સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચિનુભાઈ પટવા/સંતોષી તે સુખી

          થોડા દિવસ પર એક શ્રીમંત ગૃહસ્થને મળવા જવાનું થયું. ચિઠ્ઠી મોકલાવી અમે ઓટલે રાહ જોતા ખુરશીમાં બેઠા. દરમિયાન અંદરના દીવાનખાનામાં નવી મોટર વિશે ચર્ચા ચાલતી હતી. એક જણ કહે: “હવે નોંધાવી છે તો લઈ લઈએ; કારણ કે સરકારની નવી નીતિ પ્રમાણે ત્રણમાંથી એક જૂની પણ ટકે તો ભગવાનની મહેરબાની!” બીજા સભ્ય કહે: “હવે દર વર્ષે નવી મોટરો લેવામાં કશો લાભ રહેતો નથી. જૂનીના પાંચે નહીં ઊપજે અને નકામાં પંદર હજાર ફેંકી દેવા!” થોડી વારમાં તે શ્રીમંત બહાર આવ્યા અને બોલ્યા: “હવે તો દુ:ખના દહાડા આવ્યા છે. આ વર્ષે મોટર પણ માંડ બદલાશે.” એમાં સંમતિ દર્શાવતાં મેં કહ્યું: “હા, શેઠસાહેબ! આપની વાત સાચી છે. આપના જેવો મોભો ધરાવનાર દર વર્ષે ગાડી બદલી ના શકે એ તો ભારે દુ:ખની વાત કહેવાય. હશે, જેવી સરકારની—અરે, ઈશ્વરની મરજી.” સ્વભાવે અમે ચર્ચામાં ઊતર્યા વગર સૌના મતને ટેકો આપવાવાળા જ છીએ. પરંતુ અમને અંતરથી લાગતું હતું કે, અમે પોતે એ શ્રીમંત ગૃહસ્થ કરતાં જરા વધુ સુખી છીએ. કારણ કે અમારી આકાંક્ષાને અમે પહોંચી વળીએ છીએ. પરંતુ જ્યારે અમે રસ્તામાં દાતણ લેવા રોકાયા ત્યારે સમજાયું કે કોઈ અમારા કરતાં પણ વિશેષ સુખી છે! ધક્કો બચાવવા અમે ત્રણ દિવસનાં દાતણ ઉઠાવ્યાં, તો દાતણવાળીએ નમ્રતાથી કહ્યું: “શેઠ! આજે ઓછાં પાડ્યાં છે અને બીજા રોજના ગ્રાહકો બાકી છે, એટલે એમને માટે રાખવાં પડશે. આપ પાંચ લઈ જાઓ.” અમે પૂછ્યું: “એ તો ઠીક છે, પણ તું વધારે જ શા માટે નથી લાવતી?” તો કહે: “મારે રોજનો રૂપિયો જોઈએ. વધુ લોભ શા માટે કરું? એટલો માલ વહેલો વેચાય તો વહેલી છોકરાં ભેગી થઈ જાઉં ને!” એ જ રીતે અમારું કંપાઉંડ વાળનારી ઝાડુવાળી પણ ભારે સંતોષી લાગે છે. નિયમિત રોજનો આનો આપવાનું કહ્યું તો મંજૂર રાખ્યું, અને આવે ત્યારે આનો લઈ જાય છે. પછી એક વાર અમે સમજાવ્યું કે “મહિનાનો પગાર બાંધ. રોજનો આનો ગણતાંયે એકત્રીસ દિવસના એક રૂપિયો અને પંદર આના થાય. હું બે રૂપિયા આપીશ.” પણ એણે માન્યું નહિ અને દલીલ કરી કે, પગારથી તો બંધાવાનું ને? એટલે કે પગાર લે તો રોજ આવવું જ જોઈએ ને! અને રોજના આનામાં તો ન આવવું હોય તો આનો જાય. પણ ના આવવાની છૂટ તો ખરી ને? અમેરિકાની પોલીસે થોડાં વર્ષ પર એકેક ડોલરની ખોટી નોટના બનાવનારની શોધ કરવા માંડેલી. પરંતુ ત્રણ વર્ષ લગી એ બનાવટી નોટના