સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંતીલાલ સો. દવે/નીંભાડો મારા નાથનો

નીંભાડો ખડકાણો મારા નાથનો,
માંહીં ઓરાણાં તમામ :
નાનાં ને મોટાં, નીચે-ઉપરે
ઠાંસીને ભરિયાં છે ઠામ.
લાગી રે લાગી આ ઝાળું આગની,
એના તમે કરી લ્યોને સંગ;
ચારે રે દિશાથી તાપને નોતરો,
જોજો — એક્કે કાચું રહે નહિ અંગ....
આયખું ઉજાળો તપીને ટેકથી,
જોજો ભાઈ, ખૂટી નવ જાય હામ!
ફૂટયાં તે દી કહેવાશે ઠીંકરાં,
કોઈ નહિ કહેશે તમને ઠામ.
નીંભાડો ઉખાળી લેશે પારખાં,
છાપ દેશે છાતીને મોઝાર;
ઝીલીને રુદિયામાં એની છાપને
પહોંચવું દુનિયાને દુવાર.
કાળે રે ઉનાળે તરસ્યું ટાળવી
શોષી સઘળા તાપ;
ભીતરની ભીનાશું, ભાઈ, નવ મૂકવી —
પડે ભલે તડકા અમાપ....