સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચન્દ્રકાન્ત મહેતા/“હનમોદાદાને કે’જો કે —”

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          વડોદરાના કાંપથી ફારમ પર જવાના ધોરી રસ્તાને જ્યાં આગળ રેલની સડક કાપે છે, ત્યાં એક બંગલો હતો. એ બંગલાને રેલવેનો ડબ્બો લગાડીને અને ડબ્બાની બે બાજુ કઠેરા મઢાવીને રહેઠાણને મોટું બનાવ્યું હતું. ડબ્બાની અડોઅડ કેબિન. કેબિન પ્રમાણમાં ખાસ્સી ઊંચી હતી. એનાં છવ્વીસ પગથિયાં કેટલીયે વાર ગણ્યાં હશે. કેબિનમાં ત્રણ માસ્તરો, બેત્રણ પોર્ટરો અને એકાદ સફાઈવાળો, એમ કબીલો રહેતો. એ બધામાં જાણવાજોગ તો એક જ વ્યક્તિ — અને તે ડાહ્યાભાઈ માસ્તર : મારા બાપાના નિકટના દોસ્ત. ૧૯૦૨થી ત્યાં મેં જોયેલા. મારા, મારી બહેનોના, બાના, સૌના ડાહ્યાકાકા. જરા ભારે શરીર, મીઠો અવાજ, લહેરી જીવ, અને પાકા દુશ્મનનું પણ કામ કરી છૂટવાની નઃસ્વાર્થી વૃત્તિ. “કોણ, બાબુ આઈવો કે? જા અલ્યા, ડાભઈ! ઘેર જા, ને દાબડો લઈ આવ.” થોડી વારમાં મગનો દળ, થોડો તમતમતો ચેવડો ને પાંચસાત ‘કોપ’ ચાથી ભર્યો ચળકતો લોટો ટુવાલમાં બંધાઈને આવતાં “ચાલો, ઉડાવો” કહી બધાને ખવડાવતા. “એઈ જીવલા, ડાભઈ, કેમ આઘા ઊભા છો? મારો ’લ્યા ફાકા. ખાશો તો નોકરી કરશો…” ત્યાં ટનનન… કરતી ઘંટડી વાગ્યે જતી. “બાબુ, જો આ સાલી રેલવે. ત્રણ ત્રણ મિનિટે એને સનેપાત થાય! હાં, ઊભો રહે — એલાવ, કોણ ગોધરાવાળો નીકળ્યો? આવવા દે સાલાને! …હા, મોંમાં જરા ચેવડાનો ફાકો છે. જરા જંપીને બેસવા તો દો.” ટડિંગ ટડિંગ… “પાછી લોથ જાગી? આ તો વડોદરા — મૂળ સ્ટેશન બોલ્યું. આવો, તમેય આવો; બોલો ભઈ, શું છે? …હાં-હાં-હાં, એમ? મોકલી આપો મારી પાસે, બરોબર ચોકી-પહેરામાં. હં… કંઈ નાઈખો તો નથીને? …ના, પીએ એવો તો નથી…” “…હેં અલ્યા ડાભઈ! આ મઘાનું છે શું? એંજિન નીચે હૂઈ ગયો! અલ્યા, મરવું કેમ તે પણ આપણે બતાવવું પડે?” “શા’બ! બહુ દુઃખી માણહ સે.” “તે ડાભઈ! રેલવેમાં કોઈ તેં સુખી જોયો? જેના દા’ડા ભરાયા હોય તે અહીં ચોટે. ભગવાને નરકની ખાણ અહીં જ બનાવી છે.” “તે શા’બ, એણે આપઘાત કીધો?” “અરે હોય, ડાભઈ! રેલવેનાં એન્જિન એટલાં દયાળુ છે એમ તું ધારે છે? મરવા ગયો, પણ મર્યો નહિ.” અને પછી સ્ટેશનથી એન્જિન આવ્યું તેમાં મઘાને લાવવામાં આવ્યો. એના પગે થોડું વાગ્યું હતું. હાથ પકડી એને દાદર ચડાવ્યો અને ડાહ્યાભાઈ સામે ખડો કર્યો. “આ મઘો આયો, સાહેબ. લે અલ્યા, માફી માગ!” “ના, ના. માફી કોની વળી? બેસ મઘા. તમે બધાં છોડો એને. એ તો હું જોઈ લઈશ.”

એક દિવસ ડાહ્યાકાકા કહેતા હતા : “આ મઘાને પૈસા નથી જોઈતા, પગારમાં વધારો નથી જોઈતો; પણ ફક્ત હૂંફ જોઈએ છે. કોઈ એને મીઠો બોલ કહેનારુંય નથી. બે બૈરી અને છ છોકરાં. એક બૈરીએ આપઘાત કર્યો. એક છોકરો ટ્રેન નીચે કપાયો. બાકીના રોગે મૂઆ. અને જીવી ગયો એ એકલો. ત્રણચાર વાર મરવા ગયો, પણ ન મર્યો. એનાં સગાંવહાલાંમાં કોઈએ ચોરી કરેલી, તે ફોજદાર એની ઉપર નજર રાખે. ગામવાળા અતડા રહે. નજીકનું સગું કોઈ મળે નહીં. આજે દસબાર ભાખરા ટીપી રાખશે, તે ત્રણચાર દિવસ ચાલ્યા કરશે. શાકભાજીમાં અલ્લાયો. છ મહિનામાં એક દિવસ મેં એને મૂળા લાવતો જોયો છે, બસ! “એને જીવવામાં રસ જ નથી. એક દિવસ શનિવારે મેં એને હનુમાન-દર્શન કરવા સાથે આવવા કહ્યું, તો કહે : અરે, શું માસ્તર સાયેબ! હવે મારે હનમો કેવો ને દર્શન શેનાં? વળી કંઈ ધરમધોન કરું અને મોત આઘું ઠેલાય, તો એટલી મારે ઉપાધિ! ના ના, તમે જાઓ છો તો લ્યો, આ પૈસો નાંખતા આવજો! અને મારા વતી કે’જો કે, હનમોદાદા, મઘલાનું મોત જરા વે’લું મોકલોને!”