સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત કોઠારી/લોકોને સાહિત્ય તરફ વાળવા

          ગુજરાતી વિવેચન શબ્દાળુતામાં રાચતું દેખાય છે. કહેવાનું ઓછું હોય ને ઘટાટોપ વધારે હોય. આવું બધું જોઈએ ત્યારે થાય કે સીધી સરળ ભાષા લખવી એ ખરેખર અઘરું કામ છે, ને અઘરું લખવું એ સહેલું કામ છે. સીધી, સરળ અભિવ્યક્તિ વિચારની ચોકસાઈ ને ચોખ્ખાઈ વિના સંભવતી નથી. અખબારી કૉલમની લખાણની ગુણવત્તા પર અસર જરૂર થાય છે. એમાં સુરેશ જોશી પણ અપવાદ નથી. લખવા પાછળ જે દૃષ્ટિ તથા ખંત હોવાં જોઈએ, તે આપણા કટારલેખકોમાં નથી. કેટલાક તો ચાર-ચાર પાંચ-પાંચ છાપાંઓમાં લખતા હોય છે. પછી ગુણવત્તા જળવાય કઈ રીતે? વધારે લોકો સુધી પહોંચી શકે એવાં સામયિકો ખૂટે છે. લોકો સુધી જે પહોંચે છે તે સાહિત્યિક નથી હોતાં. અને જે સાહિત્યિક છે તેની ભાષા એવી છે કે લોકો સમજી ન શકે. બે વચ્ચે સમન્વય રચાવો જોઈએ. ‘મિલાપ’ એ કામ કરતું હતું. હવે આપણી પાસે એવું સામયિક નથી. લોકોને કલા અને સાહિત્ય તરફ વાળવા એ જ સવાલ છે. લોકો પુસ્તકો લેવા ન આવે, તો તમે લોકો પાસે પુસ્તકો લઈ જાઓ. ‘લોકમિલાપ’ એ કામ કરતું આવ્યું છે.