સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/“ઘી-ગોળનાં હાડ!”

          “દરિયા! ઓ દરિયા!” “શું છે, મહીં?” “મારી જોડે પરણ.” “નહિ પરણું.” “કેમ નહિ?” “તું કાળી છે તેથી.” “જોઈ લેજે ત્યારે!” એમ કહીને મહી પાછી વળી ને પછી મંડી પથરા તાણવા, તાણી લાવીને મંડી દરિયો પૂરવા. દરિયો તોબા પોકારી ગયો : રખે આ કાળવી મને આખોય પૂરી વાળશે! કહે કે, “ચાલ, બાપુ, તને પરણું!” પરણ્યાં. મહી-સાગરનાં એ લગ્નની ચોરી તરીકે વાસણા પાસે એક ઓટો બતાવાય છે. આવી ડરકામણી મહીને મેં દીઠી — ચાંપોલ અને બદલપુર ગામોની પાસે દીઠી — તે સાથે જ ખાતરી થઈ કે દરિયાને ગળે પડીને જ પરણી છે આ ચંડી! ને આ મહી-સાગરનું લગ્ન તો કાળા કોપનું નીવડયું લાગે છે. હું જ્યારે મહીની વત્સલ જનેતા તરીકેની કલ્પનામાં મગ્ન હતો ત્યારે માર્ગમાં જ મહારાજ વારંવાર બોલતા આવતા હતા કે, “આ મહી નથી પીવાના ખપની, નથી ખેતીના ખપની, નથી નાહવાના ખપની; છે ફક્ત સોગંદ ખાવા પૂરતી જ કામની;” ત્યારે મને સાચો ખ્યાલ આવતો નહોતો. પણ બદલપુરના ઊંચા ટીંબાથી પોણોએક ગાઉની છિન્નભિન્ન પૃથ્વી વટાવ્યા પછી જ્યારે અમે મહીના પટમાં ઊતર્યા ત્યારે મહી વિકરાળ, કાવતરાખોર, કદરૂપી અને કુભારજા લાગી. પુરુષ ભાઈ તરીકે દરિયાની મને દયા આવી! મહીના શયનમંદિરમાં સાગર રોજ પ્રવેશે છે. એ દરિયાઈ ભરતીને ‘ઘોડો’ કહે છે. ઘોડાનું રૂપક જેને સૂઝ્યું હોય તેને ધન્ય છે! નદીમાં આવતો સાગરનો જુવાળ ઘોડાનો જ ઘાટ રજૂ કરે છે. કેશવાળી શી શ્વેત ફીણવાળી તરંગ-ટોચ, વિલાસ— મસ્તીના ઉછાળા મારતાં નીર-કદમો, અને હ-ડૂ-ડૂ-ડૂ એવા હણહણાટ. ઘોડો આવવાનો થાય ત્યારે આરે આરેથી માછીઓ પોતપોતાની નાવડીઓને ઘોડાની સામે બેક માઈલ લઈ જાય. ને નાવનો અને ઘોડાનો જ્યાં સંપર્ક થાય ત્યાં ઘડીભર તો નાવડીને પોતાના પાછલા પડખામાં લપાવી દઈને પછી ‘ઘોડો’ એને પોતાની માણેક— લટને સ્થાને અગર તો કાનસૂરી વચ્ચેના કોઈક ફૂમતાબંધ શણગારની અદાથી રમાડતો-ઝુલાવતો હીંહોટા દેતો દેતો ધસ્યો આવે છે નદીની શયન-સોડમાં. એ દેખાવ કલ્પનામાં છે ત્યાં સુધી સુંદર છે. પણ મહારાજે મને એવા એક મહીઉતરાણનો કિસ્સો કહ્યો હતો, તેણે મનને ઉદાસીથી ભરી મૂક્યું છે. પોતે વડોદરેથી આવતા હતા. સાથે એક ભંગી ને એની દીકરી થયાં. ભાઈના હાથમાં બાળક હતું. સાથે વાંસનો ભારો હતો. મહીના આરા પર આવ્યાં કે તરત એક માણસે બૂમ મારી : “જલદી ઊતરો… નહિતર ઘોડો આવે છે!” મહારાજ તો રહ્યા બાજંદા તરવૈયા, શરીરે પાવરધા, તે પાણીમાં ચાલ્યા. પછવાડે પેલો ભંગી ઊતર્યો, ને વાંસનો ભારો પાણીમાં ખેંચતો ચાલ્યો. એના મનમાં એમ કે બાઈ બાળકને લઈને પાછળ ચાલી આવે છે. પેલે કાંઠે બેઉ પહોંચી ગયા. પછી પાછળ જુએ તો દૂર દૂર બાઈ પાણીની અંદર સજ્જડ બનીને ઊભી થઈ રહેલી! કાંખમાં છે બાળક. બૂમ પાડી : “અરે બાઈ, ઝટ ચાલી આવ!” પણ બાઈના મોંમાં બોલ નથી, શરીરમાં સંચરાટ નથી. બૂમો પડે છે : “ઘોડો આવે છે! વાઘુ આવે છે!” જે માણસ બૂમો પાડતો આવ્યો તેને પેલા ભંગીએ કહ્યું : “ભાઈ, મારી દીકરીને તું ઉતારી લાવ.” માછી કહે : “શું દઈશ?” ભંગી કહે : “મારી કને બે આના છે તે આ લે.” “એટલે તો શાનો ઉતારું!” એમ કહેતો એ તો ઢબઢબતો ચાલ્યો ગયો. ને મહારાજ એ ભંગીને અને પછી એની પાણીમાં દૂર થંભી રહેલી બાળકવંતી પુત્રીને જોઈ રહ્યા. બેમાંથી જાણે કોઈમાં ચેતન નથી. શિર ઉપર સદાની વિદાય તોળાઈને ઊભી છે. મહારાજ પાછા ગયા. બાઈની પાસે પહોંચ્યા. બાઈને કહે છે કે “આંહીં આવ!” બાઈ બોલતી જ નથી. એ તો જાણે જીવન-મૃત્યુ વચ્ચેનો ભેદ ત્યજીને ઊભી છે. મહારાજે જઈ બાળકને હાથમાં લીધું. બાઈનો હાથ પકડી ઘોડાનાં ચડતાં પાણીમાં દોરી. બાઈ રસ્તે ફક્ત એટલું જ બોલી શકી : “બાપજી, મારું તો જે થવું હોય તે થાવ, પણ મારી છોકરીને કંઈ થવા દેશો ના, હોંકે!” મુસીબતે બાઈને સામે કાંઠે પહોંચાડી ત્યારે બાઈનો બાપ બોલ્યો : “બાપજી! તમારાં તો ઘી-ગોળનાં હાડ ખરાં ને! તેથી જ તમે આને લઈ આવ્યા. અમે તો શું કરી શકીએ!” તે દિવસે એ ભંગીના બોલ પર જેવા પોતે મરક્યા હશે તેવા જ આજે પણ મંદ મંદ મરકીને મહારાજ કહે છે : “ઘી-ગોળનાં હાડ!” વસ્તુતઃ તો એમણે વર્ષોથી નરી ખીચડી સિવાય, કંગાલ ઘરનાં દાળ-ચોખાના બે મૂઠી બાફણાના એક ટંકના ભોજન સિવાય, ઝાઝું કંઈ જોયું નથી.


[‘માણસાઈના દીવા’ પુસ્તક]