સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/અંદર પડેલું મંગળ તત્ત્વ

          રાસ છોડ્યું. અમિયાદ વટાવ્યું. કણભા આવ્યું. ભાગોળ પાસેના એક ખેતર તરફ આંગળી ચીંધાડીને મહારાજે કહ્યું કે, “આ એ ખેતર કે જ્યાંથી અધરાતના અંધારામાં ગોકળ પાટણવાડિયાએ મને પોતે ચોરેલા ઘીના ડબા કાઢી આપેલા.” પાટણવાડિયાએ ચોરીઓ ન કરવી, અને જેનું ચોરાય તેણે પોલીસમાં ફરિયાદ ન કરવી; ચોરી અને ચોર મહારાજે જ પકડી આપવાં : એવો કરાર લોકો સાથે કરીને જે કાળમાં પોતે અહીં કામ કરવા બેઠા એ કાળની વાત છે. કણભાના લવાણાના ઘીના બે ડબા ચોરાયા : મહારાજે અહીં બેસી મૂંગું તપ માંડયું, ખાવું ન ભાવ્યું, ત્રણ દિવસ નિર્જળી લાંઘણો ખેંચી : ગામનો મુસ્લિમ ખેડુ દાજી ગામલોકોને કહે કે “કોઈએ ખાવા જવું નહિ.” રાતે સૌ સૂતા પછી ચોર ગોકળ પોતે જ છાનોમાનો મહારાજના પગનો અંગૂઠો હલાવી પોતાની પાછળ પાછળ અંધકારમાં ખેતરોમાં લઈ ગયો : એક ઠેકાણે જઈ ડબો વગાડયો : મહારાજ એ ભર્યા બે ડબા જાતે ઊંચકી રાતે લવાણાની પાસે લઈ ગયા : એક તો ઘીનો — પણ બીજો તેલનો નીકળી પડ્યો! વળતે દિવસે પણ લાંઘણ ચાલુ : સાંજે ગોકળે મહારાજને ઘેર બોલાવી ચોરી કબૂલ કરી : ફોજદારને રુશવતના રૂ. ૪૦ આપવા માટે એક ડબો વેચ્યાનું કબૂલ્યું, પોતાની ભેંસના ઘીમાંથી નુકસાની ચૂકવવા સ્વીકાર્યું : અને પછી મહારાજને ઉપવાસ ભંગાવવા માટે અધશેર ખજૂર જોઈતો હતો તે આપનાર આ જ લવાણાએ એની કિંમતના બે આના પણ માગવાની નફટાઈ કરી! એ પ્રસંગની લીલાભૂમિ કણભામાં મારે એ ત્રણેને નિહાળવા હતા : “થાતાં શું થઈ ગયું, પણ તમે આટલે સુધી જશો એવું નતું જાણ્યું, મહારાજ!” એમ કહીને ચોરી કબૂલનાર ગોકળને, ૫૦-૬૦ રૂપિયાનો પોતાનો માલ પાછો મળ્યા પછી ખજૂરના બે આના મોંએ ચડી સૌની વચ્ચે માગતાં ન ખચકાનાર લવાણાને, અને એને ફિટકાર દેનાર મુસલમાન ખેડુ દાજીને. પહેલા બે તો પ્રભુને ઘેર ગયા છે. થોભિયાવાળા બુઢ્ઢા દાજીને, હાથમાં હુક્કા સહિત, જ્યાં મહારાજે ઉપવાસો કરેલા તે જ મંદિરે હરખભેર આવીને મહારાજના પગમાં હાથ નાખતો ઓછો ઓછો થઈ જતો જોયો.

ગામ જુએ, માણસોને ભાળે, સ્થળો દેખે, ત્યારે મહારાજને આપોઆપ નવા પ્રસંગો યાદ આવે. પ્રસંગોનું લક્ષ્ય એક જ કે આ લોકોની અંદરનાં પ્રકૃતિ-પડોમાં કયું મંગળ તત્ત્વ પડ્યું છે અને કયા તત્ત્વને કારણે પોતે આ લોકોના પ્રેમમાં પડી ગયા છે. દાખલા તરીકે — “અહીં એક જીવા જેસંગ નામે પાટણવાડિયો હતો. એણે ને આ દાજીએ એક પરદેશ વસતા બ્રાહ્મણનો જૂના વખતનો આંબો પચાવી પાડેલો. બ્રાહ્મણ માગે, પણ આપે નહિ — માલિકી જ પોતાની ઠોકી બેસારેલી! પછી વાત મારી કને આવી. મેં આવીને પૂછ્યું : હેં જીવા, હેં દાજી, સાચું શું છે? થોડી વારે જીવો દાજીને કહે : અલ્યા દાજી! આપણે તો સત્યાગ્રહમાં ભળેલા કહેવાઈએ — આપણાથી કાંઈ જૂઠું બોલાય, હેં? દાજી કહે : નહિ જ તો! — ત્યારે, મહારાજ, જૂઠું તો સત્યાગ્રહીથી નહિ બોલાય — એ આંબો અમારો નહિ, એ તો એવા એ બામણનો છે! ….પાછો સોંપી દીધો. નહિ કોઈ પાપપુણ્યની પીંજણ, નહિ પ્રાયશ્ચિત્તનાં પ્રદર્શન : અંતરમાં ઊગ્યું તે સાચું.” [‘માણસાઈના દીવા’ પુસ્તક]