સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંતીલાલ મો. શાહ/અટંકી યોદ્ધો

From Ekatra Wiki
Revision as of 12:19, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} બીજા વિશ્વયુદ્ધ વખતે ચર્ચીલે બ્રિટનના વડા પ્રધાન તરીકે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          બીજા વિશ્વયુદ્ધ વખતે ચર્ચીલે બ્રિટનના વડા પ્રધાન તરીકે પોતાના દેશને જે દોરવણી આપી, બ્રિટનવાસીઓને જે રીતે મર્દ બનાવ્યા, અને સાથી રાજ્યોને વિજયી બનાવવામાં જે ફાળો આપ્યો તે ચિરસ્મરણીય બની રહેશે. બ્રિટનના વડા પ્રધાન થતાંની સાથે જ તેણે પોતાના દેશવાસીઓને ખોટી આશાઓ આપવાને બદલે પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આપ્યો તથા દેશ અને દુનિયામાં પડઘો પાડનાર ખૂબ જ પ્રેરક શબ્દો કહ્યા: “મારે તમને લોહી, શ્રમ, આંસુ અને પસીના સિવાય બીજું કાંઈ આપવાનું નથી.” જર્મનોના જબરદસ્ત અને ઝડપી આક્રમણ સામે બ્રિટનને ડન્કર્ક(ફ્રાન્સ)માંથી પીછેહઠ કરવી પડી ત્યારે પરિસ્થિતિ ખૂબ જ કપરી અને કટોકટી ભરેલી હતી. યુરોપ હિટલરની એડી નીચે આવી ગયું હતું; રશિયા જર્મની સાથે જોડાઈ ગયું હતું; અને અમેરિકા હજુ તટસ્થતાની વાડ ઉપર બેઠું હતું. આ અરસામાં એક વખત લોર્ડ હેલિફેક્સ ચર્ચીલની ઓફિસમાં ગયા ત્યારે તે પ્રધાન મંત્રી બ્રિટિશ પ્રજા જોગ પોતાના ભાવિ વાયુપ્રવચનનું રિહર્સલ કરી રહ્યા હતા અને પોતાના વિષયમાં તલ્લીન થઈને બોલતા હતા: “...આપણે સમુદ્રના કિનારા ઉપર લડીશું; આપણે ખેતરોમાં અને શેરીઓમાં લડીશું ....અને કદાચ તેઓ લંડન આવી પહોંચશે તો હું રસ્તાના છેડે આવેલા પેલા સિમેન્ટ-કોંક્રિટના રક્ષણ-સ્તંભમાં પહોંચી જઈશ. અને તમે જાણો છો કે હું કાંઈ નબળો નિશાનબાજ નથી... આપણે કદી શરણે જઈશું નહીં!” ધખધખતી ભઠ્ઠીમાંથી જેમ તણખા છૂટે, તેમ તેના સળગતા દિલમાંથી આ શબ્દો નીકળતા હતા. પોતાના લોકોનાં દુ:ખમાં સહભાગી થવાની, તેમને આશ્વાસન આપવાની અને તેમનો નૈતિક જુસ્સો ટકાવી રાખવાની એક પણ તક તે જતી કરતા નહીં. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપવા તથા પોતાની જાતને કૃતાર્થ કરવા ચર્ચીલ હંમેશાં તત્પર રહેતા. અને એ ધન્ય ઘડી એક રીતે તેમની સન્મુખ હાજર થઈ અને અગ્નિપરીક્ષામાંથી તેમને ઉત્તીર્ણ કરી ગઈ. યુદ્ધમાં હારતા જતા જર્મનીને આખરી ફટકો મારવા યુરોપમાં ઉતરાણ કરવાનો સાથી રાજ્યોએ નિશ્ચય કર્યો, અને આઈઝનહોવરની સરદારી નીચે તે માટેની બધી તૈયારીઓ થઈ ગઈ. ચર્ચીલ પોતે ઉતરાણ કરનાર દળ સાથે જવા તૈયાર થયા, પરંતુ આઈઝનહોવરે મક્કમતાપૂર્વક કહ્યું કે તેઓ ચર્ચીલને ઉતરાણ કરનાર દળ સાથે જવા દેશે નહિ; કારણ, પ્રધાનમંત્રી તરીકેની તેમની જગ્યા પૂરી શકે એવી કોઈ સમર્થ વ્યકિત દેખાતી નહોતી. આ બાજુ ચર્ચીલ કોઈનું સાંભળે એમ નહોતા. તેણે સ્પષ્ટ રીતે કહી દીધું કે સરસેનાપતિ આઈઝનહોવરની સત્તા બ્રિટનના વડા પ્રધાન ઉપર ચાલી શકે નહીં. આથી પાર્લમેન્ટના કેટલાક સભ્યોએ શ્રીમતી ચર્ચીલને વિનંતી કરી કે તેઓ તેમના પતિને દળ સાથે ન જવા માટે સમજાવે. પરંતુ શ્રીમતી ચર્ચીલે ગૌરવપૂર્વક કહ્યું, “દેશ માટે અનેક જુવાનિયા પોતાની જિંદગી જોખમમાં નાખી રહ્યા છે; આ સંજોગોમાં વિન્સ્ટન પોતાની ફરજ અવશ્ય બજાવશે—ભલે પછી ગમે તે પરિણામ આવે.” આખરે ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જના કાને આ વાત પહોંચાડવામાં આવી. તેમણે કુનેહપૂર્વકની દરમિયાનગીરી કરતાં કહ્યું, “જો ઇંગ્લેન્ડના વડા પ્રધાન માટે આક્રમણમાં ભાગ લેવો યોગ્ય હોય, તો ખુદ ઇંગ્લેન્ડના રાજા માટે તો તેમાં ભાગ લેવો ખૂબ જ વધુ યોગ્ય ગણાય.” આ દલીલ સામે ચર્ચીલ નિરુત્તર થઈ ગયા અને અનિચ્છાપૂર્વક તથા ખિન્ન હૃદયે તેમણે આક્રમણમાં જોડાવાનું માંડી વાળ્યું. [‘ભૂમિપુત્ર’ દશવારિક: ૧૯૭૭]