સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જિમ કોર્બેટ/મારા અનાથ મિત્રો

          અંધાધૂંધ વૃક્ષોની કટાઈથી વનનાં અનેક પશુ, પંખીઓનું જીવન ખેદાનમેદાન થઈ જતું હોય છે. મારે તેવાં કાંઈક રખડી પડેલાં અને અનાથોને આશરો આપવાનો થતો. તે સૌ મારી સાથે એક તંબુમાં રહેતાં. એક સમય એવો હતો કે જ્યારે મારા તંબુમાં ઘણી બધી ગરદી થઈ ગઈ હતી, કારણ કે ત્યારે મારી સાથે બે બચ્ચાં પેટ્રીજ પક્ષીનાં, એક કાળું અને એક રાખોડી રંગનું, ચાર મોરનાં બચ્ચાં, સસલાનાં બે સાવ નાનાં બચ્ચાં અને માંડ પોતાના પગ પર ઊભાં રહી શકે તેવાં ચાર શિંગડાવાળાં હરણનાં બચ્ચાં રહેતાં હતાં. તેમાં વળી એક અજગર જેનું નામ મેં રેક્સ પાડ્યું તે જાતે જ આવીને રહેવા લાગ્યો હતો. એક વાર રાત્રે તંબુમાં હું મોડેથી આવ્યો અને હરણના એક બચ્ચાને દૂધ પાતો હતો ત્યાં મેં ફાનસના પ્રકાશમાં જોયું કે તે બચ્ચાની ઘાસની પથારીમાં રેક્સ ગોઠવાઈ ગયો હતો. મેં તરત જ મારા તંબુના સાથીઓની ગણતરી કરી તો તેમાંનું કોઈ ગાયબ થયું ન હતું. તેથી રેક્સે પોતે જે જગ્યા પસંદ કરી હતી તે મેં તેને રહેવા માટે આપી. રેક્સ બે મહિના સુધી અમારી સાથે રહ્યો. રોજ બપોરે તે ગરમી મેળવવા માટે બહાર તડકામાં જઈને બેસે અને રાત્રે પોતાની જગ્યા પર આવીને સૂઈ જાય. પરંતુ તે આખા સમયગાળા દરમિયાન તંબુમાં રહેતા તેના એક પણ સાથીને-બચ્ચાને તેણે લગીરે ઈજા પહોંચાડી ન હતી. આ નિરાધાર અને અનાથ મિત્રો-જેઓ મારા તંબુમાં ઊછરી રહ્યા હતા-જેમ જેમ પગભર થઈ જતા અને પોતાનું જીવન આપમેળે ચલાવવાને શક્તિમાન થતા કે તરત તેમને જંગલમાં પાછા મોકલી દેવાતા. જોકે તેમાંના એક હરણે મારી સાથે જ રહેવાનું પસંદ કર્યું! [‘માય ઇન્ડિયા’ પુસ્તક : ૧૯૫૨]