સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત પાઠક/કવિતા

Revision as of 12:07, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ચોકની વચ્ચે ઊભી કરેલી શૂળી પર ચઢી હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે?
હોય તો તું
કવિતા કરી શકે — કદાચ.
[‘કવિતા’ બે-માસિક : ૧૯૭૫]