સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયેન્દ્ર ત્રિવેદી/પ્રેમાનંદનો પુનરાવતાર

          છેલ્લી દોઢ-બે સદીના માણભટ્ટો સાધારણ રીતે કેવળ ‘મહાભારત’ની જ કથા કહેતા, પ્રેમાનંદ કે અન્ય કવિઓનાં આખ્યાન પ્રમાણમાં બહુ જૂજ રજૂ થતાં. પણ પ્રેમાનંદકાલીન આખ્યાનગાનને પુનઃ ગુજરાતી પ્રજા સમક્ષ સફળતાપૂર્વક રજૂ કરવાનો યશ ધાર્મિકલાલ પંડયાને ફાળે જાય છે. પ્રેમાનંદની દીકરીના તેઓ વંશજ છે. તેમના પિતામહ અને પિતાનો માણભટ્ટનો વારસો તેમણે દીપાવ્યો છે. ભાવનગર સ્ત્રી કેળવણી મંડળે પચાસમી વરસગાંઠની ઉજવણીમાં શ્રી ધાર્મિકલાલના આખ્યાનગાનનું એક સપ્તાહ ગોઠવ્યું. ધાર્મિકલાલજીએ સાત દિવસ સુધી ભાવનગરને ઘેલું કર્યું. દસથી પંદર હજારની સંખ્યામાં લોકો આવતા. કેટકેટલા સ્તરના લોકોને આખ્યાનકાર આકર્ષી શક્યા! શ્રોતાઓના ચહેરા પરની પ્રસન્નતા નજરે નિહાળો તો ખ્યાલ આવે કે પ્રેમાનંદ ગુજરાતીઓનાં હૈયાને કેવો ડોલાવતો હશે. ધાર્મિકલાલજી કવિ નથી, માત્ર આખ્યાનગાન કરે છે, પરંતુ એમના કંઠ અને કથનશૈલીનો આસ્વાદ જેમણે કર્યો છે તેમની કલ્પનાસૃષ્ટિમાં પ્રેમાનંદનો પુનરાવતાર થાય છે. પ્રેમાનંદનાં બધાં આખ્યાનો શબ્દશઃ તેમને કંઠસ્થ છે. એ ઉપરાંત ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ગીતા’, ‘ભાગવત’, ‘ઉપનિષદો’ વગેરે આકરગ્રંથોનો સારો અભ્યાસ છે. સંગીતની ઉપાસનાને પરિણામે વચ્ચે વચ્ચે શાસ્ત્રીય રાગરાગિણીઓ દ્વારા પ્રેમાનંદની કવિતાનું નવું પરિમાણ તેઓ ખોલી આપે છે. આમ તો છેલ્લાં વીસ વર્ષથી ધાર્મિકલાલજી આ પ્રવૃત્તિ કરે છે. પરિષદો અને સંમેલનોમાં પણ તેમના કાર્યક્રમ યોજાય છે. પ્રેમાનંદ ભણાવાય છે ત્યાં ત્યાં એક વાર એમનું આખ્યાનગાન યોજાય તો ભણાવનાર પ્રેમાનંદ વિષે જે વિશેષણો વાપરે છે તેની સાર્થકતા ભણનાર અનુભવે. શિક્ષણ-સાતત્યની જે પ્રવૃત્તિ પોતાની ફરજના એક ભાગરૂપે દરેક વિદ્યા— સંસ્થાએ કરવી ઘટે, તે કાર્ય આ માણભટ્ટ એકલે હાથે સફળતાપૂર્વક કરી રહ્યા છે તેનો સાક્ષાત્કાર થતાં લોકશિક્ષણના આ જૂના પણ સક્ષમ માધ્યમને નવા નવા સ્વરૂપે પ્રયોજવાની કેટલી બધી જરૂર છે એનું મારી જેમ ઘણાને ભાન થયું હશે. [‘ગ્રંથ’ માસિક : ૧૯૭૬]