સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દાદા ધર્માધિકારી/યુવતીઓ પડકાર ફેંકે

          સ્ત્રી-જીવનમાં મોટી ખામી છે પુરુષ-નિર્ભરતા. સ્ત્રીને સદાય પુરુષના આધારની જરૂર પડે છે. પછી એ પુરુષ બાપ હોય, પતિ હોય કે બેટો હોય, પણ પુરુષની છત્રછાયામાં રહે તો જ સ્ત્રીની સ્વતંત્રતા ટકી શકે છે. આની સામે તમામ યુવાન સ્ત્રીઓએ પડકાર ફેંકવો જોઈએ. યુવાન સ્ત્રીઓના દિલમાં આ પડકાર આજે ધારો કે ન જાગ્યો, તો કમ સે કમ એમની દીકરીઓમાં તો એ જાગે! સ્ત્રીની પુરુષ-નિર્ભરતાનું કારણ, સ્ત્રીના મનમાં ભય છે. મેં એવી સ્ત્રીઓ જોઈ છે, જેને વાઘની બીક નથી લાગતી, જેને ભૂતની બીક નથી લાગતી. પણ જેને પુરુષની બીક ન લાગતી હોય તેવી સ્ત્રી આજ સુધી નથી જોઈ. એટલે કે સ્ત્રીના મનથી પુરુષ વાઘથી, ભૂતથી પણ વધારે ભયાનક છે. હિંદુ-મુસલમાન વચ્ચે રમખાણ થયાં, તો પહેલી ચિંતા બંનેની સ્ત્રીઓની થશે. યુદ્ધ થયું—પછી ભલેને તે સામ્યવાદી દેશો રશિયા અને ચીન વચ્ચે જ હોય—બંને પક્ષને પોતપોતાની સ્ત્રીઓની જ ચિંતા થવાની. કારણ, સ્ત્રીનું અપહરણ થઈ શકે છે. આમ તો પુરુષનું પણ અપહરણ થતું હોય છે, પણ તે પૈસા માટે. ત્યારે સ્ત્રીનું અપહરણ કેવળ પૈસા માટે નથી થતું. બે વચ્ચે એ મોટો ભેદ છે. સ્ત્રીના ડરનું કારણ એના શરીરની રચના છે. એ રચના એવી છે કે તેનો ઉપયોગ એની ઇચ્છા વિના પણ કરી શકાય છે. પરંતુ હવે સ્ત્રીએ બળાત્કારનો ભય છોડવો પડશે. મનથી એણે નક્કી કરવું પડશે કે બળાત્કારથી સ્ત્રી ભ્રષ્ટ થતી નથી. આ વિજ્ઞાનના યુગમાં એવી તરકીબ શોધવી પડશે કે સ્ત્રીને અનિચ્છાએ માતા બનવું પડે નહીં. ઘરમાં દીકરીને વારે ઘડીએ ટોકવામાં આવે છે—પારકે ઘેર જવાનું છે, માટે આમ ન કરાય, તેમ ન કરાય. છેક નાનપણથી તેના પર વિવાહના સંસ્કાર પાડવામાં આવે છે. એના આ સંસ્કારો પણ ભૂંસવા પડશે. સ્ત્રી વિવાહ વગર રહી જ ન શકે, એ સંસ્કાર કાઢવા પડશે. ઘણાં વરસ પર એક છોકરી આવીને મને કહે, “કાંઈક સંદેશો લખી આપો.” મેં લખી આપ્યું, “સૌભાગ્યની આકાંક્ષા છોડો!” એનાં માતાપિતા મારી પાસે આવ્યાં. કહે, “આ શું લખી દીધું? આ તો ભારે અનર્થ કર્યો!” છાપામાં હોહા મચી ગઈ. આ બાબત એવી છે કે સૌને ખટકે. પણ સવાલ તો એ છે કે કોઈ દિવસ કોઈ છોકરાએ સૌભાગ્યની આકાંક્ષા રાખી છે? લગ્નપત્રિકામાં લખાય છે ‘સૌભાગ્યાકાંક્ષિણી’, પણ છોકરા માટે કોઈ ‘સૌભાગ્યાકાંક્ષી’ નથી લખતું! સ્ત્રી પોતાની સહી કરશે તોપણ સાથે ‘સૌભાગ્યવતી’ જોડશે. પુરુષ તેવું કશું કરતો નથી. આ બધા સંસ્કાર આપણા શિક્ષણમાંથી આવે છે. છોકરીઓને આપણે આવા જ પાઠ શીખવીએ છીએ. કસ્તુરબા મહાન શા માટે? તો કે, પતિને સાથ આપ્યો! એ અનુગામિની, પાછળ પાછળ ચાલનારી મનાઈ—સહગામિની, સાથે ચાલનારી ન ગણાઈ. છોકરીઓ કહે છે કે