સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંદ્રશંકર ભટ્ટ, ‘શશિશિવમ્’/અલપઝલપ દર્શન

          આનંદની હેલી, આજ મારે આનંદની હેલી, ધન્ય રે ઘડી ઘેર પ્રભુ પધાર્યા, દુઃખડાં મેલ્યાં ઠેલી. — નરસિંહ મહેતા આ પ્રભાતિયાં વિશે બોલવા જતાં મુદમય મૌન છવાઈ જાય છે. એટલું કહી શકું કે પ્રભાતિયાં તે પરાત્પરનો પ્રસાદ છે. તેને કવિતાના ઉન્નતોન્નત શિખરે પ્રસ્થાપનાર નરસિંહ છે. આ પ્રસાદ યત્કિંચિત પામવા માટે હું નરસિંહનો ઋણી છું. નરસિંહના શબ્દની ઉદાત્તતા અને દિવ્યતાને પહોંચવાનું ગજું કોનું? હું તો તેની પાંખે ઊડવા અને તેના હૃદયનાદને ગુંજવા મથતો જીવ. એમ ઊડતાં જો અલપઝલપ કંઈક દર્શન થયું હોય, ગુંજન કરતાં કરતાં જો થોડા પણ સ્વકીય રણકા પ્રકટયા હોય, અંદર થોડી પણ તેજરેખાઓ ઝળકી હોય તો હું મારા જીવનકવનની કૃતાર્થતા સમજીશ. મારે મન આ આત્મખોજની, આપને પામવાની અદમ્ય ઝંખના છે. આજના વૈજ્ઞાનિક અને ભૌતિક યુગમાં આવી કવિતા અપ્રસ્તુત લાગે. પરંતુ આધ્યાત્મિકતા તો માનવ સંવિતનો સનાતન અંશ છે. તેથી તો નરસિંહ આજે પણ જીવંત છે. નરસિંહની પછી પ્રભાતિયાં ઝાઝાં લખાયાં નથી, અર્વાચીન યુગમાં લગભગ લુપ્ત રહ્યાં છે. મારામાં તે કેવી રીતે અવતર્યાં તે જાણતો નથી. મારી એક કાવ્યપંક્તિ “શશિશિવમ્ તો બહાનું” ટાંકું એટલું જ.