સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પંડ્યા/કર્નલ સાહેબ

          વાત ૧૯૨૯ની સાલની. પરદેશથી ભણીગણીને આવેલો એક યુવાન સાબરમતી આશ્રમમાં મહેમાન બનીને આવ્યો. યુવાને ‘ઇન્ડિયન પબ્લિક ફાઇનાન્સ’ વિશે અભ્યાસનિબંધ તૈયાર કર્યો છે. એ લખાણ ગાંધીજીને બતાવવા અને તે પછી છપાયેલું જોવાને ઉત્સુક છે. મુલાકાતનો દિવસ, સમય બધું અગાઉથી નક્કી કરીને એ ગાંધીજીને મળવા આવ્યો છે. યુવાનને આશ્રમના જે અતિથિગૃહમાં ઉતારો આપવામાં આવ્યો છે તેમાં છે એક ખાટલો અને દેશી ઢબનું શૌચાલય. આવી સગવડથી છળી ઊઠીને, મુલાકાત સુધીનો સમય સાબરમતીને તટે પસાર કરવા એણે નક્કી કરી લીધું છે. મુલાકાતની વેળા નજીક આવતાં એ પાછો ફરે છે ત્યારે સાફસૂથરી ભોંય પર બેસીને રેંટિયો કાંતતી એક વ્યક્તિ નજરે પડે છે. યુવાન તે વ્યક્તિની સામે જઈ ઊભો રહે છે. રેંટિયો કાંતતી પ્રૌઢ વ્યક્તિ, સામે જોઈને પૂછે છે : “કુમારપ્પા?” પૂછનાર વ્યક્તિ ગાંધીજી જ હશે એવું યુવાનને સમજાઈ જાય છે તેથી વળતા ઉત્તરમાં એ પૂછે છે, “ગાંધીજી?” જવાબ માથું નમાવીને હકારમાં મળે છે એટલે રેશમી સૂટ-બૂટધારી એ યુવાન ભોંય પર બેસી જાય છે. આવા પોશાકમાં ભોંય પર બેસવામાં તેને પડતી અગવડ જોઈને કોઈક એને માટે ખુરશી લઈ આવે છે. પરંતુ યુવાન ખુરશી પર બેસતો નથી. કેમ કે યજમાન જમીન ઉપર બેઠા હોય ત્યાં મહેમાનથી ખુરશી પર કેમ બેસાય? વાતનો આરંભ કરતાં ગાંધીજી કુમારપ્પાને કહે છે કે તેમણે લખેલા નિબંધમાં એમને રસ પડ્યો છે અને તેઓ તેને કટકે કટકે ‘યંગ ઇન્ડિયા’માં પ્રગટ કરવા ઇચ્છે છે. તે પછી ગાંધીજીએ કુમારપ્પાને ગુજરાતનાં ગામડાંનો સર્વે કરવા વિશે પૂછ્યું ત્યારે કુમારપ્પાએ ભાષાની મુશ્કેલી આગળ ધરી. ગાંધીજી પાસે એનો પણ જવાબ રોકડો હતો-“ભાષાનો સવાલ તમને નડશે નહીં કેમ કે ગૂજરાત વિદ્યાપીઠના શિક્ષકો તથા વિદ્યાર્થીઓને હું તમારે હવાલે મૂકી દઈશ. તમે અહીંથી જઈ વિદ્યાપીઠના કુલનાયકને, કાકા કાલેલકરને, મળજો. તમને બેસવા માટે ખુરશી લાવેલા તે હતા કાકા કાલેલકર.” કુમારપ્પા વિદ્યાપીઠમાં જઈ કાકા સાહેબને મળ્યા. પશ્ચિમી ઢબનો પહેરવેશ પહેરેલો આ માણસ શું કરી શકશે? એવા ભાવથી કાકાસાહેબે કુમારપ્પાને ઝાઝું કોઠું ન આપ્યું. એમના ઠંડા આવકારથી અકળાઈ કુમારપ્પા ગાંધીજીનેય મળ્યા વિના મુંબઈ રવાના થઈ ગયા અને મુંબઈ પહોંચી ગાંધીજીને લખ્યું કે, કાકાસાહેબને હું ઉપયોગી થાઉં એવું લાગ્યું નથી. વળતી ટપાલે કાકા કાલેલકરનો પત્ર કુમારપ્પાને મળ્યો. તેમાં લખ્યું હતું કે, ગાંધીજીએ ચીંધેલું કામ કુમારપ્પા કરશે