સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયેન્દ્ર ત્રિવેદી/ઉમાશંકરને ઈર્ષા આવી!

          વડોદરામાં લેખક-મિલન હતું. ‘મારા પ્રિય પાત્ર’ વિશે એક બેઠક હતી. કાકાસાહેબ પોતાના પ્રિય પાત્ર તરીકે ‘પરેશબાબુ’નો પરિચય આપી રહ્યા હતા. પ્રજારામે ત્યાં સુધીમાં ‘ગોરા’ નહીં વાંચેલી. એમને પરેશબાબુ એટલે અજાણ્યા. સરળ પ્રકૃતિના પ્રજારામે નિર્દોષ ભાવે પાસે બેઠેલા ઉમાશંકરને પૂછ્યું. ઉમાશંકરે સામે પૂછ્યું: “કવિ, મહાકવિ રવીન્દ્રનાથની સુપ્રસિદ્ધ નવલકથા ‘ગોરા’ હજુ સુધી નથી વાંચી કે શું?” સત્યવાદી પ્રજારામે કહી દીધું: “ના, નથી વાંચી.” ઉમાશંકર કહે: “મને તમારી ઇર્ષા આવે છે.” પ્રજારામને આ સમજાયું નહીં. ચાલુ સભાએ વધુ વાર્તાલાપ શક્ય નહોતો. પ્રજારામનું મન ચકડોળે ચડ્યું: “ ‘ગોરા’ હજુ સુધી નથી વાંચી એ માટે મારે શરમાવું જોઈએ, એના બદલે મારી ઈર્ષા ઉમાશંકરને શા માટે થવી જોઈએ?” સભા પૂરી થઈ એટલે લાગલું પૂછ્યું: “મેં ‘ગોરા’ નથી વાંચી એમાં તમને ઈર્ષા શેની થાય?” ઠાવકું હસીને ઉમાશંકર કહે: “તમે હવે ‘ગોરા’ વાંચવાના ને?” પ્રજારામે જવાબ આપ્યો: “ઘરે પહોંચીને પહેલું કામ જ એ કરવાનો.” ઉમાશંકર કહે: “મેં ‘ગોરા’ ઘણી વાર વાંચી છે, પણ પહેલી વાર વાંચી ત્યારે જે હર્ષરોમાંચ થયેલો તે તમને હવે થશે એની મને ઈર્ષા આવે છે!” ઓસ્માનિયા યુનિવસિર્ટીના નિમંત્રણથી પી. ઈ. એન.નું અધિવેશન હૈદરાબાદમાં ભરાયેલું. રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન્ એનું ઉદ્ઘાટન કરવા પધારેલા. ગુલાબદાસ બ્રોકરને એક વિચાર સ્ફુર્યો. રાધાકૃષ્ણને પોતાની અધ્યાપકની કારકિર્દી અહીં શરૂ કરેલી. એમણે પાસે બેઠેલા ઉમાશંકરને પૂછ્યું: “રાધાકૃષ્ણન્ને અત્યારે મનમાં શું થતું હશે? અહીં એમણે અધ્યાપક તરીકે ભણાવવાનું શરૂ કરેલું અને આજે રાષ્ટ્રપતિ તરીકે પોતે આ અધિવેશનનું ઉદ્ઘાટન કરવા પધાર્યા છે. એક પ્રકારનો પ્રસન્નતાભર્યો સંતોષ તેઓ અનુભવતા હશે! અધ્યાપકમાંથી રાષ્ટ્રપતિ સુધીની યાત્રાથી તેઓ કૃતકૃત્યતાનો ભાવ અનુભવતા હશે!” ઉમાશંકરે કહ્યું: “એથી ઊલટો જ ભાવ એમના મનમાં ચાલતો હશે. તત્ત્વજ્ઞાનનું અધ્યયન એ કરાવતા એટલે એમની ઇચ્છા મોટા મૌલિક તત્ત્વચિંતક થવાની હશે. તેમને થતું હશે કે નીકળ્યો હતો બુદ્ધ કે મહાવીર થવા અને થઈ થઈને રાષ્ટ્રપતિ જ થયો!”