સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/માનો ગુણ

Revision as of 12:24, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો; મને દુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો;
મને દુખી દેખી દુખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
લઈ છાતી સાથે બચી કોણ લેતું,
તજી તાજું ખાજું મને કોણ દેતું;
મને કોણ મીઠાં મુખે ગીત ગાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતાતણું દૂધ પાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું…
તથા આજ તારું હજી હેત તેવું,
જળે માછલીનું જડયું હેત જેવું;
ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
અરે એ બધું શું ભલું જૈશ ભૂલી,
લીધી ચાકરી આકરી જે અમૂલી;
સદા દાસ થૈ વાળી આપીશ સાટું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
અરે દેવના દેવ આનંદ દાતા,
મને ગુણ જેવો કરે મારી માતા;
સમો વાળવા જોગ દેજે સદા તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.