈકની ગણોતે ખેતી કરે. તે ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસે રૂપિયા ત્રણસો વ્યાજે લીધેલા. બેત્રણ વર્ષમાં પૈસા વસૂલ કરશે, એવી એને શ્રદ્ધા, પણ વરસ એક પછી એક ખરાબ આવ્યાં. મેં ચોપડામાં જોયું, તો વ્યાજનું વ્યાજ ચઢીને રૂ. ૧૫૦૦ લેણા નીકળતા હતા! વર્ષોવર્ષ ફસલ ભરી જાય; શાકભાજી, લાકડાં, ઘાસ, ગોળ આપી જાય, તે બધું મફતમાં! ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમે ન થાય. આટઆટલું આપવા છતાં ત્રણસોના પંદરસો શી રીતે થયા, તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય? [‘બાનો ભીખ્ખુ’ પુસ્તક]