સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયાબહેન અમીન/ભલામણ

          પરઠણના રિવાજ મુજબ થતાં અથવા ખાદીનાં વસ્ત્રો ન પહેરેલાં હોય તેવાં લગ્નો સગાં ભાઈબહેનોનાં હોય તોપણ બાબુભાઈ તેમાં હાજરી આપતા નહીં. પણ પાછળથી મળવા અચૂક આવે. મારાં લગ્નને દિવસે પણ તેમનો બહારગામથી આશીર્વાદનો તાર આવ્યો, ત્યારે હું અને મોટાં ભાભી તેમને યાદ કરીને ખૂબ રડેલાં. ભાભીને મોટા ભાઈ સાથે સજોડે બેસીને વિધિ કરવાનો ઓરતો રહેતો, પણ મોટા ભાઈના સિદ્ધાંતોને લીધે તે શક્ય બનતું નહીં. આમ તેઓ ખૂબ કુટુંબવત્સલ હતા, પણ સિદ્ધાંતની વાત આવે ત્યારે સાચી વાત જ સ્વીકારતા. મારા દીકરાને વિદ્યાનગરની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે માર્ક ઓછા હતા. તો તેની ભલામણ કરવા માટે મારા સસરાએ મને આગ્રહ કરીને મોટા ભાઈ પાસે મોકલી. હું તો જાણતી જ હતી કે આ વાત બનવાની નથી. તે વખતે બાબુભાઈએ મને કહ્યું કે, “મારા દીકરા કિરીટની કોલેજમાં ઓછી હાજરીનો પ્રશ્ન હતો ત્યારે પણ ભલામણ કરવા નથી ગયો, તો આ વાત મારાથી બનશે નહીં.”