સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત કોઠારી/ઊર્ધ્વલોકની યાત્રાએ

          મેઘાણીનું ગાંધીજી-વિષયક કાવ્ય ‘છેલ્લો કટોરો’ ગુજરાતી સાહિત્યમાં ઘણી પ્રસિદ્ધિ પામ્યું છે. એને ગાંધીજીનું પ્રમાણપત્ર પણ સાંપડેલ છે. પણ ગાંધીજીવિષયક બીજું એક મેઘાણી-કાવ્ય ‘છેલ્લી સલામ’ મને આનાથીયે ચડિયાતું ભાસે છે. અસ્પૃશ્યો માટે અલગ મતદારમંડળો રચવાનો અંગ્રેજ સરકારનો નિર્ણય જાહેર થયો તેના વિરોધમાં ગાંધીજીએ અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ કર્યા, એ પ્રસંગને અનુલક્ષીને ‘છેલ્લી સલામ’ કાવ્ય રચાયેલું છે. ગાંધીજીએ એ સ્પષ્ટ કર્યું હતું કે ઉપવાસ કરવામાં પોતાનો ઉદ્દેશ સરકાર ઉપર દબાણ લાવવાનો નહીં પણ સવર્ણ હિંદુઓની ન્યાયવૃત્તિ જાગ્રત કરવાનો છે, જેથી તેઓ અસ્પૃશ્યો પ્રત્યે ભેદભાવ રાખતા બંધ થાય અને અસ્પૃશ્યો માટે અલગ મતદારમંડળોની જરૂર ન રહે. સવર્ણોએ અસ્પૃશ્યો પર ગુજારેલા સિતમો અને એને લઈને ગાંધીજીને થતી અપાર વેદનાનો એકમાત્ર દોર લઈને મેઘાણીએ ‘છેલ્લી સલામ’ કાવ્ય રચ્યું છે. કાવ્ય ઐતિહાસિક છે. પણ કાવ્યમાં એની ઐતિહાસિકતાનો નિર્દેશ નથી — ન ગાંધીનો, ન એમના અનશનનો, ન અનશનના કારણનો. આપણે એ ઐતિહાસિકતાને લઈને કાવ્યમાં પ્રવેશવાનું છે. કાવ્યમાં આપણે પરાકાષ્ઠાની નજીકની ક્ષણે પ્રવેશીએ છીએ. અનિશ્ચિત મુદતનું અનશન મરણાન્તક પણ બને. ગાંધીજી મરણાસન્ન સ્થિતિએથી બોલી રહ્યા છે, વિદાય માગી રહ્યા છે, એ રીતે કાવ્યનો આરંભ થાય છે. વિદાય હમેશાં હૃદયને આર્દ્ર કરનારી હોય છે, પણ આ તો ગાંધીની વિદાય છે — એક મહા આત્માનું મહાન હેતુ કાજે આત્મસમર્પણ છે. એ આપણને હલાવી મૂક્યા વિના રહે નહીં. પણ ગાંધીજીનો પોતાનો સ્વર તો શાતાભર્યો છે, પ્રેમનીતરતો છે, ક્ષમાભાવભર્યો છે. એ સલામ પાઠવે છે ને જુહાર કરે છે સૌ પ્રથમ ‘મારાં ભાંડુડાં’ને. આ ‘મારાં ભાંડુડાં’ કોણ? કાવ્યમાં પછીથી આવતી પંક્તિ “એની તો વણાવી ધીંગી ધરમ ધજાઓ, એને ભાંડું કેરે રગતે રંગી ભલી ભાત”ને યાદ કરીએ, તો સમજાય કે ‘મારાં ભાંડુડાં’ એટલે જેમને ખાતર ગાંધીજીએ પોતાના જીવનને હોડમાં મૂક્યું છે એ દલિતો. પહેલી વિદાય-સલામ તો એમને જ હોય ને! પણ જગપ્રેમી ગાંધી કંઈ જગતને, અને પોતાના વિરોધીઓને પણ, થોડા વીસરી શકે? “મળાયું ન તેને સહુને માફામાફ કે’જો, ને રુદિયામાં રાખી અમને રે’જો” એ ઉદ્ગાર બતાવે છે કે ગાંધીજી જગતને પ્રેમ કરનારા માત્ર ન હતા, જગતનો પ્રેમ ચાહનારા પણ હતા. એમાં જ પ્રેમની