સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/ભાઈ!

          ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આયર મરી ગયો, અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરાં રીડિયારમણ કરવા મંડ્યાં. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી. પાડોશીને બે હાથ જોડી વિનવણી કરી : “બાપુ, બે દિવસ મારાં ગભરુડાંને ટીપું ટીપું રાબ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો જઈને આવતી રહું છું.” મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે. ખાંભેથી પોતે હોંશે હોંશે મિતિયાળે ગઈ. ઘરના બારણામાં જ ભાઈને ઊભેલો ભાળ્યો; પણ ભાઈને તો કળજુગે ઘેરી લીધો હતો. “આ લેણિયાત ક્યાંથી આવી.?” એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી છીંડીએ થઈને એણે પલાયન કર્યું. બહેને આઘેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા. તોય દુઃખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી. ભોજાઈએ પણ મોંમાંથી ‘આવો’ એટલું ન કહ્યું. નેવાં ઝાલીને નણંદ ઊભી રહી, એણે ભાભીને પૂછ્યું : “ભાભી! મારો ભાઈ ક્યાં ગયો.?” “તમારા ભાઈ તો કાલ્યુંના ગામતરે ગયા છે.” ધરતી મારગ આપે તો સમાઈ જવાનું બહેનને મન થયું. એણે નિસાસો મૂક્યો. એ પાછી વળી ગઈ. ભાભી કહે : “રોટલા ખાવા તો રોકાઓ.” “ભાભી! હસીને જો સોમલ દીધું હોત તોય પી જાત.” એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી. પણ એની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસવા માંડ્યા. બોર બોર જેવાં પાણીડાં પાડતી ચાલી જાય છે. ઝાંપા બહાર ઢેઢવાડો છે. માથે લીંબડાની ઘટા ઝળૂંબી રહી છે અને છીંક આવે એવા ચોખ્ખાફૂલ ઓરડાની લીંપેલી ઓસરીએ જબ્બર ડિલવાળો જોગડો ઢેઢ બેઠો બેઠો હોકો પીએ છે. જોગડો બાઈને નાની હતી ત્યારથી ઓળખતો હતો. બહેનને જોતાં જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફર્યો; પૂછ્યું : “કાં, બાપ, આમ રોતી કાં જા.?” “જોગડા ભાઈ! મારે માથે દુઃખના ડુંગરા થયા છે; પણ દુઃખ મને રોવરાવતું નથી; મારો માનો જણ્યો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે, ઈ વાતનું મને રોવું આવે છે.” “અરે, ગાંડી, એમાં શું રોવા બેઠી.? હુંય તારો ભાઈ છું ના! ઊઠ, હાલ્ય મારી સાથે.” જોગડો એ બાઈને જીભની બહેન કહી અંદર લઈ ગયો. એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું; રોકડી ખરચી આપી; પોતાના છોકરાને કહ્યું : “બેટા, ફુઈને લઈને ખાંભે મૂકી આવ્ય, અને આ દાણા ફુઈને ઘેર ઉતારી મેલજે.” ગાડું જોડીને છોકરો ફુઈની સાથે ચાલ્યો. વિધવા આયરાણી પોતાના મનમાં આ સંસારનાં સાચજૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ. તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માજાયો મળ્યો. અંતરમાંથી સંસારનાં ઝેર ઊતરી ગયાં. બહેન ગયા પછી જોગડાની બાયડી આવીને બોલી : “ભગત, મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જાશે.” “કેમ.?’ “જુઓ, ભગત! છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે, તો તો ગાડું ને બળદ એની ફુઈને આપીને આવશે; અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડું-બળદ પાછાં લાવશે.” “અરે, મૂરખી! એવા તે વદાડ હોય! એ છોકરું, બાપડો એવી વાતમાં શું સમજે.? એ તો મોટેરાંએ કહ્યું હોય એટલું જ કરે ને.? અને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું છે કે કહ્યું છે.?” “ભગત, જો શીખવવું કે કહેવું પડે, તો પછી નવ મહિના ભાર વેંઢાર્યો તેનું મા’તમ શું.?” બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાશ ઉલાળતો ઉલાળતો ઘેર આવ્યો. સાંભળીને પૂછ્યું : “બેટા! ગાડું-બળદ ક્યાં.?” “ફુઈને દીધાં.” “કાં.?” “બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફુઈને ફુયારું ન આપી આવું.?” મા બોલી : “રંગ છે, બેટા! હવે ભગતનો દીકરો સાચો!”