તો પોતે અત્યંત રાજી થશે. કુમારપ્પા આવ્યા અને કામે લાગી ગયા. એ જ ટાંકણે ગાંધીજીની દાંડીકૂચનો આરંભ થયો, પરંતુ કુમારપ્પાના લેખો ‘પબ્લિક ફાઇનાન્સ એન્ડ અવર પોવર્ટી’ મથાળા હેઠળ ‘યંગ ઇન્ડિયા’માં છપાવા માંડ્યા. ગાંધીજીની ઇચ્છા બધા લેખો ભેગા કરીને પુસ્તિકા છાપવાની હતી એટલે તેને વિશે વાત કરવા તેમણે કુમારપ્પાને કરાડી બોલાવ્યા. બીજી બાજુએ કુમારપ્પા પણ લખાણને ગાંધીજીની પ્રસ્તાવના મળે તેવું ઇચ્છતા હતા. તેથી કર્મકુશળ માણસની જેમ પ્રસ્તાવના એમણે જાતે લખી, ટાઇપ કરાવી અને પહોંચ્યા ગાંધીજી પાસે. હવે તો ગાંધીજીની સહી જ બાકી! ગાંધીજીએ એ કાગળો જોયા અને હસીને બાજુએ મૂકતાં કહ્યું, “મારી પ્રસ્તાવના મારી હોય, કુમારપ્પાની નહીં!” અને પછી કહ્યું કે, “મેં તમને આને માટે તેડાવ્યા નથી. મારે તો જાણવું છે કે સરકાર મહાદેવને અને મને પકડી લે તો તમે ‘યંગ ઇન્ડિયા’માં નિયમિત લખતા રહેશો?” કુમારપ્પાએ જવાબમાં કહ્યું કે પત્રકાર તરીકે લખવાનું સાહસ તેમણે કદી કર્યું નથી. કુમારપ્પાએ લેખણ હાથમાં ઝાલી અને બદલામાં મળ્યો કારાવાસ! જેલમાંથી છૂટ્યા તે પછી ગાંધીજી-મહાદેવભાઈ ગોળમેજી પરિષદ માટે લંડન ગયા ત્યારે ‘યંગ ઇન્ડિયા’નું તંત્રીપદ કુમારપ્પાને ભળાવ્યું. તેમાં તેમણે લખેલાં ધારદાર લખાણોને કારણે તેમને અઢી વર્ષની સખત કેદની સજા થઈ. જેલમાંથી હજુ માંડ છૂટ્યા ત્યારે એક જુદા પ્રકારની કાગીરી માથે આવી. ૧૯૩૪માં બિહારમાં થયેલા ધરતીકંપે ભારે તારાજી સર્જી હતી. રાહતકામનો બધો ભાર રાજેન્દ્રપ્રસાદને માથે હતો. એમનો ભાર ઓછો કરવા ગાંધીજીએ જમનાલાલ બજાજને બિહાર જવા કહ્યું. જમનાલાલે નાણાંના વ્યવહારમાં સલાહ આપવા કુમારપ્પાની માગણી કરી, એટલે કુમારપ્પાને બિહાર જવાનું કહેણ આવ્યું. કુમારપ્પા શિસ્તપાલનના ચુસ્ત આગ્રહી હતા. બિહારમાં રાહતના કામે લાગેલા કાર્યકરોને ભોજનખર્ચ માટે રોજના ત્રણ આનાનું ભથ્થું એમણે નક્કી કર્યું અને આ મર્યાદામાં ખાણું મળે તે માટે સમૂહરસોડાની વ્યવસ્થા કરવામાં આવી. મોટરગાડીની વપરાશ માટે પણ તેમણે કરકસરિયો નિયમ બનાવેલો. બન્યું એવું કે રાહતનિધિના કામ માટે મળેલી એક બેઠકમાં હાજર રહેવા ગાંધીજી પટણા આવ્યા. એમના રસાલા માટે ખોરાક, ફળ, દૂધ જેવી જરૂરિયાતો પેલી ત્રણ આનાની સીમા વટાવી જતી હતી. કુમારપ્પાએ નક્કી કરેલા ભથ્થા કરતાં વધારે ખર્ચ મંજૂર કરવા વિશે પોતાની મુશ્કેલી મહાદેવભાઈને સમજાવી અને ગાંધીજીની મોટરના પેટ્રોલખર્ચની બીજેથી વ્યવસ્થા કરવા સૂચવ્યું. આ વાત ગાંધીજી પાસે ગઈ. ગાંધીજીએ કુમારપ્પાને બોલાવી