સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જુગતરામ દવે/હરિજનોના ગુરુ

          હરિજનોના ગુરુ મામા સાહેબ (વિઠ્ઠલ લક્ષ્મણ) ફડકે રત્નાગિરિ જિલ્લાના નાનકડા ગામમાં ચિત્પાવન બ્રાહ્મણ કુટુંબમાં, ૧૮૮૭ના ડિસેમ્બરની બીજી તારીખે જન્મેલ. ત્યાં તેમને બહુ ભણતર મળી શકે તેવા સંજોગો નહોતા. પણ એ જમાનો લોકમાન્ય તિલકનો હોઈ, એ દૂરદૂરના ગામડામાં પણ તેમના બાળમાનસ ઉપર એ સ્વરાજ-પુરુષના સંસ્કાર પહોંચ્યા હતા અને વીર સાવરકર આદિ અરાજકતાવાદી દેશભક્તોની અસર પડી હતી. આથી વીસેક વરસની ઉંમરે ઘરનો ત્યાગ કરી તે સ્વરાજ જીતવા નીકળી પડ્યા. ફરતાં ફરતાં તેઓ ગુરુની શોધમાં ગિરનારમાં જઈ બે-ત્રાણ વર્ષ સાધુસંતોની પરિચર્યા કરતા રહ્યા (૧૯૧૨ના અરસામાં). દરમિયાન ગાંધીજી દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ પૂર્ણ કરી સ્વદેશમાં પાછા આવી ગયા હતા. મામા પણ મહારાષ્ટ્રમાં પાછા ફર્યા હતા. ક્યારેક ગાંધીજી પૂના આવેલા ત્યાં મામા સાહેબ તેમને મળ્યા. આ રીતે તેઓની ગુરુની શોધ અણધારી પૂરી થઈ. ગાંધીજીએ કોચરબ (અમદાવાદ)માં પોતાનો સત્યાગ્રહાશ્રમ કાઢયો, તેના શરૂ શરૂના થોડા સભ્યોમાં મામા સાહેબ એક બન્યા. ગાંધીજીની અસ્પૃશ્યતા વિરુદ્ધની તીવ્ર ભાવના મામા સાહેબે ત્યાં જોઈ, અને તે એમના જીવનમાં ઊતરી ગઈ. દરમિયાન ગાંધીજીને ગોધરાની રાજકીય પરિષદમાં જવાનું થયું. ત્યાં તેઓએ અસ્પૃશ્યોના વાસની મુલાકાત લીધી. એ મુલાકાતના સંભારણા તરીકે તે વાસમાં આશ્રમશાળા કાઢવાનો સંકલ્પ કર્યો. એ શાળાના શિક્ષક તરીકે જવા મામા સાહેબ તૈયાર થયા (૧૯૧૯માં). પોતે જન્મે બ્રાહ્મણ હોવાથી આ કામને વરવાનો એમને પોતાનો ધર્મ લાગ્યો. તે જમાનામાં ભંગીવાસમાં શાળા ખોલવાનું કોને સૂઝે? શાળા ખોલી હોય તો પણ શિક્ષક તો મુસલમાન જ શોધવો પડે, કારણ કે હરિજનોમાં કોઈ ભણેલો હોય નહીં, અને કુળવાન હિંદુ કોઈ ત્યાં જાય નહીં! બ્રાહ્મણોનો સાચો ધર્મ ભંગી બાળકોને ભણાવવાનો છે એમ, એ ઊગતી વયે પણ મામા સમજતા થઈ ગયા હતા. એમાં પોતે સવર્ણ હિન્દુઓ તરફનું પ્રાયશ્ચિત્ત કરે છે, એમ તે માનતા. ગાંધીજીના આશ્રમમાં આવતાં પહેલાં તેમણે વડોદરામાં હરિજન બાળકોની શાળા ચલાવવાનો અનુભવ એ જ પ્રાયશ્ચિત્ત ભાવથી લીધો હતો. મામા સાહેબનું ભણાવવું સામાન્ય માસ્તર જેવું નહોતું. એ તો ભંગીવાસ વચ્ચે જ ઝૂંપડી કરીને રહ્યા; બાળકોને ઘેરઘેરથી ભેગા કરી લાવ્યા. તેમને વહેલા જગાડવા, પ્રેમથી નવરાવવા, ગંદી ભાષા ન બોલતાં શીખવવું, લોકોને ઘેરથી માબાપ એઠું અન્ન લઈ આવે તે ખાવાનો ઇન્કાર કરતાં શીખવવું — એ આ ગુરુની શિક્ષણપદ્ધતિ હતી. આ રીતે વર્ષો સુધી મામા એ હરિજન બાળકોની ને તેમનાં માબાપની સેવારૂપે સાધના કરતા રહ્યા. વૃદ્ધાવસ્થાની નબળી તબિયતને લીધે થોડાં વર્ષ મામા સાહેબ પોતાના મૂળ ઘરમાં — સાબરમતીના હરિજન આશ્રમમાં રહેવા ગયેલા; પણ જિંદગીનું છેલ્લું વર્ષ સાર્થક કરવા પાછા પોતાના ગોધરાના આશ્રમમાં પહોંચી ગયા હતા. ત્યાંથી જ, તા. ૨૯-૭-૧૯૭૪ના દિવસે, ૯૦ વર્ષની વયે, તેઓ કૈલાસવાસી થયા. તેમના પોતાના હરિજન શિષ્યોને હાથે છેવટ સુધી શુશ્રૂષા પામીને, તે શિષ્યોની જ ખાંધે ચડીને તેઓ સ્મશાને પહોંચ્યા ને તેમને હાથે જ અગ્નિસંસ્કાર પામ્યા. આ કારણે તેમનો અંતકાળ અત્યંત આનંદ અને સંતોષપૂર્ણ હતો. મામાનું પ્રાયશ્ચિત્ત ઘણું દીર્ઘ અને અમૂલ્ય છે, પણ સવર્ણ હિંદુઓના કુલ પ્રાયશ્ચિત્ત તરીકે તે કેટલું બધું સ્વલ્પ છે! ગામડે ગામડે અને હરિજનોના ફળિયા ફળિયામાં અસંખ્ય મામા સાહેબો આ રીતે નીકળે તો પણ પ્રાયશ્ચિત્ત ઓછું પડે, એટલું અપાર આપણું પાપ છે. સ્વરાજ્ય સરકારે કાયદો કર્યો, તે તો દરિયામાં ખસખસ છે. વળી હવે તો, મહાત્મા ગાંધીએ દેશમાં આણેલી પાવન હવા જાણે ઊડી ગઈ હોય એમ લાગે છે. કુલીનપણાનું અભિમાન લોકોના દિલમાં જાણે ફરીથી જાગવા માંડયું છે અને “ફાટી ગયેલા” હરિજનોને પાઠ ભણાવવાના જાણે કે લાગ શોધી રહ્યું છે! કાનૂન અને સરકારી તંત્ર પર આશા રાખીને બેસી રહેવાથી આ ઝેર શમવાનું નથી. કેવા ઉપાયથી તે શમશે એ, સાચું બ્રાહ્મણજીવન જીવી ગયેલા મામા સાહેબ આપણને બતાવી ગયા છે. એ પવિત્ર આત્મા જ્યાં હોય ત્યાંથી આપણાં અભિમાન અને પાપનો નાશ કરો!


[‘વટવૃક્ષ’ માસિક : ૧૯૭૫]