સમાજ સ્વતંત્રતા નથી આપતો. પણ આ સમાજ તે વળી શું છે? દરેક બાપ સ્વતંત્રતા આપવા તૈયાર થાય, તો પછી બીજો સમાજ ક્યાં રહ્યો? આ તો એવું થયું કે હું તમને સમાજ માનું, અને તમે મને સમાજ માનો! એટલે આમાં પહેલ કરવાનો સવાલ છે. પહેલવહેલી જે છોકરી નિશાળે ભણવા ગઈ હશે, સૌ પહેલાં જે છોકરીએ જોડા પહેરવા માંડ્યા હશે, એની શી વલે થઈ હશે? એટલે પહેલ કરનારે સહન તો કરવું પડશે. એમાં કેવળ હિંમતની જરૂર હોય છે. સમાજ પહેલાં તો પરીક્ષા કરશે, ઠેકડી ઉડાવશે, ધમકીઓ આપશે; પણ તે છતાં જો માણસ ટકી ગયો, તો પછી સમાજ એના પગમાં પડશે, એની પાછળ પાછળ ચાલવા માંડશે. અને હવે સ્ત્રીઓને માટે બરાબર તક આવી છે. કારણ, હવે શારીરિક શકિત કેવળ સરકસના ખેલ પૂરતી રહી જવાની છે; જીવનમાં બીજે એનો ઝાઝો ઉપયોગ નથી રહેવાનો. વિજ્ઞાને પરિસ્થિતિ એવી કરી મૂકી છે કે સામે મોટો ગામા પહેલવાન હોય તોપણ એક ચાંપ દબાવી કે ખતમ! મનુષ્ય સિંહને નચાવી શકે છે, હાથી પર સવારી કરી શકે છે. આ કોઈ શારીરિક શકિત નથી. એટલે જેમ ગાંધીએ શારીરિક શકિતથી જુદી એક શકિતનો વિકાસ કર્યો, અને તેથી કોઈ સેના એને ઝુકાવી ન શકી, તેમ સ્ત્રીએ પણ શારીરિક કરતાં ભિન્ન શકિતનો વિકાસ કરવો જોઈશે. ગાંધીએ જેમ શસ્ત્રનો ડર છોડ્યો, તેમ સ્ત્રીએ પુરુષનો ડર છોડવો રહેશે. સ્ત્રી અને પુરુષ વચ્ચે અમુક પ્રાકૃતિક ભેદ છે, તે તો રહેવાનો. પરંતુ તે સિવાય બીજા બધા ભેદ માણસે જ દાખલ કરેલા છે; એટલે માણસે જ તે દૂર કરવાના છે. સ્ત્રી-પુરુષનાં કામોમાં કશો ભેદ ન રહેવો જોઈએ. અમુક કામ તો સ્ત્રીઓએ જ કરવાનાં, એવો ભેદ તોડવો પડશે. હા, શરીર-પરિશ્રમનાં કેટલાંક બહુ ભારે કામ છે, તે ભલે સ્ત્રી ન કરે. કારણ કે સ્ત્રીએ માતૃત્વની જવાબદારી ઉપાડવાની છે, અને મહિનાના અમુક દિવસ તેનંુ શરીર પણ અસમર્થ રહે છે. તેથી અતિશ્રમનાં કામ એને ન કરવાં પડે, એટલો વિવેક જરૂર રખાય. પરંતુ આજે તો ઘરમાં સાફસૂફી, નદી-કૂવેથી પાણી ભરી આવવાનું, દળવા-ખાંડવાનું, એવાં એવાં કેટલાંય કામ એકલી સ્ત્રીને ભાગે જ આવે છે અને દિવસ આખો એ તે કરતી રહે છે. ઉપરાંત આ બધાં કામો ઊતરતી કક્ષાનાં ગણાય છે, એટલે પુરુષ તે કરે તેમાં એને નામોશી લાગે છે. આ સ્થિતિ બદલવી જ જોઈએ. આજે સ્ત્રી એકલી જે કામો કરે છે તે બધાં પુરુષે પણ કરવાં જોઈએ. અને મજા તો જુઓ! જે પુરુષ ક્યાંક ઘર-નોકર હોય, તે બીજાને ત્યાં તો ઝાડુ મારશે, વાસણ માંજશે, કપડાં ધોશે. પણ એને પોતાને ઘેર તો એ બધાં કામ એકલી એની પત્નીએ જ કરવાનાં! ઘરે આવ્યા પછી આવાં કામને એ હાથ નહીં અડાડે. એ પુરુષ બીજાના ઘરમાં નોકર બનીને બધાં કામ કરે છે, પણ એના પોતાના ઘરમાં તો સ્ત્રી એની નોકર બનીને રહે છે. [‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૧૯૭૮, ૧૯૯૮]