કહ્યું કે તેઓ ખાસ રાહત સમિતિના કામ માટે જ આવ્યા છે, તો પછી ખર્ચ નકારવાનું કારણ શું? કુમારપ્પાએ જાહેર નાણાંના સાદગીભર્યા ખર્ચ માટે કરેલા નિયમોની માહિતી તેમને આપી અને કહ્યું કે ધોરણોમાં અપવાદ કરવો ઠીક નથી. ગાંધીજીએ ખર્ચનું બિલ રાહત સમિતિ પાસેથી લેવાનું માંડી વાળ્યું. બીજા એક પ્રસંગે ગાંધીજીએ કુમારપ્પાને તાર કર્યો કે તેમની સાથે વિચારણા કરવા તેઓ પટણા આવે છે. એક રાત્રે દસેક વાગ્યાની આસપાસ ગાંધીજી પટણા પહોંચ્યા અને એ ખબર કુમારપ્પાને પહોંચાડવા તેમણે રાજેન્દ્રબાબુને જણાવ્યું. કંઈક અવઢવ સાથે રાજેન્દ્રબાબુએ કહ્યું કે રાહતકામના હિસાબમાં થોડાક આનાની ભૂલ આવે છે અને એ ભૂલ શોધી કાઢવા કુમારપ્પા બે જુવાનો સાથે ઓરડીમાં પુરાઈ બેઠા છે, અને રાતભર જાગીને મેળ મેળવવાનો તેમનો નિર્ણય છે. આવી સ્થિતિમાં એ સંહિ જેવા હોય છે ત્યારે સિંહની બોડમાં સહેલાઈથી જવાતું નથી. “ઠીક છે, તો પછી સવારે હું મળી લઈશ.,” કહીને ગાંધીજી તેમના ઉતારે ગયા. બીજે દિવસે તેઓ કુમારપ્પાને મળ્યા અને મળવાના સમયની માગણી કરી. કુમારપ્પાએ કહ્યું, “આજે નહીં, કદાચ કાલે મળી શકાય.” જવાબ વાળતાં ગાંધીજીએ કહ્યું કે રાત્રે તો તેઓ વર્ધા જવા નીકળી જવાના છે. કુમારપ્પાએ કહ્યું, એમ જ હોય તો તેમને મળ્યા વિના જ વર્ધા જવાનું થશે. ગાંધીજીએ કહ્યું, “હું છેક બનારસથી આવ્યો છું છતાં તમે સમય કાઢી શકતા નથી?” કુમારપ્પા કહે, “તમે મળવાનો સમય ફાળવવા અગાઉથી જણાવ્યું ન હતું. હું નવરો હોત તો તમને સામે લેવા આવત પણ રાહત સમિતિની બેઠક માટે હું ખૂબ કામમાં છું.” ગાંધીજીએ મહાદેવભાઈને કુમારપ્પા માટે જોઈ જવાના કાગળોની સોંપણી કરવા જણાવ્યું. પંદરેક દિવસ પછી કુમારપ્પાએ વર્ધા જઈ એ કાગળો વિશે ચર્ચા કરી. કુમારપ્પાના આવા લશ્કરી શિસ્તને કારણે, ગાંધીજીના અંતરંગ વર્તુળમાં કુમારપ્પાને ‘કર્નલ સાહેબ’ના નામથી ઓળખવામાં આવતા. ગાંધીજી કડવો ઘૂંટડો ગળી જઈને કુમારપ્પા માટે અભાવ સેવતા નથી, બલકે જે જે કામ માટે કુમારપ્પા લાયક હોય તે તે કામ તેમને સોંપતા રહે છે. તો બીજી તરફ કુમારપ્પાને પણ ગાંધીજી માટે ઓછી મમતા કે ઓછો આદર નથી. ૧૯૩૪માં કોંગ્રેસે અખિલ હિંદ ગ્રામોદ્યોગ સંઘની રચના કરવાનો ઠરાવ કર્યો, અને તેના મંત્રી તરીકે કુમારપ્પાનું નામ મૂક્યું. આ કામ તેમણે ગાંધીજીના હાથ નીચે કરવાનું હતું. ૧૯૩૭માં જવાહરલાલે રાષ્ટ્રીય આયોજન સમિતિ બનાવી. જવાહરલાલની ઇચ્છા પ્રમાણે ગાંધીજીએ કુમારપ્પાને એ સમિતિમાં જોડાવા કહ્યું, પરંતુ થોડા વખત પછી પોતાના સમયનો વ્યય થાય છે એવી