પરિપૂર્ણતા છે ને? આ કડીમાં ગાંધીજીની નરી નમ્રતા, નરી નિર્વૈરતા, નરી પ્રેમમયતાનો સ્પર્શ આપણે અનુભવીએ છીએ અને એ દ્વારા એમના વ્યક્તિત્વની અસાધારણતા, લોકોત્તરતા પ્રતીત કરીએ છીએ. હવે આત્મસમર્પણનો ઉત્કટ ભાવ. કેવો ઉત્કટ? “ટીપે ટીપે શોણિત મારાં તોળી તોળી આપું”. શોણિત તોળી આપવાની વાત જ આત્મસમર્પણની ઉત્કટતા વ્યક્ત કરવા સમર્થ છે, પણ “ટીપે ટીપે” “તોળી તોળી” એ દ્વિરુક્ત પ્રયોગથી સમર્પણભાવની ઉત્કટતા ગાઢી બને છે. “ટીપે ટીપે” એટલે એક એક ટીપું આપીને નહીં, પણ એકેએક ટીપું, ટીપેટીપું આપીને. શિબિરાજાએ શરણે આવેલા હોલાને બચાવવા સામા છાબડામાં પોતાના શરીરનું માંસ ટુકડે ટુકડે મૂકતા જઈને અંતે આખું શરીર ધરી દીધેલું, એ ભવ્ય આત્મસમર્પણકથા આપણને અહીં યાદ આવે. પછીની પંક્તિમાં કહેવાયું છે કે આત્મસમર્પણ પાપના પ્રાયશ્ચિત્તરૂપે છે. પણ પાપ તો એવું છે કે આવા આત્મસમર્પણથીયે એનું પૂરું પ્રાયશ્ચિત્ત થઈ શકે તેમ નથી. કદીયે ન ધોઈ શકાય એવું પાપ છે. “પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી” — કેવો આબાદ ભજનવાણીનો ઉદ્ગાર છે આ! ભૂતકાળનાં પ્રજાકીય પાપનાં — પૂર્વજોનાં પાપનાં બે દૃષ્ટાંતો અહીં અપાયેલાં છે. એ આર્યપ્રજાએ અનાર્યપ્રજા પર ગુજારેલ અત્યાચારનાં દૃષ્ટાંતો છે. “મારા પૂર્વજ” કહીને ગાંધીજી પોતાને પણ એ પાપના વારસદાર — ભાગીદાર બનાવે છે. અત્યાચાર, અન્યાયના પ્રસંગોનું સીધું કથન જ થયું છે. કવિ-કલ્પનાનો કશો ઓપ એમાં નથી. છતાં એ બે કડીઓ હૃદયમાં જડાઈ જાય છે. આનું રહસ્ય શામાં છે? એકેએક શબ્દ અને ઉક્તિની ઔચિત્યપૂર્ણતામાં અને અર્થસભરતામાં. લોકબાનીના લાક્ષણિક શબ્દપ્રયોગો એમાં સહજ રીતે આવી ગોઠવાઈ ગયા છે : “પાંડુ તણા પુત્રો”, “આદુના નિવાસી”, “રુદાનો વિસામો”, “ખાધેલ ખોટયું” વગેરે. તે ઉપરાંત “ભુંજાણાં”ને “ઓરાણાં” એ ક્રિયાપદોની અર્થવાહકતા તો અદ્ભુત છે. બળવાની સામાન્ય ક્રિયાનો બોધ એ કરાવતાં નથી. ધગધગતી કડાઈમાં અનાજના દાણા શેકાતા હોય, આંધણના ઊકળતા પાણીમાં અનાજ નખાતું હોય, એનાં ચિત્રો આપણી આંખ સામે ખડાં થાય છે, અને અત્યાચારકથા ભારે હૃદયદ્રાવકતા ધારણ કરે છે. નાગલોકો પરના અર્જુનના અત્યાચારની વાત તો ઠીક, પણ ખુદ રામે ઊઠીને શૂદ્ર તપસ્વી શંબૂકને કરેલા અન્યાયની વાત ગાંધીજીના મુખમાં મૂકવાનું કામ જરા કપરું કહેવાય. પણ મેઘાણીની ઔચિત્યબુદ્ધિને, એમના અભિવ્યક્તિકૌશલને આપણે દાદ દેવી પડે. “રઘુપતિ રામ મારા રુદાનો વિસામો” એવા ઉદ્ગારથી