કીમિયાગરને શોધી શકી ન હતી. આખરે તે માણસ નીકળ્યો એક પંચોતેર વર્ષનો બુઝર્ગ. અને તે નહોતો પકડાયો તેનું કારણ એ હતું કે તે માત્ર પોતાની જરૂરિયાત પૂરતી જ એકેક ડોલરની નોટ બનાવી વાપરતો હતો. પોતે ઘસાઈ ગયેલો ગરીબ હતો અને કમાણીનું કાંઈ સાધન રહ્યું ન હતું. પણ એટલો સંતોષી હતો કે અઠવાડિયે જો એક જ ડોલરની જરૂર પડે તો બીજો ડોલર બનાવતો નહિ. આમ નવી નોટોની સંખ્યા એટલી અલ્પ હતી કે તેના બનાવનારને શોધતાં પોલીસને આટલાં વર્ષો લાગેલાં. પેલા શિવરામ દિલરૂબા રિપેર કરનારને ઓળખવા જેવો છે. એના જેવું સુખી જગતમાં નહિ તો આપણા શહેરમાં તો ભાગ્યે જ કોઈ હશે. એક શેઠ એમની મોટરમાંથી દિલરૂબા સાથે ઊતર્યા. શેઠ કહે: “શિવરામ, દિલરૂબા ક્યારે મળશે?” “એ તો સાહેબ, કેવી રીતે કહેવાય?” “કેમ, કામ ઘણું છે?” “ના, પણ સાંજના છ સુધીમાં કદાચ મળી જાય.” “સારું, તો છ વાગે અહીં થઈને લેતો જઈશ.” “પણ શેઠ, એની ખાતરી નહીં. પેલા નારણભાઈ તેમનું દિલરૂબા લઈ જાય તો પછી તમને કાલે મળે. નહિ તો કદાચ આજે પાંચ વાગ્યે પણ તમારું થઈ જાય.” “મને કંઈ સમજાતું નથી.” “શેઠ, વાત એમ છે કે જો નારણભાઈ તેમનું દિલરૂબા લઈ જાય અને મને ચાર રૂપિયા આપતા જાય તો પછી આજે કામ કરવાની રજા. મને તો રોજના ચાર રૂપિયા મળે એટલે સંતોષ. હાલ તમારું કામ શરૂ કરું છું, કારણ કે તમે રોકડા નાણાં આપો છો. હવે જો નારણભાઈ ના આવે તો રૂપિયા ચાર લેવા તમારું કામ પાંચ વાગે પણ પતી જાય. પણ જો પોણા પાંચે પણ નારણદાસના ચાર રૂપિયા મળે તો ત્યાંથી તુરત તમારું કામ અટકે.” “અલ્યા, પણ સાંજે જલસો છે અને જરૂર છે માટે ગમે તેમ કરીને સાંજે તો જોઈએ જ.” “સાહેબ, મને તો ચાર રૂપિયા મળે એટલે મારો જલસો શરૂ થઈ જાય. પછી સમારકામ બંધ ને સંગીત ચાલુ.” “પણ કંઈ રસ્તો નહિ?” “હા, નારણદાસને રોકો. એ મને પૈસા ના આપે તો તમારું કામ થઈ જાય.” આટલો વાર્તાલાપ સાંભળી અમે વિદાય થયેલા. પછી સાંજે પાછા ફરતાં કુતૂહલથી અમે તેને પૂછ્યું: “કેમ, નારણદાસે આજની રોજી આપી હતી કે નહીં!” “ના જી. કેમ?” “તો તો પેલા શેઠ દિલરૂબા વખતસર લઈ ગયા. નસીબદાર.” “ના રે—આ રહ્યું તેમનું દિલરૂબા પેલી લાલ કોથળીમાં વીંટેલું.” “કેમ એમ, અલ્યા?” “એમાં નારણદાસનો કે શેઠનો વાંક નથી. પણ વડોદરાથી એક ભાઈ પેલું નવું દિલરૂબા ખરીદી ગયા. એટલે મારા હાથમાં સિત્તેર રૂપિયા આવ્યા. હવે હું અમદાવાદમાં શું કામ રહું? કુટુંબને લઈને આજે અંબાજી જાઉં છું!” [‘અવળે ખૂણે’ પુસ્તક]