લાગણીથી કુમારપ્પાએ રાજીનામું આપ્યું. ૧૯૪૨માં ‘સ્ટોન ફોર બ્રેડ’ (રોટીને બદલે પથ્થર) નામનો લેખ લખવા માટે તેમને જેલભેગા કરવામાં આવ્યા. કારાવાસમાં એમણે ‘પ્રૅક્ટિસ એન્ડ પ્રિસેપ્ટ્સ ઓફ જિસસ’ અને ‘ધ ઇકોનોમિ ઓફ પરમેનન્સ’ એમ બે પુસ્તકો લખ્યાં. ૧૯૪૫માં એમનો છુટકારો થયા પછી તે પુસ્તકો તેમણે ગાંધીજીને જોવા માટે મોકલી આપ્યાં. પણ કુમારપ્પાને આશ્ચર્ય એ વાતનું થયું કે ગાંધીજીએ વણકહ્યે બંને પુસ્તકોનો આમુખ લખ્યો અને તેમાં કુમારપ્પાને ‘ડી. ડી.’ (ડોક્ટર ઓફ ડિવિનિટિ) અને ‘ડી. વી. આઈ.’ (ડોક્ટર ઓફ વિલેજ ઇન્ડસ્ટ્રી) કહીને પ્રમાણ્યા. ૧૯૪૮માં ગાંધીજીની હત્યા થઈ તે પછી રાજેન્દ્રપ્રસાદે તેમને દિલ્હી બોલાવ્યા અને ગાંધીસ્મારક નિધિનો હવાલો સંભાળી લેવા કહ્યું. કુમારપ્પાએ જણાવ્યું કે, ખરી જરૂર તો ગાંધીજીએ સૂચવેલા કાર્યક્રમોના અમલ માટે એક લાખના માનવભંડોળની છે. એમાં પહેલાં ત્રણ નામમાં હોય જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને રાજકુમારી અમૃતકૌર. જવાહરલાલ યુવાનોને દીક્ષા આપે, સરદાર વિદ્યાપીઠ જેવી સંસ્થાઓનું નિર્માણ કરે અને રાજકુમારી નારીસમૂહને રાષ્ટ્રનિર્માણના કામ માટે નિમંત્રે. કુમારપ્પાની આ યોજનાને દાદ ન મળી એટલે તે પાછા ફર્યા. તે પછીના દિવસોમાં ઇંગ્લૅન્ડ, સોવિયેટ યુનિયન, જર્મની, જાપાન, ચીન આદિ દેશોમાં જુદી જુદી કામગીરી માટે ગયા. દોડધામ અને કાર્યભારથી તેમની શક્તિ ઓસવાઈ ગઈ, તેથી જાહેર જીવનમાંથી નિવૃત્તિ લઈ મદુરાઈ જિલ્લાના ગાંધીનિકેતનમાં એમણે વસાવટ કર્યો. એમનું પૂરું નામ જોસેફ કોર્નેલિયસ કુમારપ્પા. ૧૮૯૨માં એમનો જન્મ થયો હતો. એમના ઘડતરમાં મુખ્ય ફાળો તેમની માતા એસ્થરનો. એમને દેશસેવામાં જોતરવાનું ગાંધીજીને હાથે થયું. ૧૯૫૬ની સાલમાં ભૂદાનયાત્રા વેળા વિનોબાજી નિવૃત્ત જીવન ગાળતા કુમારપ્પાને મળવા ગયેલા. કુમારપ્પાની ઝૂંપડીમાં ગાંધીજીનું ચિત્ર વિનોબાજી વત્સલ નજરે જોઈ રહ્યા હતા ત્યારે કુમારપ્પાએ કહ્યું, “એ છે મારા ગુરુ.” પછી બીજું એક ચિત્ર બતાવીને કહ્યું, “પેલા છે મારા ગુરુના ગુરુ.” એ બીજું ચિત્ર હતું એક ગરીબ ખેડૂતનું. ૧૯૫૭ પછી કુમારપ્પાને ઘણો સમય માંદગીને કારણે હોસ્પિટલોમાં ગયેલો. એ ગાળામાં જવાહરલાલ એક વાર તેમની ખબર કાઢવા ગયેલા. પ્રારંભિક વાતચીતમાં જવાહરલાલે કુમારપ્પાને કહેલું : જુઓ, આપણે બંને ગરમ મિજાજના છીએ. એટલે ચર્ચા નહીં કરીએ, પરંતુ તમારે જે કહેવું હોય તે બધું એકે અક્ષર બોલ્યા વિના હું સાંભળી લઈશ અને જેટલું થઈ શકશે તે કરીશ. [‘અખંડ આનંદ’ માસિક : ૨૦૦૬]