સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/વિરાટ સોબતીને ઓળખ્યા વિના રહ્યો

          હમણાં તો આકાશના તારા, ગ્રહો, નક્ષત્રો વગેરે નિહાળવાની ખૂબ ધૂન લાગી છે; પણ ઓળખું ફક્ત બે-પાંચને જ, એટલે બાકીના જ્યોતિર્ધરો સામે તો બાઘાની પેઠે જોઈ રહું છું. રાત્રિઓ એટલી સ્વચ્છ હોય છે કે રાતના બે-ત્રણ-ચાર બજે, જ્યારે જ્યારે ઊઠું ત્યારે, અગાશીમાં ઊભીને ધરાઈ ધરાઈ જોયા કરું છું ને કોઈ સમજાવનારો ભેટે તે માટે ઝંખું છું. એમ થાય છે કે અહોહો! ચાલીસ વર્ષો જીવનનાં ગયાં, આખું જગત ડોળવાનો દાવો કરનાર લેખક બન્યો, ને રોજના આવા વિરાટ સોબતી આકાશને જ ઓળખ્યા વિના રહ્યો! અને એ ન જોયું તેને પરિણામે કેટલી બધી કંગાલિયત મારા સાહિત્યમાં પણ રહી ગઈ હોવી જોઈએ. [ઉમાશંકર જોશી પરના પત્રમાં: ૧૯૩૮]