પ્રથમ ગાંધીજીની રામભક્તિને સુંદર રીતે ઉઠાવ આપ્યો, અને પછી “ઋષિઓને વચને ખાધેલ ખોટયું” એમ જરા હળવાશથી — કહો કે બચાવનામા સાથે — એમના દોષની રજૂઆત કરી દીધી. રામ પ્રત્યેનો આદર ઓછો થતો નથી, પણ એમનો દોષ તે દોષ જ રહે છે, ને એનાં પરિણામ આજ સુધી પહોંચે છે — “એનું ઘોર પાતક આજે ઊમટ્યું…!” દાખલા તો બે જ, પણ પછી સમગ્ર પરિસ્થિતિનું જે ચિત્ર મેઘાણી દોરે છે, એ તો હૃદયમાં ઉત્પાત મચાવે એવું છે. “છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથ્વીના પેટમાં” વિવિધ ક્રિયાપદોના સમુચ્ચયથી સંહાર એ માત્ર સંહાર રહેતો નથી, સંહારલીલા બને છે. પણ કેવળ સંહારથી આતતાયીઓનું કામ કદી પૂરું થાય છે? એમનાં બીજાં શસ્ત્રો પણ છે, ને કદાચ વધારે દર્દનાક — નિશ્કાસન અને ઘૃણા (“અસુરો કહી કાઢ્યાં વનવાસ”), યાતનામય જીવન (“જીવતાંને કાજે જુદી નરકું બંધાવીયું”), છેવાડાનું સ્થાન અને ગુલામી (“સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ”). આર્ય પ્રજાએ આ દેશની આદિ-નિવાસી પ્રજા પર જે જે વિતાડયું તે સઘળું મેઘાણીએ આ ચાર પંક્તિમાં કેવા લાઘવથી ને સચોટ રીતે વર્ણવી બતાવ્યું છે! આ અન્યાય-અત્યાચારને ધર્મનું રૂપ આપવામાં આવ્યું, તેની વાત પછીની બે કડીઓમાં કરી છે. વર્ણવ્યવસ્થા હિંદુ ધર્મનું એક મહત્ત્વનું અંગ છે, અને એમાં એક ક્ષુદ વર્ગ ઊભો કરવામાં આવ્યો છે જે માનવઅધિકારોથી વંચિત છે. આ વાત કહેવા માટે મેઘાણીએ બે ધાર્મિક પ્રતીકો લીધાં છે — ધર્મધ્વજા અને હરિનો રથ. ધર્મધ્વજામાં શાનો વણાટ છે? સમર્થોની સત્તા, ધુતારાની ધૂતણબાજી, કુડિયા ગુરુની કરામત વગેરેનો. એટલે કે ધજા એ સત્તાનું, ધૂર્તતાનું, કૂડકપટનું પ્રતીક બનેલ છે. આ બધું દલિતોને કાયમ દલિત અવસ્થામાં જ રાખવા માટે છે. તેથી તો એ ધીંગી ધરમધજા “ભાંડું કેરે રગતે રંગી ભલી ભાત” એમ કહેવાયું છે. છેવાડે છતાં આ દલિતો હિંદુધર્મનું અંગ બની રહ્યા છે. સિતમોની ઝડીઓ સહીને પણ એમણે હિંદુધર્મને પુષ્ટ કર્યો છે. “ધરમધજા કેરે ક્યારે સિંચાણાં” એ અલંકારોક્તિનું આ તાત્પર્ય છે. “રુદામાં શમાવી સરવે રુદનપિયાલા, વાલાં હરિ કેરા રથડા હેઠળ પિલાણાં” એનું પણ એ જ તાત્પર્ય. હરિનો રથ એમના બલિદાનપૂર્વક જ ગતિ કરતો રહ્યો છે. પણ હવે તો અવધિ આવી છે. ગાંધીજી પોકારીને કહે છે, “રથના સારથિડા — સુણજો, સાધુ ને ગુંસાઈ સરવે, કડાકા કરે છે રથની ધરીઓ.” હરિરથ તો ભલે રહ્યો પણ, ગાંધીજી હળવેથી ધ્યાન દોરે છે — “ભીતર તો નિહાળો : હરિ ક્યાં