સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝીણાભાઈ દેસાઈ/મારે જાણવું છે

દુનિયા આખીમાં મારે છે
ઘણું ઘણું જોવાનું,
અહીંયાં બેસી રે’તાં મારે
શું શું નહિ ખોવાનું!
ધરતીનો છેડો છે ક્યાં ને
સૂરજ આવે ક્યાંથી?
કોયલ કાળી, પોપટ લીલો,
બગલો ધોળો શાથી?
શિયાળે ઠંડી છે શાને?
ગરમી કેમ ઉનાળે?
ચોમાસામાં ગાજવીજ શેં?
તણખો શાથી બાળે?
આવું આવું ઘણુંક મારે
ભણવાનું હજી બાકી,
લીલી કેરી પીળી પડતાં
કેમ મનાતી પાકી?
ચાર પગે કેમ પશુઓ ચાલે?
પંખીને કેમ પાંખો?
આવી દુનિયા જોવા મુજને
દીધી કોણે આંખો?