સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચિનુભાઈ પટવા/આપણા લોકો!

          એક ઓળખીતાને ત્યાં મિત્રોનો ડાયરો જામેલો હતો. ચર્ચાનો વિષય એ હતો કે “આપણા લોકો કેવા ખરાબ છે!” એ ચર્ચામાંથી સચોટ દાખલા લઈ અમે નીચે પ્રમાણે તારવણી કરી : ખરેખર, આપણા લોકો કેટલા ખરાબ છે! અને તેમાંયે ખાસ કરીને પાડોશીઓ તો — વાત જ જવા દો ને! જરૂર પડી ને થરમોમીટર લેવા ગયા તો કહે, “પેલું ફૂટી ગયું પછી નવું મંગાવવું ભૂલી ગયાં છીએ!” એટલું તો ઠીક, પણ શેકની કોથળી માગીએ તો સારી રાખીને કાણી જ આપે. ને ઉપરથી ખાનગી ટીકા કરે કે, પાડોશીઓથી તો તોબા! આપણને છાપાંનો શોખ હોય અને જરા માગવા જઈએ તો કહે : “હજી વાંચ્યું નથી.” ભલા માણસ, છાપાં મંગાવો છો તો વહેલી સવારે વાંચી લેતા હો તો! પણ એમની આળસના ભોગ આપણે બનવું પડે. પછી બપોરે માગવા જઈએ તો કહે : “અરર, બાબાએ ફાડી નાખ્યું”; નહીં તો, “એ ઑફિસે લઈ ગયા છે.” કેટલાક તો એવા હોય છે કે નવી ચોપડી તેમને ત્યાં લાવ્યા હોય ને તુરત આપણે જરા જોવા લાવ્યા હોઈએ, અને ધારો કે વાંચવામાં રસ પડી ગયો હોય ને બે દિવસ રાખી લીધી, તો તુરત નોકરને મોકલી ચોપડીની ઉઘરાણી કરશે. અલ્યા ભઈ, અમારે ત્યાં કંઈક લોકોની ચોપડીઓ વરસોથી પડી છે તે તો યાદેય કરતા નથી, અને તમને બે દિવસ ભારે પડી ગયા! પણ શું કરીએ — આપણા લોકો જ ખરાબ છે ત્યાં? મોડી રાતે દૂધ મેળવવા થોડું મેળવણ સુધ્ધાં ના રાખે તેને શું કરીએ? અને ખુદ આપણા મિત્રો પણ કેવા ખરાબ હોય છે! ગયા રવિવારે અમે પેલા મિત્રાને ત્યાં ગયા, તો એ લોકો ઘરમાં જ નહીં. અને આ પહેલી વાર નથી. જ્યારે જઈએ ત્યારે તેઓ કંઈ બહાર જ ગયા હોય; અને પાછા કહે, કેમ ઘેર આવતા નથી? આપણે ગયેલા તેની વાત કરીએ એટલે કહેશે કે, “બરાબર એ જ સમયે અમે તમારે ત્યાં ગયા હતા, અને તમારે ત્યાંથી કહ્યું કે તમે અમારે ત્યાં ગયા છો એટલે અમે તરત પાછા આવ્યા, તો તમે બીજે ચાલ્યા ગયા.” ત્યારે શું આપણે એમની રાહ જોઈને ત્યાં ઓટલે બેસી રહીએ? ના, ના, આ તો એક વાત છે — પણ જ્યાં આપણા લોકો જ ખરાબ હોય, ત્યાં કોને દોષ દઈએ?