સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/ઊર્મિના ઉમળકા

          તમારો નાનકડો કાગળ પણ મારે માટે ઊર્મિના ઉમળકા લાવે છે. આપણી વચ્ચે લેણાદેવીનો ચોપડો દૂર બેઠે પણ વધુ ને વધુ ચીતરાતો જાય છે. મારી આ ઉંમરે—ઉંમરનું ભાન મને કોઈક જ વખત થાય છે—હું તમારા જેવા કિશોર(તમને હું હજુ યુવક પણ બન્યા ગણતો નથી)ની સંગાથે લંગોટિયા ભાઈબંધ જેવી લાગણી અનુભવતો હોઉં છું ત્યારે મને જ નવાઈ થાય છે. એક ધાસ્તી પણ તમારો કાગળ મને પમાડે છે કે આ કાગળ લખવા પાછળ ‘અપરાધી’ સંબંધે તમે કરેલા વિવેચનથી મારું હૃદય રખે કદાચ દુભાય અથવા અસંતુષ્ટ રહે એવી કોઈ ચિંતા તો પ્રેરણારૂપ નહીં બની હોય? હું તમને વારંવાર શી રીતે સમજાવું, ભાઈ, કે તમારા જેવા મિત્રોનાં નિખાલસ વિવેચનો મને કેટલાં વહાલાં લાગે છે?તમે બતાવેલી ત્રુટીઓ તો મૌલિક હોય છે. તમે મારાથી ન બીઓ, કદાપિ ન બીઓ, એ જ માગું છું. આવા સન્મિત્રો તો જીવનમાં તેમ જ સાહિત્યમાં હોવા એ એક privilege છે. સાત દિવસથી પથારીમાં જ પુરાયેલો છું. લોહીનું low blood pressure, અનિદ્રા વગેરે વધતાં બોટાદ-રાણપુર તદ્દન છોડવું પડ્યું ને આંહીં ડોક્ટરે પથારી ભળાવી. પણ એક રોગ આંહીં ખાતે ઉમેરાયો—હરસનું લોહી પડવું. આજે કંઈક ઠીક છે. આવવું’તું તો અમદાવાદ, પથારી પાથરવી હતી તમારે જ બંગલે, પણ આટલી થોડી માંદગીની સારવારનો સસ્તો જશ તમે જીતી જાઓ તે કરતાં તો કંઈક વધુ મૂંઝવતી હાલતમાં જ ન આવું! ને કંઈકે થાય તોયે અમદાવાદ સારી એવી સ્મશાનયાત્રા તો કાઢે! [ઉમાશંકર જોશી પરના પત્રોમાં: ૧૯૩૮, ૧૯૪૧]