સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયવંત દળવી/મેજેસ્ટિક ગપસપ

          પુણેમાં યોજાતી વસંત વ્યાખ્યાનમાળા એકસો કરતાં વધુ વરસથી ચાલે છે. એ વસંતઋતુમાં, મે મહિનામાં યોજવામાં આવે છે. ખુલ્લા મેદાનમાં રાતે નવ વાગ્યે વ્યાખ્યાન શરૂ થાય છે. તેમાં ટિકિટના પૈસા ખર્ચીને રોજ હજારથી બે હજાર શ્રોતાઓ શાંત ચિત્તે અનેક વક્તાઓના વિચારો સાંભળે છે અને મધરાત સુધીમાં ઘેર પહોંચી જાય છે. મહારાષ્ટ્રભરમાં સોએક સ્થળે તો આવી વ્યાખ્યાનમાળા યોજાતી હશે જ. તેમાં પુણે ને નાશિક જેવી મોટી વ્યાખ્યાનમાળાઓનું આયોજન છ મહિના અગાઉથી શરૂ થઈ જાય છે. દેશભરમાંથી નોતરેલા વિચારકો ત્યાં રાજકારણ, સમાજકારણ, સાહિત્ય, કળા વગેરે વિષયો પર જુદી જુદી ભાષાઓમાં વ્યાખ્યાનો આપે છે. આ ઉપરાંત વીસમી સદીના આઠમા દાયકાથી પુણેમાં એક નવો કાર્યક્રમ ચાલુ થયો છે તે પણ લોકપ્રિય નીવડયો છે. ‘મેજેસ્ટિક’ બુકસ્ટોલ નામની આગેવાન મરાઠી પ્રકાશન સંસ્થાએ ત્યાં ‘મેજેસ્ટિક’ નામનું મોટું મકાન બાંધ્યું છે અને ત્યાં એક વિશાળ ખંડમાં પુસ્તકભંડાર ચાલુ કરેલ છે. આ મકાન બજાર-વિસ્તારમાં નથી, તેથી લોકો ત્યાં સુધી પુસ્તક ખરીદવા આવશે કે કેમ તેની ‘મેજેસ્ટિક’ના માલિકને શંકા હતી. પણ મુખ્ય માર્ગથી જરા દૂર આવેલા દેવળમાં જેમ ભાવિકો જતા હોય છે, તે રીતે મેજેસ્ટિકમાં પણ આવવાની તેમને રુચિ થાય તે માટે માલિક કેશવરાય કોઠાવળેએ કેટલીક સાહિત્યિક પ્રવૃત્તિ શરૂ કરી. તેમાંથી પહેલી તે સાહિત્યકારોનાં ગપ્પાંની! દર મહિને એક રવિવારે સવારે દસ વાગ્યે નિમંત્રાત પંદર-વીસ સાહિત્યકારો મેજેસ્ટિકમાં ભેગા થાય અને એકાદ સાહિત્યિક પ્રશ્ન ઉપર કે કોઈ નવા પુસ્તક વિશે ચર્ચા કરે. એ સાંભળવા માટે શ્રોતાઓ આવે. મેજેસ્ટિકના મુખ્ય ખંડમાં સોએક માણસો બેસી શકે, તેટલા તો વગર બોલાવ્યે ભેગા થવા લાગ્યા. એમાંથી પછી પુસ્તક-પ્રદર્શનનો વિચાર સ્ફુર્યો. આખા મે માસ દરમિયાન પ્રદર્શન ખુલ્લું રહેવા લાગ્યું. હજારો મરાઠી પુસ્તકો જોવાની અને દસ ટકા વળતરથી ખરીદવાની સગવડ લોકોને મળી. નીચે સભાખંડમાં પ્રદર્શન શરૂ થયું, એટલે ગપ્પાંનો કાર્યક્રમ અગાશીમાં લઈ ગયા — તો એ પણ ખીચોખીચ ભરાઈ જાય છે. હવે તો એ કાર્યક્રમ એટલો લોકપ્રિય બન્યો છે કે તા. ૧થી ૧૫ મેના દિવસોમાં તેનો લાભ લેવા માટે કેટલાય લોકો બહારગામથી ખાસ પુણે આવે છે.