સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચીમનભાઈ અમીન/“આ તો ખાડા બરાડવા લાગ્યા!”

From Ekatra Wiki
Revision as of 08:46, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} વડોદરાના કમાટી બાગમાં એક વાર મોતીભાઈ અમીન સાથે હું લટાર મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          વડોદરાના કમાટી બાગમાં એક વાર મોતીભાઈ અમીન સાથે હું લટાર મારતો હતો. મેં પૂછ્યું, “હેં મોતીભાઈ, આપણે સ્વતંત્ર થઈશું ખરા?” મોતીભાઈએ જવાબ આપ્યો : “પે…લું ઝાડ સામે જેટલું સાફ દેખાય છે, તેટલું સ્વરાજ મારી નજર આગળ સ્પષ્ટ દેખાય છે. પણ સ્વરાજ આવશે ત્યારે આપણે તેને સરસ રીતે ઝીલી શકશું કે કેમ તે વિશે મને શંકા છે. સ્વરાજ માટે આપણે પ્રજાને કેળવવી પડશે, સમજદાર બનાવવી પડશે. નહીં તો પ્રજા એ સ્વરાજની વગોવણી કરશે.” મોતીભાઈની એ વાતની ખાતરી મને બીજા એક પ્રસંગે થઈ. હું ગાડીમાં મુસાફરી કરી રહ્યો હતો. બાજુમાં ત્રણ-ચાર ફક્કડ જુવાનો જોરજોરથી ચર્ચા કરતા હતા : “આ સરકારથી તો હવે વાજ આવી ગયા છીએ. ઓહોહો, કંઈ કરવેરા નાખ્યા છે કંઈ કરવેરા!” મારાથી રહેવાયું નહીં, એટલે મેં વચમાં પૂછ્યું : “ભાઈઓ! કયા કરવેરાથી તમે આટલા બધા અકળાવ છો?” પેલા યુવાનોએ કહ્યું, “અરે! આ ઇન્કમ-ટેક્સ ને સુપર-ટેક્સ ને ડેથ ડ્યૂટી… કાંઈ સુમાર નથી, સાહેબ!…” મેં પૂછ્યું, “અલ્યાઓ! તે તમારા ગામમાં કેટલા લોકો ઇન્કમ-ટેક્સ ભરે છે?” એક ચબરાક યુવાન કહે, “અમારે ત્યાં તો કોઈ નથી ભરતા, પણ બીજાઓને તો ભરવો પડે છે ને!” ફરી મેં પૂછ્યું, “તમારે ત્યાં સુપર ટેક્સ કેટલા લોકો ભરે છે?” એ યુવાન બોલ્યો, “અમારે ત્યાં તો કોઈ નથી ભરતા, પણ બીજાને તો ભરવો પડે ને…” વળી મેં પૂછ્યું, “તમારા ગામમાં લાખ રૂપિયાથી વધુ મિલકતવાળા કેટલા? એવા કેટલાકને ડેથ ડ્યૂટી લાગુ પડી?” જુવાન પાસે તો એનો એ જવાબ હતો : “અમારે ત્યાં તો કોઈ નથી ભરતા, પણ બીજાઓને તો ભરવી પડે ને…” છેવટે મેં પૂછ્યું, “તો પછી તમારા ગામમાં ટેક્સ કયો લાગે છે?” જુવાને કહ્યું, “અરે સાહેબ! આ હાઉસ ટેક્સ તો ખરો કેની?” પછી મેં જ્યારે એમને પૂછ્યું કે આ ઘરવેરો કેટલો, તેની આવક ક્યાં અને કોને માટે વપરાય છે, તો યુવાનોને તેની કશી ગમ નહોતી. એટલે મેં સમજાવ્યું કે ગ્રામપંચાયતના બધા કરવેરા જે-તે ગામનાં સાર્વજનિક કામોમાં જ વપરાય છે, અને આજે તો ગામની સોએ સો ટકા મહેસૂલ પણ ગામમાં જ વપરાય છે, ત્યારે તેઓ બોલી ઊઠ્યા : “અમને તો આવી કશી ખબર નહોતી... અમે આ બધું નહોતા જાણતા!” આખરે મેં એમને સમજાવ્યું કે, “ભલા માણસ, જો ખાડા પૂરવા હોય તો ક્યાંક ટેકરા ખોદવા પડે ને? પૈસાવાળા પર કરવેરા નાખીએ, તો જ ગરીબોના કલ્યાણનાં કામ થાય. અને ત્યારે ટેકરા બરાડા પાડે તે તોે સમજી શકાય; પણ અહીં તો, ‘લ્યા, ખાડા ઊઠીને તમે બરાડો છો!” [‘પંચવાણી’ અઠવાડિક : ૧૯૬૬]