સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝીણાભાઈ દેસાઈ/બાળકના ઘડતરમાં ઘર

Revision as of 08:26, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} બાળક શાળામાં જતો થાય તે પહેલાં એની સમજ અને એના જ્ઞાનનો પા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          બાળક શાળામાં જતો થાય તે પહેલાં એની સમજ અને એના જ્ઞાનનો પાયો સુદૃઢ રીતે નંખાઈ ગયો હોય છે. અભિમન્યુએ ગર્ભમાં રહ્યાંરહ્યાં કોઠાવિદ્યાનું જે જ્ઞાન મેળવેલું તે કોઈ કવિકલ્પના ન હતી, પણ મનોવિજ્ઞાનનું એક મોટું સત્ય હતું, એ આજના શિક્ષણશાસ્ત્રીઓએ સિદ્ધ કરેલું છે. આથી ઘરની સૌથી પહેલી ફરજ બાળકનો સ્વાભાવિક વિકાસ થઈ શકે એવું વાતાવરણ સર્જવાનો ગણાય. બાળક પોતાની આસપાસના વાતાવરણમાંથી પોતાના વિકાસ માટેનાં સાધનો મેળવતું હોય છે. મનુષ્યને મળેલી એક મહાન ભેટ તે વાણી દ્વારા પોતાના વિચારોને અભિવ્યક્તિ આપવાની એની શક્તિ. ભાષા દ્વારા સર્જાતી આ ક્રિયામાં ઘરમાં વપરાતી ભાષાનો ઘણો મોટો ફાળો હોય છે. આથી ઘરમાં થતી વાતચીત અને અન્ય વાણીવ્યવહાર બાળકોના ભાષાજ્ઞાનના પાયારૂપ બને છે. ઘરમાં થતી વાતચીત અને તેમાં વપરાતી ભાષાની જેમ બાળક પર અસર થાય છે તેમ કુટુંબમાં એકબીજાં સાથેના વ્યવહારની, આડોશી-પાડોશી સાથેના વ્યવહારની અને માનવસંબંધોમાં થતાં વિવિધ આદાનપ્રદાનોની બાળકના મન ઉપર સતત અસર થતી રહે છે અને એનાથી એનું રુચિતંત્રા ને વર્તન ઘડાય છે. મોટેરાંઓ નાનેરાંઓ પાસેથી પોતાને મનફાવે ત્યારે કામ કરાવવાનો પોતાનો અબાધિત અધિકાર લેખે છે. આની બાળક પર કેવી અસર થતી હોય છે એનો એક નાનકડો કિસ્સો નોંધું : “મારા એક મિત્રાની સાત-આઠ વર્ષની દીકરી એક ચિત્રા દોરવામાં નિમગ્ન હતી. હું અને તેના પિતા વાતો કરતા બેઠા હતા. તેના પિતાએ એને કહ્યું, “નીતા, જા તો પાણી લઈ આવ!” તેણે જવાબ આપ્યો : “પપ્પા! મારું ચિત્રા અધૂરું છે. તમે જ લઈ આવો ને!” બાળક પાસેથી કામ જરૂર લેવું, પરંતુ એને પોતાને પોતાનાં રસનાં આગવાં ક્ષેત્રો પણ હોય છે એ ભૂલી જઈ આપણને ઠીક લાગે ત્યારે આપણે એને ગમે તે કામ ચીંધીએ, તો બાળકના વિકાસમાં અવરોધ અવશ્ય ઊભા થાય છે. બાળકને વાત સાંભળવી અને વાત કહેવી ગમતી હોય છે. જગતનું બાલસાહિત્ય આ દૃષ્ટિએ ઘણું સમૃદ્ધ છે. બાળકની કક્ષાને અનુરૂપ ઘરમાં નાનકડું બાળપુસ્તકાલય જો વસાવી શકાય તો આવું પુસ્તકાલય અનેક રીતે બાળકના વિકાસમાં ફાળો આપી શકે. એ સાથે બાળકોને રોજ કુટુંબમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ એકાદ નાનકડી વાત કહે તો બાળકોની કલ્પના, ઊર્મિઓ અને જીવનદૃષ્ટિને ઘણી મોટી પ્રેરણા મળે. ‘રામાયણ’ અને ‘મહાભારત’ની કથાઓ તો બાળકોને ગળથૂથીમાંથી જ મળતી થવી જોઈએ. આમ, ઘરમાં શાળા કરતાં પણ વધુ સમૃદ્ધ એવી કેટલી બધી શિક્ષણની સામગ્રી અને સુવિધાઓ રહેલી છે એનો ખ્યાલ આ થોડાક અછડતા નિર્દેશોથી પણ આવી શકશે.