સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચન્દ્રકાન્ત મહેતા/ઑફિસર

          સ્વિટ્ઝર્લેન્ડની રેલવે જેવું કોઈ ટાઇમટેબલ નહીં. ચપટીમાં તમે બધું જ જોઈ શકો. ગાડીમાંની સગવડો — જમવાનું, સૂવાનું વગેરેની બહુ ઝીણવટથી, કુનેહથી અને મુસાફરની અનુકૂળતાનો પહેલો ખ્યાલ રાખીને અહીં ટાઇમટેબલો બનાવવામાં આવે છે. ટાઇમટેબલ હાથ ચડયું, એટલે આપણે તો રાજા! ગાડી ઊપડી, કે એનો અભ્યાસ શરૂ. એમાં જોયું તો અમુક એક ગાડી જો ત્રાણ મિનિટ મોડી ઊપડે તો લોઝાંમાં મારસેલ્સથી આવતા મુસાફરોને વધુ સગવડ પડે એમ હતું, અને બીજી બાજુ એ ગાડી જરા મોડી થાય તો કશો વાંધો આવે તેમ નહોતું. મોન્ત્રોમાં એક ‘ક્રોસિંગ’માં માત્રા એક ગાડીને જરા થોભવું પડે. કાગળ-પેનસિલ લઈને હું એની મથામણ કરી રહ્યો હતો, ત્યાં સામે બેઠેલા એક સાહેબે હસીને મને પૂછ્યું કે કંઈ તકલીફ છે? તો મેં કહ્યું, ના, આ ટેબલમાં કંઈક દુરસ્તી થઈ શકે તેમ મને લાગે છે. પેલો તો નીકળ્યો રેલવેનો કોઈ મોટો ઑફિસર (અલબત્ત, થર્ડ ક્લાસમાં)! એણે ડોળો ચડાવ્યો, મારી વિગતો તપાસી, જોરથી શેકહેન્ડ કરી ખૂબ ખુશી બતાવી, અને એ ઊતરવાનો હતો વચ્ચે ફ્રીબોર્ગ ત્યાં એક ટ્રેન જેટલું ઊતરવા મને વિનંતી કરવા લાગ્યો. હું ઊતર્યો. નજીકના રેસ્ટોરાંમાં એ મને ચા પીવા લઈ ગયો, ત્યાં અમે ખૂબ વાતો કરી. તે પછી એણે મારા રેલ-પાસ પર બધી મુસાફરી સેકન્ડ ક્લાસમાં કરી શકાય એવા પોતાના દસ્તકે શેરા મારી આપ્યા. ઉપરથી મારો ખૂબ આભાર માની, બીજી ટ્રેન પર મને વળાવીને એ ગયો.