સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયમલ યાદવ/ગીત કોનાં લખું, કોનાં નહીં?

કોના લખું, કોનાં નહીં,
ગીત હું કોનાં લખું, કોનાં નહીં?
કોનાં તે ગાઉં, કોનાં નહીં,
ગીત હું કોનાં ગાઉં, કોનાં નહીં?
કારીગરીમાં કામણગારો પહેલો છે કુંભાર ભઈ,
ગાગર-ગોળાને લેતો એ ઘાટમાં ટપલે તાલ દઈ દઈ;
મૂકતો મોર કળાયલ મહીં, ચીતરે પીંછી દાતણની લઈ.
કુંજાની પાવલી ને કોઠીનો રૂપિયો, તાવડીના બે જંઈ;
ટકોરા દઈ દઈને રણકારે લઈ લઈ આવજો મારા ભાઈ!
વાત હું કોની કરું, કોની નહીં?...
કોનાં લખું, કોનાં નહીં? — સાંભરી કાંગસીવાળી અહીં.
આંખમાં કાજળ આંજ્યું છે, માથું ઓળ્યું છે મીંડલાં લઈ,
ભાલે ડામણી લટકી રઈ;
બજરબટા ને પારા નજરિયા, રાખતી એ સીવવાની સૂઈ.
“લેતી જા બો’નબા, લેતી જા બો’નબા!” વેચે મીઠું મીઠું કહી,
કાંગસી ખંપળા લીખીઆ સહી.
કોનાં લખું, કોનાં નહીં? —