સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝીણાભાઈ દેસાઈ/પૂનમલાલ

          છાત્રાલયમાં દાખલ થતી વખતે પૂનમલાલની ઉંમર બાર વરસની હતી. દાખલ થયા બાદ થોડાક વખતમાં જ તે વિદ્યાર્થીઓનો નેતા બની ગયો. આમલી-પીપળી રમવામાં એની કુશળતા અજોડ હતી, મોટાં ઝાડોની ઊંચામાં ઊંચી અને પાતળી ડાળીઓ ઉપર ચડવામાં એની સાથે કોઈ સ્પર્ધા કરી શકતું નહિ. આ સાથે એનામાં બીજી પણ અનેક વિશેષતાઓ હતી. વાતચીતમાં એ ઘણો કુશળ હતો અને એનું હાજરજવાબીપણું અત્યંત આકર્ષક હતું. પરંતુ તેની હાજરી છાત્રાલય તેમજ શાળામાં કાર્યકર્તાઓ માટે અળખામણી થવા માંડી. પોતાના સમવયસ્ક છાત્રોની ટોળીઓ બનાવી છાત્રાલયના નિયમોનો ભંગ કરતો તે રખડપટ્ટીએ ચડયો. આજુબાજુનાં ખેતરોમાંથી પણ અવારનવાર એને અંગે ફરિયાદો આવવા માંડી. એના ઉપર જે જે અંકુશો મુકાતા ગયા તે બધાનો એ બહુ સફળતાથી પ્રતિકાર કરવા માંડયો, અને એ પ્રત્યેક પ્રતિકારે વિદ્યાર્થીઓમાં તે વધુ ને વધુ માનીતો બનતો ગયો. બધા વર્ગો સાથે પરિચયમાં રહી શકાય એ દૃષ્ટિએ પ્રત્યેક શ્રેણીના બધા વિભાગોને એકઠા કરી સામાન્ય જ્ઞાન તથા કવિતા જેવા વિષયો હું એ વખતે લેતો. એવા વર્ગ લેતી વખતે મને પણ પૂનમલાલનો સીધો પરચો મળ્યો. એ જ્યાં બેસતો ત્યાં ચારે બાજુએ ભારે અસ્વસ્થતા મચી રહેતી. એમાં એ જ કારણભૂત હતો એ શોધી કાઢતાં મને વાર લાગી નહિ. પૂનમલાલે વિદ્યાર્થીઓમાં પ્રાપ્ત કરેલું સ્થાન કેવળ તેનાં અળવીતરાંને લઈને જ ન હતું, તે ભારે બુદ્ધિશાળી પણ હતો. એટલે તો પૂનમલાલમાં મને વધુ રસ પડવા માંડયો. એની શક્તિઓને યોગ્ય માર્ગે વાળવા માટે શું થઈ શકે એ અંગે એના બીજા શિક્ષકો સાથે પણ હું વખતોવખત ચર્ચા કરવા માંડયો. પણ એને માટે જે કોઈ યોજના કરવામાં આવતી તેમાં એને લાંબો રસ રહેતો નહિ. એને તોફાનમાં અને ભાંગફોડમાં જે આનંદ આવતો તે આડે બીજી બધી સિદ્ધિઓ એને ગૌણ લાગતી. એના આ સમાજવિરોધી વલણમાં એક પ્રકારની અવળે રસ્તે ચડી ગયેલી એની વિજિગીષાની જ અભિવ્યક્તિ હતી, એવો વહેમ ધીરે ધીરે મારા મનમાં બંધાતો ગયો. એ અંગે શું થઈ શકે એનો હું વિચાર કરતો હતો, એવામાં એક દિવસ એક મોટી ફરિયાદ મારી પાસે આવી. અમારા કંપાઉંડની દીવાલ પાસે પાડોશીનો એક આંબો હતો. એ આંબાની કેટલીક ડાળીઓ અમારા કંપાઉંડમાં પડતી હતી. આંબા ઉપર મરવા બેઠા હતા, અને છોકરાઓ પથ્થર મારી મરવા પાડે છે એ જાતની ફરિયાદ એના રખેવાળ તરફથી અવારનવાર આવતી હતી. એ માટે વિદ્યાર્થીઓને ઠપકો, ચેતવણી વગેરે આપવા જેવું બધું અમે કરી ચૂક્યા હતા. પણ પૂનમલાલની સરદારી હેઠળની ટોળી ઉપર એની કશી અસર થવા પામી ન હતી. પરિણામે રખેવાળે છોકરાઓને ભગાડવા માટે પથ્થરો મારવા માંડયા. અને પૂનમલાલની ટોળીને જાણે એ જ જોઈતું હોય તેમ એ પથ્થરોનો જવાબ તેમણે બેવડા ઝનૂનથી આપવા માંડયો. અમારા ચોકીદારે આ જોયું અને પુનમલાલને તેણે પકડી લીધો. એક બાજુથી પૂનમલાલને લઈને ચોકીદાર મારી પાસે આવ્યો, ત્યાં બીજી બાજુથી આંબાનો રખેવાળ અને તેની પત્ની ભારે અકળાટ સાથે રાવ ખાતાં આવી પહોંચ્યાં. વાતમાંથી મેં જાણી લીધું કે રખેવાળે એ આંબાની કેરી પચીસ રૂપિયે ખરીદી લીધી હતી. એની નફાની આશા તો બધી ધૂળમાં મળી ગઈ હતી, પણ એનું મુદ્દલ પણ હાથમાં નહિ આવે એવી એની ખાતરી થઈ ગઈ હતી. એનો અકળાટ સાચો હતો. મેં એને કહ્યું, “પંદર રૂપિયા નફો લઈ એ આંબો મને આપી દે.” મારી આ અણધારી વાતથી છોકરાંઓ તેમજ રખેવાળ ઘડીભર તો અવાક્ બની ગયાં. રખેવાળ તો બાપડો મૂંઝાઈ ગયો અને જાણે પોતે ગુનેગાર હોય એવી સ્થિતિમાં આવી પડયો. પણ મારી વાતની ગંભીરતાની તેને ધીરે ધીરે ખાતરી કરાવી તેના હાથમાં મેં ચાલીસ રૂપિયા મૂકી દીધા. એ પછી પૂનમલાલને સંબોધીને કહ્યું, “હવે પડાય તેટલા મરવા પાડો.” પણ મારી આ સૂચનાની એના મન ઉપર કશી જ અસર થતી ન હોય એવું જણાતાં મેં કહ્યું, “કેમ, ડરી ગયો?” જાણે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ, મારા આ ટોણાથી ઉશ્કેરાયેલો તે આંબા તરફ દોડી ગયો અને બને તેટલા ઝનૂનથી આંબા ઉપર પથ્થરમારો કરી તેણે ઢગલાબંધ મરવા ખંખેરી પાડયા. એ અંગે મેં કશી જ પૂછપરછ ન કરી તેમ જ એ બનાવની કોઈ નોંધ પણ લીધી નહિ. બીજે દિવસે પૂનમલાલ મારે ઘેર આવ્યો. થોડો વખત તો એ મૂંગો મૂંગો બેસી રહ્યો. એને કંઈક કહેવું હતું, પણ એ બોલી શકતો નહોતો. પછી ખૂબ અકળાટ સાથે તે બોલ્યો, “તમે ખૂબ ખરાબ છો.” મેં કહ્યું : “તેં આજે જ જાણ્યું?” તે બોલ્યો : “બધાના દેખતાં મને આમ શા માટે ભોંઠો પાડ્યો?” મેં કહ્યું : “તને ક્યાં ભોંઠો પાડ્યો છે? તારે મરવા જોઈતા હતા અને તેની મેં તને અનુકૂળતા કરી આપી.” “ના, ના, એવું નથી; તમે તમારી ભલાઈથી મને દબાવવા માગો છો, પણ એમ હું દબાવા માગતો નથી.” મેં કહ્યું : “મારું પણ એ જ કહેવું છે; તારે દબાવાનું નથી જ.” તે વધુ બોલવા અસમર્થ જણાયો. આવેગથી એનો અવાજ કંપતો હતો. તે સફાળો ઊભો થઈ એક પણ વધુ શબ્દ બોલ્યા વિના ચાલ્યો ગયો. એ પછી મોડેથી મને ઑફિસમાં એકલો બેઠેલો જોઈ તે આવ્યો, અને કંઈ પણ બોલ્યાચાલ્યા વિના મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકી જતો રહ્યો. ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું : “તમારા ચાલીસ રૂપિયા મારે વાળી આપવા છે. મને કંઈ કામ આપો. ગમે તેવું મજૂરીનું કામ કરવા પણ હું તૈયાર છું. ઝાડુ વાળવાનું કામ પણ હું કરીશ.” શાળા છૂટયા બાદ મેં પૂનમલાલને બોલાવ્યો અને અમે તાજેતરમાં જ સાઠ આંબા રોપ્યા હતા તેને પાણી પાવામાં તથા એ દરેક આંબા ફરતે થોરિયાની વાડ કરવામાં માળીને મદદ કરવાનું કામ મેં તેને સૂચવ્યું. આ વાત સાંભળતાં જ તેની આંખ આનંદથી હસી ઊઠી. એની ટુકડી સાથે એણે એ કામ ઉપાડી લીધું. પછી થોડા જ દિવસમાં ’૪૨ની લડત આવી; શાળા બંધ થતાં પૂનમલાલ પોતાને ગામ ગયો. દસ મહિના બાદ જ્યારે શાળા ફરીથી ઊઘડી ત્યારે પૂનમલાલ પાછો આવ્યો નહિ. એનાં માતપિતા હતાં નહિ. એની ઘરડી માસી એની સંભાળ રાખતી. અને પૂનમલાલને પાછો મોકલવા અમે લખેલા પત્રો અનુત્તર રહ્યા. [‘સંસ્કૃતિ’ માસિક : ૧૯૫૭]