સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/સોના-નાવડી

ગાજે ગગને મેહુલિયા રે,
વાજે વરસાદ-ઝડી.
નદી-પૂર ઘૂઘવિયાં રે,
કાંઠે બેઠી એકલડી!
મારા નાના ખેતરને રે
શેઢે હું તો એકલડી!
મેં તો ધાન વાઢી ઢગલા કરિયા,
ડૂંડાં ગાંસડી ગાંસડીએ ભરિયાં;
ત્યાં તો વાદળ ઘોર તૂટી પડિયાં....
મારી ચૌદિશે પાણીડાં નાચી રહ્યાં,
આખી સીમેથી લોક અલોપ થયાં,
દિનાનાથ રવિ પણ આથમિયા....
પેલી નૌકાનો નાવિક રે
આવે ગાતો: કોણ હશે?...
હું તો દૂરથી જોતી રે:
જૂનો જાણે બંધુ દીસે....
કિયા દૂર વિદેશે રે
નાવિક, તારાં ગામતરાં?
તારી નાવ થંભાવ્યે રે
આંહીં પલ એક જરા!...
મારાં ધાન દઉં તુંને વા’લપથી,
તુંને ફાવે ત્યાં વાપરજે, હો પથી!...
મારી પાસ થતો જા રે
આંહીં પલ એક જરા....
લે લે ભારા ને ભારા રે!
—છલોછલ નાવડલી;
“બાકી છે?”—વા’લા મારા રે!
હતું તે સૌ દીધ ભરી.
મારી જૂની પછેડી ને દાતરડી,
મારા ભાતની દોણી ને તાંસળડી,
તુંને આપી ચૂકી સર્વ વીણી વીણી.
રહ્યું લેશ ન બાકી રે
રહ્યું નવ કંઈયે પડી;
રહી હું જ એકાકી રે,
આવું તારી નાવે ચડી....
હું તો ચડવાને ચાલી રે,
નાવિક નીચું જોઈ રહે;
નવ તસુ પણ ખાલી રે,
નૌકા નહિ ભાર સહે....
નાની નાવ ને નાવિક પંથે પળ્યાં,
ગગને દળ-વાદળ ઘેરી વળ્યાં;
આખી રાત આકાશેથી આંસુ ગળ્યાં.
સૂની સરિતાને તીરે રે
રાખી મુંને એકલડી,
મારી સંપત લૈને રે
ચાલી સોના-નાવડલી.
મારા નાના ખેતરને રે
શેઢે હું તો એકલડી.
[રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી પરથી]