સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/ગુજરાતી સાહિત્ય-સમૃદ્ધિ

From Ekatra Wiki
Revision as of 08:01, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સાહિત્યના વિવેચનની જોડાજોડ તવારીખ-ગ્રંથ લેખે શ્રી કૃષ્ણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સાહિત્યના વિવેચનની જોડાજોડ તવારીખ-ગ્રંથ લેખે શ્રી કૃષ્ણલાલ ઝવેરીનું અંગ્રેજી Milestones in Gujarati Literature શુદ્ધ કરેલી બીજી આવૃત્તિમાં રજૂ થાય છે. ગરીબડા ગણાતા ગુજરાતી સાહિત્યને પણ ઇતિહાસ-સમૃદ્ધિ છે ને આ કથા બિનગુજરાતીઓને કહેવા જેવી છે, એવા શરમાળ સ્વાભિમાનમાંથી સર્જન પામેલો આ પહેલો સંકલનાબદ્ધ પ્રયત્ન ઝવેરી સાહેબે ૧૯૧૪માં કરેલો ત્યારે સાહિત્યનો ઇતિહાસ સંશોધનની અવસ્થામાં હતો. સંશોધનનો નવપ્રકાશ આપણા સાહિત્યના અંધારા ખૂણાને અજવાળતો આવે છે. ગુજરાતના તળપદા કંઠસ્થ લોકસાહિત્યની વચગાળામાં બંધાયેલી લબ્ધપ્રતિષ્ઠિત પદવીનું બહોળા હાથે આ ગ્રંથમાં સન્માન થયું છે. જૈન રાસાઓના અર્ધોજ્જ્વલ કાળથી ઓગણીસમી સદી સુધીનો સૈકાવાર સંકલિત આ ઇતિહાસ આ તવારીખ-નવેશે પોતાની માન્યતાઓના રંગોને વેગળા રાખીને ઠાવકી સુધીર શૈલીએ, હકીકતોના પુંજનું પ્રાધાન્ય સચવાઈ રહે તે દૃષ્ટિએ આલેખેલ છે. મુનશીના Gujarat and Its Literatureના ભાવરંગી પુસ્તકની પડખે આ ઠાવકો ઇતિહાસ અભ્યાસીઓને ઉપકારક બનશે. [‘ફૂલછાબ’ અઠવાડિક: ૧૯૩૮]