પળિયો?” ધર્મનું ખોખું જ રહ્યું છે, એનો આત્મા તો રિસાઈ ગયો છે. આ અન્યાય— અત્યાચાર કંઈ ઈશ્વરને માન્ય હોય? નવા યુગનાં મંડાણ થયાં છે, અને એની માગ છે પરિવર્તનની. “જુઓ જુઓ જુગનો ભેરવ ઊભો વાટ ખાળી આજે”, “જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો” એ પંક્તિઓમાં આ વાત મેઘાણીએ પ્રભાવક રીતે મૂકી છે. ધર્મના ધારણ-કાંટા આજે નવેસરથી મંડાયા છે. એક નવા ધર્મમૂલ્યની સ્થાપના માટે ગાંધી પોતાનું બલિદાન આપવા તત્પર થયા છે : “સતને ત્રાજવડે મારાં કલેજાં ચડાવિયાં મેં, શીશ તો નમાવ્યું શાસનદંડે.” કાવ્યના આરંભે આવેલી “ટીપે ટીપે શોણિત મારાં તોળી તોળી આપું” એ પંક્તિ અહીં યાદ આવે. પણ ત્યાં કેવળ પાપના પ્રાયશ્ચિત્ત રૂપે જીવનસમર્પણનો ભાવ હતો. અહીં એ તો છે જ, પણ એ ઈશ્વરી શાસન સ્વીકારવાની તૈયારીરૂપે આવે છે — “શીશ તો નમાવ્યું શાસનદંડે.” એમાં પરમ ઈશ્વર શરણતા અને નમ્રતા વ્યક્ત થાય છે. વળી, અહીં કેવળ પાપના પ્રાયશ્ચિત્તનો ભાવ નથી; સત્યધર્મની — ન્યાયધર્મની સ્થાપના અર્થે આત્મસમર્પણનો અતિ ઉદાત્ત ભાવ પણ છે. રોશ અને આક્રોશનું જાણે શાંત, નિર્મળ આત્મસમર્પણભાવમાં શમન થાય છે. એક માનવઆત્મા કેટલી ઊંચાઈએ પહોંચી શકે તેનું પાવનકારી દર્શન એમાં થાય છે. ફરી પાછાં વિદાયવચનો. દલિતોની યાતનામય જીવનસ્થિતિ માટેની ગાંધીજીની હૃદયની વેદના કાવ્યની પંક્તિએ પંક્તિમાંથી નીતરે છે, પણ વિદાયની કોઈ વેદના નથી. આ તો વધામણી આવી છે — શુભ સમાચાર, આનંદના સમાચાર, મંગલ અવસર આવ્યો છે. દલિતોનો મુક્તિયજ્ઞ મંડાયો છે, એમાં ગાંધીના નામની હાકલ પડી છે. ને આ તો હરિનું તેડું છે. એનો શોક શાનો હોય? માટે જ તો ગાંધીજી કહે છે : “હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વાલાં! રખે કોઈ રોકે નયણાં રડીને.” હસતે મુખે અને આંસુવિહીન આંખે — આનંદપૂર્વકની વિદાયને કવિએ મૂર્તતા અર્પી છે. હરિશરણ અને ધર્મપાલનના આવા પ્રસન્નમંગલ ધ્વનિ સાથે કાવ્ય સમાપ્તિ પામે છે, એમાં ગાંધીજીનું કેવું ઉજ્જ્વલ સંતત્વ પ્રગટ થાય છે! હૃદયને વલોવી નાખનારો વિશયવિભાવ — દલિતવર્ગની યાતનાભરી અધમદશા, એને અવલંબીને પ્રગટ થતું ગાંધીજીનું ભવ્યોજ્જ્વલ સંતચરિત્રા, એને સમર્થ રીતે અભિવ્યક્ત કરતાં ભજનવાણી ને ભજનસૂર — આ બધું આ કાવ્યને ઘણે ઊંચે સ્થાને સ્થાપે છે. ભાવદ્રવ્ય અને અભિવ્યક્તિકળા, બન્નેની અસામાન્યતા લઈને ‘છેલ્લી સલામ’ આવે છે અને આપણા ચિત્તને ઊર્ધ્વલોકની યાત્રા કરાવે છે. [‘શબ્દસૃષ્ટિ’ માસિક]