જે ભુજાએ જોગડે દાન દીધાં, તે જ ભુજામાં એક વાર એણે તરવારને રમાડી. તે દિવસ મિતિયાળામાં એભલ વાળાની ગાદી હતી. દુશ્મનોની ફોજે એક દિવસ મિતિયાળું ઘેર્યું અને જોગડો રણ ખેલવા ચડ્યો. મરવાની આગલી રાતે એની બાયડીએ કેવા કાલાવાલા કર્યા!- સારસ સાજી રાત, વલખે વલખે વાલમ જયું, રહોને આજુ રાત, (અમારી) જોડ વછોડો મા, જોગડા! [હે જોગડા, સારસી (ચક્રવાકી) પંખિણી જેમ આખી રાત પોતાના નરને નદીને સામે કાંઠેથી સાદ કરતી કરતી ઝૂરી ઝૂરીને રાત કાઢે, તેમ મારી ગતિ કાં કરો.? આજની રાત તો રહો! આપણી જોડી કાં તોડો.?] પણ જોગડાને તો સહુની મોખરે મરવું હતું-એ કેમ રોકાય.? ધીંગાણું કરીને સહુથી પહેલું એણે પોતાનું લોહી પોતાની જનમભોમને ઝાંપે છાંટ્યું. ખાંભામાં જોગડાની જીભની કીધેલી આયર બહેન ખોરડાના કરા ઉપર નિસરણી માંડીને ગાર કરતી હતી. ત્યાં કોઈએ ખબર આપ્યા : “તારો ધરમનો માનેલો વીર જોગડો ધીંગાણામાં કામ આવ્યો.” સાંભળીને બાઈએ નિસરણીની ટોચથી પોતાના શરીરનો ઘા કર્યો; ધબ દેતી નીચે પડી; માથું ઢાંકીને મરશિયા માંડ્યા. માનવીની ને પશુની છાતી ભેદાય તેવા મરશિયા એના મીઠા ગળામાંથી ગળી ગળીને નીકળવા લાગ્યા : વણકર અને વણાર, નાતે પણ નેડો નહિ, (પણ) ગણને રોઉં ગજમાર, તારી જાત ન પૂછું, જોગડા! [હે ભાઈ જોગડા, તું લૂગડાં વણવાનું કામ કરનારો ઢેઢ હતો અને હું તો વણાર શાખની આયરાણી છું. નાતજાતના હિસાબે તો આપણી વચ્ચે કાંઈયે સંબંધ નથી, પણ હું તારી હલકી જાત સામે શું જોઉં.? હું તો તારી ખાનદાનીને રડું છું, હે હાથીઓના હણનારા જોદ્ધા!] આયરાણી ગાતી ગાતી રાતે પાણીએ રોવા લાગી. વિલાપ આગળ વધે છે : આગે છેલ્લી ઊઠતો, પે’લી ઊઠ્યો પાંત, ભૂપાંમાં પડી ભ્રાંત, જમણ અભડાવ્યું, જોગડા! [હે જોગડા ભાઈ, તું તો ઢેઢ. જમણમાં તારે તો હંમેશાં સહુથી છેલ્લે બેસવાનો વારો આવે. પરંતુ આ જુદ્ધરૂપી જમણમાં તું તો પહેલી જ પંગતમાં બેસી ગયો. સહુથી પહેલવહેલો ત્રાટકીને મર્યો. તેં તો બીજા ભૂપતિઓનું ભોજન અભડાવી માર્યું, એટલે કે તેઓની કીર્તિને ઝાંખી પાડી.] આયરાણીએ એના વીરને સંભારી સંભારી આંખોનાં આંસુ અને હૈયાના મરશિયા ઠાલવ્યે જ રાખ્યા. એની આંખોનાં પોપચાં ફૂલી ગયાં. એનું જગત ઉજ્જડ થઈ ગયું. [‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ ૩ પુસ્તક : ૧૯૨૫]