સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ત્રિભુવન વ્યાસ/શિયાળો

વર્ષાની વાદળીઓમાં થઈ
શરદ તણે નિર્મળ જળ ન્હાતો,
શારદ-લક્ષ્મીની વીણામાં
ગીત અભિનંદનનાં ગાતો,
અન્નકૂટના ધર્મ ઊજવતો—
શિયાળો આવ્યો સૂસવતો....
શીળો વાયુ વાવા લાગ્યો,
મધુર ગુલાબી ઠંડી ચમકી,
ઢોલ લગનસરાનો વાગ્યો,
ઝાંઝરની ઘૂઘરીઓ ઘમકી;
સ્નેહીનાં ગૌરવ ગુંજાવતો—
શિયાળો આવ્યો સૂસવતો.
સૂકો વાયુ વાય ફરર ફર,
ખર ખર તરુવર પાન ખરે,
ધ્રૂજે દુર્બળ દીન થરર થર,
ધનપતિ મદભર મોજ કરે;
એદીનાં અંગો સૂકવતો—
શિયાળો આવ્યો સૂસવતો....
ખેડૂતે શેરડીઓ વાવી
સીમડીઓને રસમય કીધી,
કોસ તણાં પૈ સાથે ગાતાં
રાતોને રઢિયાળી કીધી;
મીઠા મીઠા પાક પકવતો—
શિયાળો આવ્યો સૂસવતો....
માતાના ઝીણા સૂર ઝીલી
ઘંટી મધુરા ઘોર કરે,
મહી વલોવતી નારી ઝૂલી
હાથણીઓનાં માન હરે;
ઘર ઘર મંગલ ગાન ગજવતો—
શિયાળો આવ્યો સૂસવતો.
વહેલાં ઊઠી કામ કરે સૌ,
બાળક તડકે મળતાં ટોળે,
ઘરને આંગણ ઓઢી બેઠાં
વૃદ્ધો સગડીને સંકોરે;
ગોરે ગાલ અડપલાં કરતો—
શિયાળો આવ્યો સૂસવતો.
દક્ષિણમાં બહુ દૂરે જાતો
સૂરજનો રથ પાછો વાળી;
દાન તણો મહિમા ખૂબ ગાતી
સંક્રાંતિ ઉત્તરમાં ચાલી;
પાછળ મળવા ધૂમ મચવતો—
શિયાળો આવ્યો સૂસવતો.