સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/નાગડાના વિચારોની ઘટમાળ

          આ સોરઠિયાણી! સ્ત્રી કોઈ દી પૂરી જોઈ નહોતી. તરીને જ સદા ચાલતો આવ્યો છું. આજ નારીને નીરખી-નીરખીને ધરાતો કેમ નથી? ફરી વાર કેમ એની ગાળોે ખાવા જવાનું દિલ થાય છે.? કોણ હતી એ? જાડેજી ભાષાની ઘંટડીઓ કંઠમાં કેવી વગડતી હતી! મેં શું બગાડ્યું છે કે મને ઠપકો દેતી હતી.? તમાચો લગાવી દીધો હોય તો? તો આંગળાંના વેઢા ઊઠી આવે કે નહિ? ગાલ એટલા લીસા હશે કે નહિ? ઊચે ઉછાળીને પાછી ઝીલી હોય તો? બે બાવડાં ઝાલીને ફેરફૂદરડી ફેરવીને પછી મૂકી દીધી હોય તો ચક્કર ખાઈને પડે કે ન પડે.? એક હાથે કમ્મરથી ઝાલીને બીજે હાથે દરિયો તરવાનો હોય તો સામે કાંઠે કચ્છની ભોમ સુધી પહોંચી શકાય.? વાજોવાજ દોડતે ઘોડે રસ્તામાંથી ઉઠાવી લેવી હોય તો કેટલી વાર લાગે.? પછી બેલાડે બેસારીને ઘોડો દોટાવું તો એ બીકની મારી મારા બદન ફરતા ભુજ ભીડી લ્યે કે નહિ? ન ભીડે તો પડે મોંભરિયાં ને ફોદેફોદા નીકળી જાય. હું કાંઈ ઘોડો ઊભો ન રાખું! પાછળ વાર ચડી હોય ને હું શું ઘોડો થોભાવું? એ હાથ મેલી દે તો મને ક્યાં બીજી કળા નથી આવડતી? બેલાડેથી ઉઠાવીને ખોળામાં જ ન બેસારી લઉં! પછી તો પડવાની ધાસ્તી જ નહીં. પછી તો લગામ છૂટી જ મૂકી દેવાય, રેવત આભને ફાળ ભરતો જાય, મુલક પાર કરી જાય અને વંકા, લીલા, વાદળિયા પહાડોના કોઈ પ્રદેશમાં લઈ જઈને કહું કે લે, તાકાત હોય તો ખચકાવી કાઢ આ મારી મૂછો. ખેંચી લે; કેમ ખેંચતી નથી? ભૂલી ગઈ? વાંક કબૂલ? દઈશ કદી ગાળ? બસ તયેં, હાલ હવે મા કને, માની આશિષો માગી લઈએ. એક રાત રહી લઈએ, પ્રભાતે તો...