સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જતીનભાઈ દલાલ/ચા-નાસ્તો

          ‘કટોકટી’ના દિવસોમાં એક દિવસ બાબુભાઈ બસમાં બેસીને અમારે ઘેર આવેલા. પોલીસ એમ્બેસેડર ગાડીમાં એમની પાછળ પાછળ ફરીને એમની હિલચાલની નોંધ રાખે. એ રીતે પોલીસ પણ અમારે ઘેર પહોંચી. બાબુભાઈ અમને કહે, પોલીસ થાકી ગઈ હશે; એમને માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરીએ. બહાર જઈને મેં પોલીસને કહ્યું કે, તમે લોકો મોટરગાડીમાં બેસીને આવો છો, તે તમને એમ નથી થતું કે આ માજી મુખ્ય મંત્રી બસમાં આવે છે તેને પણ ગાડીમાં બેસાડીએ! એ સાંભળીને એક કોન્સટેબલ રડી પડ્યો: અમારે અમારી ફરજ બજાવવી પડે છે. બાકી આ માણસની વાત થાય તેમ નથી! જ્યાં જ્યાં અમે એની પાછળ જઈએ છીએ ત્યાં અમારા ચા-નાસ્તાની વ્યવસ્થા કરાવે છે.