સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/એક જ કલગી

          હું તો મારા કંઠમાં પાંચસો ગીતો પકડીને બેઠો છું. એ ચાલ્યાં જતાંને મેં હજુય આગમાંથી ઉગારી પકડી રાખેલ છે, પણ હું કરું શું? કોની પાસે જાઉં? મારે એક મોટું volume [ગ્રંથ] ગીતોનું બનાવવું છે, ‘રઢિયાળી રાત’ના ત્રણ ભાગોની અંદર ન આવી શકેલાં પુષ્કળ છે. ભજનોનું કરાવી રહ્યો છું. પણ એ બધું હું કોના સહકારથી કરું? મારે પણ બીજી કોઈ પ્રતિષ્ઠા જોઈતી નથી, લોકસાહિત્યની એક જ કલગી બસ છે, ને એને vindicate [સાર્થક] કરવા માટે મારી પાસે ઘણું છે. ચારણી સાહિત્ય મારા હાથમાં છે. પેલા વળાવાળા ચારણ— કવિ ઠારણભાઈ, એકસઠ વર્ષની વયના છેલ્લા અવશેષ, ગઈ કાલે જ ભેટી ગયા. એને ઘેર, મારા ગામથી આઠ જ ગાઉ ઉપર, પાંચસો વર્ષ અંદરની હસ્તપ્રતો— ચોપડાના થોકેથોક પડ્યા છે, પણ હું એનો ભંડાર જોઈને શું કરું? હું એકલો કેટલુંક કરી શકું? Revival માટે મેં રસમાર્ગ લીધો, તો વિદ્વાનો કહેશે કે આમાં શાસ્ત્રીયતા નથી. અરે ભાઈ, શાસ્ત્રીયતા તો યુનિ.ની ડિગ્રી લઈ આવનાર સેંકડો બતાવે છે, મારો છોકરો ય કાલે બતાવશે, પણ પાંચસો ગીતો ને પાંચસો દુહા, આટલાં ભજનો ને આટલાં ચારણી કાવ્યો ને એનામાં રસ મૂકતી બીજી થોકબંધ પ્રસાદીઓનો બોજ ખેંચનારને અશાસ્ત્રીય કહીને કાઢી નાખ્યે શો લાભ છે? ને એમ હું ગળાઈને ઇતિહાસમાંથી કાંકરા-કસ્તર જેવો નીકળી જાઉં તો યે શો અફસોસ છે? પણ હું મારી પાસે જીવનતત્ત્વ છે તેને ક્યાં લઈ જાઉં તે કોઈ કહેશો? મારું ઇતર લેખન જરૂર જરૂર ભલે ભૂંસાઈ જાઓ (ને ભૂંસાઈ જ જશે તો!) હું ફક્ત એકલા લોકસાહિત્યનું નામ લઈને ઊભો રહીશ. એમાં રહેલી નાનપ પણ મને મારી પોતાની લાગશે. [ઉમાશંકર જોશી પર પત્ર : ૧૯૪૦-૧૯૪૧]