સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ત્રિભુવન વ્યાસ/ખિસકોલી

તું અહીંયાં રમવા આવ, મજાની ખિસકોલી!
તું દોડ, તને દઉં દાવ, મજાની ખિસકોલી!
તું કેવી હસે ને રમે, મજાની ખિસકોલી!
તારા કૂદકા તો બહુ ગમે, મજાની ખિસકોલી!
તું જ્યારે ખિલખિલ ગાય, મજાની ખિસકોલી!
તારી પૂંછડી ઊંચી થાય, મજાની ખિસકોલી!
તારે અંગે સુંદર પટા, મજાની ખિસકોલી!
તારી ખાવાની શી છટા, મજાની ખિસકોલી!
તું ઝાડે ઝાડે ચડે, મજાની ખિસકોલી!
કહે, કેવી મજા ત્યાં પડે, મજાની ખિસકોલી!
બહુ ચંચળ તારી જાત, મજાની ખિસકોલી!
તું ઉંદરભાઈની નાત, મજાની ખિસકોલી!