સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/ચોરાનો પોકાર...

          એક ગામડાની અંદર જતાં જોયું કે ચોરો પડી ગયો છે, દીવાલો ફસકી પડી છે, ઠાકરદ્વારો ઊપડી ગયો છે. સવારસાંજ દીવા પ્રગટતા નથી. ઝાલરનો નાદ બંધ પડ્યો છે. નિર્જન, નિ:સ્તબ્ધ અને ગંભીર એ દેવાલય કે લોકાલય કોઈ અબોલ આર્તવાણી વડે ગામડિયા દેવને—ઠાકર મહારાજને—સાદ કરી રહ્યું છે. માટીની દીવાલો તો ભાંગે; પરંતુ ચોરો માટીની ચાર દીવાલો ને છાપરું નથી. એના પરમાણુ-પરમાણુએ ગામનો ઇતિહાસ પડ્યો છે, જમાનાઓનું લોકજીવન વીંટળાઈ રહ્યું છે. શૂરવીરો આંહીં કસુંબો લેતા. ચારણ કોણી સુધી બાંયો ચડાવીને ગોઠણભેર થઈને શૌર્યનાં યશોગાન ગાતો. પંચાયત મળતી ને ઠાકર મા’રાજની સાખે નિર્મળ ન્યાય તોળાતો. સાધુસંતો આંહીં ઊતરતા. મુસાફરોની આ ધર્મશાળા અને અમલદારોનો આ ઉતારો. ચોકીદારોની આ ચાવડી, જ્યાં બેઠાં બેઠાં ગામમાં કૂતરું દાખલ થાય તેની પણ ખબર રાખી શકાતી. અને ભજનધૂનના પડઘા આંહીં હજુ યે બોલે છે. આજ ચોરો ભાંગી પડ્યો છે. અકસ્માત નથી. હૈયામાં પડેલા ચોરાના પાયા લોકોએ કાઢીને ફેંકી દીધા, પંચાયતો અદૃશ્ય થઈ, યશોગાન બંધ પડ્યાં, લોકજીવનના કલ્લોલ અટકી ગયા; ઠાકર મહારાજનું આસન લોકોના હૃદયમાંથી ઊખડી ગયું. પછી જ ચોરો ખળભળ્યો. એ દેવાલયમાં ઠાકર મહારાજ પાછા લાવવા હોય તો અક્કેક આદમી ગારાનું ગાદળું લઈ આવે ને ચણતર ચણે. પરંતુ ઠાકરદ્વારની મરામત પહેલાં લોકોનાં હૃદયમાં થવી જોઈએ. લોકોને જૂના જીવનની કકડીને ભૂખ લાગવી જોઈએ. જન્મભૂમિ આજે નાની નાની નદીઓને કિનારે ઊભી ઊભી, ગારાનાં ઝૂંપડાંના જૂથની અંદરથી ડોકિયાં કરતી, નાસેલાં સંતાનોને બોલાવે છે. એ સાદ કોઈ સાંભળે છે? [‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક: ૧૯૨૨]