સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ડેનિયલ માઝગાંવકર/નાનકડી જિંદગીમાં...

          અમારી એક બહેન કેનેડામાં રહે છે. એના પરિવારમાં છે એના પતિ, બે બાળકો અને થોડાં ઢોર. ખેતી કરે છે; ખૂબ મહેનતુ છે. અને રાતે કમ્પ્યુટર પર બેસીને સારી સારી વાતો, હૃદયસ્પર્શી એવી ઘટનાઓ પોતાના મિત્રોને ઇ-મેલથી મોકલતી રહે છે. આવી એક ઘટના એના જ શબ્દોમાં રજૂ કરું છું : કેટલાંક વરસ પહેલાં અમેરિકાના સીએટલ શહેરમાં એક વિશેષ પ્રકારની ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન થયું હતું. એક દિવસ નવ સ્પર્ધકો દોડની સ્પર્ધા માટે ઊભા થઈ ગયા. તે નવે નવ જણ જન્મથી જ શારીરિક કે માનસિક મંદત્વના શિકાર બનેલાં હતાં. તેમ છતાં તે નવ ભાઈ-બહેન એકસો મીટરની દોડ માટે એક કતારમાં ઊભાં રહી ગયાં હતાં. પિસ્તોલનો અવાજ સાંભળીને બધાંએ દોડવાનું શરૂ કર્યું. દોડવાનું તો શું, — લથડાતા પગે બીજા છેડે પહોંચવા માટે બધાં નીકળી પડ્યાં. તે સ્પર્ધામાં કોણ પહેલું આવે છે, તે જોવાનું હતું. બધાં ધીરે ધીરે આગળ વધતાં હતાં. પણ તેઓમાં એક સાવ નાનો છોકરો હતો. તે થોડેક સુધી તો ખૂબ મહેનત કરીને બધાંની સાથે ચાલ્યો, પણ પછી લથડીને વચ્ચે જ પડી ગયો. નાનો હતો, રોવા લાગ્યો. બીજાં આઠ જેઓ થોડાંક આગળ નીકળી ચૂક્યાં હતાં, એમણે આનો રોવાનો અવાજ સાંભળ્યો એટલે પોતાની ગતિ ધીમી કરી નાખી અને પાછળ ફરીને જોયું. પછી એ બધાં પાછાં ફરી ગયાં અને આ પડી ગયેલા છોકરા તરફ ચાલવા માંડયાં. તે આઠમાં એક છોકરી હતી, જે પોતે પણ બૌદ્ધિક મંદત્વની શિકાર હતી. પેલા છોકરા પાસે આવીને તેણે નીચે નમીને તેનો હાથ પકડયો, તેને બેઠો કરી દીધો, અને પ્રેમથી તેને ચૂમી લેતાં એ બોલી, “ચાલ, હવે તને કશો વાંધો નહીં આવે.” ત્યાર બાદ ફરી એ બધાં નવ સ્પર્ધકો એકબીજાના હાથ પકડીને દોડના અંતિમ છેડા સુધી ચાલવા લાગ્યાં અને બધાંએ મળીને એક સાથે દોરડું પાર કર્યું. તે વખતે ત્યાં જેટલા યે દર્શકો હાજર હતા એમનાથી એ દૃશ્ય ભૂલ્યું ભુલાતું નથી. કેમ કે પોતપોતાના હૃદયના ઊંડાણમાં આપણે બધાં એક વાતની બરાબર અનુભૂતિ કરતા રહીએ છીએ કે આ નાનકડી જિંદગીમાં કેવળ પોતાની જ જીત માટે કોશિશ કરતાં રહેવાનું પૂરતું નથી. જરૂર તેની છે કે આપણે સહુ આ જિંદગીમાં બીજાને જિતાડવામાં પણ સહાયક બનીએ, પછી ભલે ને તેમ કરતાં આપણી પોતાની ગતિ થોડીક ધીમી કરવી પડે અથવા આપણે આપણી રાહ થોડી બદલવી પડે.