સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જુગતરામ દવે/આનંદી સત્યાગ્રહી

          બારડોલીના અને ગુજરાતના શ્રેષ્ઠ સત્યાગ્રહી ખેડૂત સ્યાદલાવાસી મોરારભાઈ ભારે વિનોદી હતા. ગમેતેવી આફત તેમની પાસે આનંદરૂપ બની જતી. સત્યાગ્રહના લાંબા જેલવાસોમાં અમારા જેવા કેટલાય સાથીઓને તેમણે હસાવી હસાવીને જેલ કપાવી દીધી હતી. ગામના કેટકેટલા તકરારી પક્ષો તેમની પાસે આવતા, તેમને હસાવી-રમાડી એકબીજાને ભેટાડીને તેઓ પાછા મોકલી દેતા. મોરારભાઈ ખેડૂતના પુત્ર; ભણતર બહુ ઓછું. તે કહેતા : “હું તો પાંચ ચોપડી ભણ્યો છું — તે પણ અમારી આંધળી ભેંસને પ્રતાપે! નિશાળમાં ડેપ્યુટી સાહેબ પરીક્ષા લેવા આવે, તેમની ચા માટે દૂધ જોઈએ. રાતના બાર વાગ્યા હોય તો પણ મારા બાપા તે આપી શકતા. અમારે ઘેર એક આંધળી ભેંસ હતી, તેને રાતદિવસ સરખાં હતાં. જ્યારે દોહવા બેસીએ ત્યારે સવાર પડી છે એમ જ એને લાગતું. ચા પીને પ્રસન્ન થયેલા સાહેબ ડાયરી કાઢી તેમાં મારું નામ, ધોરણ વગેરે ટપકાવી લેતા. પછી નિશાળમાં પરીક્ષા લેતી વખતે ડાયરી કાઢી મને ઓળખી કાઢતા : તું કરસનકાકાનો છોકરો ને? — એમ કહીને માર્ક મૂકી દેતા!” આમ છતાં મોરારભાઈને જેલમાં ગયા ત્યાં અંગ્રેજી ભણવાનો ઉત્સાહ થયો. એમણે પ્રથમથી જ પોતાનું ધ્યેય નક્કી કરી લીધું હતું : તે હતું સ્ટેશનનાં પાટિયાં વાંચી શકવાનું! અંગ્રેજી ભણતાં ભણતાં KNIFE શબ્દ આવ્યો. Kનો ઉચ્ચાર બોલવાનો નહીં, પણ K મૂકે નહીં તો ભૂલ કહેવાય. મોરારભાઈને અંગ્રેજીનો સાર સમજાઈ ગયો! ત્યારથી, ફલાણો માણસ નકામો છે એમ કહેવું હોય તો, ‘નાઈફ’નો ‘કે’ છે, એમ કહીને સૌને ખડખડાટ હસાવતા. અંગ્રેજી ભણતરનો બીજો સાર તેમણે શીખી લીધો તે હતો ‘વિધાઉટ’ શબ્દ. ‘વિધાઉટ મની’ના સંક્ષિપ્તરૂપ તરીકે તે એકલો ‘વિધાઉટ’ શબ્દ વાપરતા. સરકારની તેમજ અમારી આશ્રમવાસીઓની ખરચાળ યોજનાઓની મોરારભાઈ ટીકા કરતા. લોકોને હસાવી-રમાડી તેમની પાસે સુધારાનાં કામો ‘વિધાઉટ’ કરાવવામાં તે એક્કા હતા. આખી અંગ્રેજી ભાષાનો સાર ‘નાઈફ’ અને ‘વિધાઉટ’ એ બે શબ્દોરૂપે નિચોવી લઈ તેમણે કૂચા ફેંકી દીધા અને પછી વધારે ભણવાની માથાકૂટ છોડી દીધી. મોરારભાઈની સામાન્ય બુદ્ધિ ઘણી અસામાન્ય રીતે મર્મગ્રાહી હતી. તેથી તકરારે ચડેલા પક્ષો ઘણી વાર તેમની પાસે લવાદી કરાવવા આવતા. કેટલીક વાર તે હકીકતો તોળીને ન્યાય આપતા, પણ ઘણુંખરું તો કંઈ કંઈ વિનોદના તુક્કા કહી ચડેલાં મોં ઉતારી દેતા. મોરારભાઈ તેમના જુસ્સાથી, બલિદાનથી અને તાલુકાના લોકો ઉપરના તેમના પ્રભાવથી સરદારના માનીતા સૈનિક હતા અને આગળ જતાં ધારાસભાની ખુરસીમાં પણ બેસતા થયા હતા. પરંતુ તેમનાં ઘડતર અને રીતભાત તો એક ખેડૂતનાં જ હતાં. સંતતિ માટે વૃદ્ધ પિતાએ એમને બીજી કરાવી. અમારા જેવા કાર્યકર્તાઓની શિખામણ હસવામાં ઉડાવી એ બીજી વાર પરણી ગયા. જૂનીએ નવીને પોતાની દીકરીની જેમ રાખી, તેથી શોક્યના ક્લેશ એમના ઘરમાં થયા નહીં. એક વાર ગાંધીજી પાસે હળવી ગમ્મતો ચાલી રહી હતી. મોરારભાઈની બે બૈરીની ચાડી મહાદેવભાઈએ બાપુજી પાસે કરી. બાપુએ મોરારભાઈને પૂછ્યું : “તમે રામને માનતા નથી?” મોરારભાઈ કહે, “બાપુજી, રામને માનીએ તો રામના બાપાને કેમ ન માનવા?” બાપુ હસી પડ્યા! મોરારભાઈના આનંદી સ્વભાવથી સ્વરાજની લડત ઘણાને મન રમત જેવી થઈ ગઈ હતી. સ્વરાજ પછી થોડાં વરસે એ સ્વર્ગવાસી થયા. પણ સર્વોદયની રચનાના મહા ત્યાગો હળવા બનાવી દેવા એમની બહુ જરૂર હતી. [‘આકાશવાણી’ : ૧૯૫૮]