સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જ્યોત્સ્ના શુક્લ/ઉપલક વાતોના ભીતરમાં

          વિચારકોએ, સમાજ-સુધારકોએ, આગેવાન પુરુષોએ વારંવાર કહ્યું છે કે સ્ત્રીઓનો વિકાસ થયા સિવાય દેશની ઉન્નતિ શક્ય નથી. નર્મદે અને દુર્ગારામ મહેતાજીએ આ આદર્શ રજૂ કર્યો હતો. મહર્ષિ કર્વેએ પણ એ આશયથી સ્ત્રી— શિક્ષણની યોજના કરી અને નાથીબાઈ ઠાકરસી વિદ્યાપીઠની સ્થાપના કરી. ને રાષ્ટ્રપિતા ગાંધીજીએ તો, સ્ત્રીઓના સાથ અને સહકાર વિના આઝાદીની લડત પણ સફળ થવાની નથી એમ કહીને, નાનાંમોટાં તમામ કામોમાં સ્ત્રીઓનો સાથ માગ્યો. એમ છતાં પણ આજે આપણે શું જોઈએ છીએ? હજી આજે પણ આપણી સ્ત્રીઓની શી દશા છે? કોઈક સ્ત્રી પરેદશમાં એલચી બનીને જાય, કોઈક સ્ત્રી ગવર્નર થાય, થોડીક સ્ત્રીઓ પ્રધાન બને અને થોડીક ધારાસભામાં જાય, એથી સ્ત્રીઓનો સર્વાંગી વિકાસ થઈ ગયો છે એમ માનવાનું નથી. મુખ્ય વાત તો સ્ત્રી પ્રત્યેનું આપણું દૃષ્ટિબિંદુ બદલાયું છે કે નહિ એ છે. બહારના જગતમાં સ્ત્રી— સન્માનની વાતો કરીએ કે ક્યાંક એને પ્રમુખ બનાવીને હારતોરા પહેરાવીએ કે સુંદર શબ્દોમાં એની પ્રશંસા કરીએ, એના પરથી એનું માપ નથી નીકળતું. એ બધી ઉપલક વાતોના ભીતરમાં સ્ત્રીનું સ્થાન ક્યાં છે? સાચી રીતે તો હજી પણ એની પૂરેપૂરી અવગણના થાય છે. હજી પણ એની શક્તિની હાંસી કરવામાં આવે છે. સુંદર શબ્દોથી એની પ્રશંસા કરનારાઓ ખાનગીમાં એની ગલીચ મશ્કરી કરી શકે છે. સ્ત્રીના સૌંદર્યની અને એના યૌવનની પૂજા થાય છે, પણ એની પાછળ રહેલા સાચા સ્ત્રીત્વની ક્રૂર ઠેકડી કરવામાં આવે છે. હજી પણ સ્ત્રીને ઢોરમાર મારવામાં આવે છે, એને લાત મારીને ઘર બહાર કાઢી મૂકવામાં આવે છે. વહેલી સવારથી મોડી રાત સુધી ગદ્ધાવૈતરું કરાવ્યા પછી પણ એને ભૂખે મારવામાં આવે છે. એને સદાકાળ શંકાથી જોવામાં આવે છે. એથી જ સ્ત્રી કૂવા-તળાવ પૂરે છે અથવા ગ્યાસતેલ છાંટીને બળી મરે છે. આ છે હજી આજે પણ આપણા સમાજમાં સ્ત્રીઓની દશા ને સ્ત્રીઓનું સ્થાન. સ્ત્રી પ્રત્યેનું આપણું દૃષ્ટિબિંદુ નથી બદલાયું, આપણી ભાવના નથી બદલાઈ. આ દૃષ્ટિ બદલવાનું કામ સ્ત્રીઓએ જ કરવું પડશે; સ્ત્રી પોતે સ્ત્રી તરફની દૃષ્ટિ નહીં બદલે ત્યાં સુધી આ બનવાનું નથી. આજે તો સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બને છે. સાસુ-વહુના, નણંદ-ભોજાઈના, દેરાણી-જેઠાણીના ઝઘડા સ્ત્રીઓ જ કરે છે. સ્ત્રીની અદેખાઈ સ્ત્રી જ કરે છે. સ્ત્રીના ચારિત્રય પર સ્ત્રી જ આક્ષેપ કરે છે. સ્ત્રીની હલકટ વાતો થતી સાંભળીને એ કમકમી નથી ઊઠતી; એ તેમાંથી છૂપો આનંદ મેળવે છે. સ્ત્રીનો વિકાસ જોઈને કે એની પ્રશંસા સાંભળીને એને આનંદ નથી થતો, પણ ઈર્ષાથી એ સળગી ઊઠે છે. સ્ત્રીની નાનીમોટી ભૂલોને રાઈનો પર્વત બનાવી પુરુષો આગળ રજૂ કરતાં એ શરમાતી નથી.