સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દિગંત દવે/“ત્યારે મને ઉઠાડી મૂકજો!”

          સરદાર વલ્લભભાઈ કુલ અગિયાર વર્ષ ઉપરાંતના સમય સુધી અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય તરીકે રહ્યા હતા. આ ગાળા દરમિયાન ૧૯૨૪થી ૧૯૨૮ સુધી એમણે મ્યુનિસિપાલિટીનું પ્રમુખપદ સંભાળ્યું હતું. મ્યુનિસિપલ બોર્ડની સભા સાંજના પાંચની હોય કે ના હોય તોપણ તેઓ મ્યુનિસિપાલિટીની જુદી જુદી ઓફિસોમાં ફરી કામદારોને મળી વાતચીત કરતા. મળતા પણ એવા હેતથી કે બધા તેમના આગમનની હોંશથી રાહ જોતા. બોર્ડનું કામ પાંચ વાગ્યે શરૂ થવાનું હોય તોપણ તેઓ મ્યુનિસિપાલિટીના પોતાના રૂમમાં ત્રણ વાગ્યે જઈ પહોંચતા. તેમનો ઘણો સમય શહેરમાં ચાલીને ફરવામાં જતો. રોજ વહેલી સવારે પાંચ વાગ્યે ચાલીને તેઓ ખાડિયામાં રહેતા ઉપપ્રમુખ બળવંતરાય ઠાકોરને ત્યાં જતા અને ત્યાંથી બન્ને જણા કાંઈ પણ ખબર આપ્યા વિના ગમે ત્યાં જઈ પહોંચતા. આના પરિણામે સફાઈના કામદારો પોતાની ડ્યુટી પર સમયસર ચઢી જતા. મ્યુનિસિપલ પ્રમુખ તરીકે મ્યુનિસિપાલિટી તરફથી ખાસ મોટર મળેલી, પરંતુ તે મ્યુનિસિપાલિટીના તબેલામાં જ પડી રહેતી. મહિનામાં એકાદ દિવસ પણ ભાગ્યે જ તેનો ઉપયોગ થતો. પ્રમુખ તરીકેનો તેમનો અભિગમ આ શબ્દોમાં જોવા મળે છે: “પ્રમુખ તરીકે હું કોઈ પણ પક્ષના સભ્ય તરીકે મારી જાતને ઓળખાવવા માગતો નથી. બોર્ડના બધ્ાા સભ્યોને કોઈ પણ જાતના પક્ષભેદ સિવાય હું સલાહ આપીશ. પ્રમુખની આ જવાબદાર જગ્યા ઉપર મને મૂક્યો છે એ દરમિયાન મારાથી ભૂલ થાય તો એ ઇરાદાપૂર્વકની નથી એમ લાગે તો માફ કરશો, અને જ્યારે એમ લાગે કે હું ઇરાદાપૂર્વક ભૂલ કરું છું ત્યારે તમે મને આ ખુરશીમાંથી ઉઠાડી મૂકજો. અને એમ કરશો તો હું તમને અભિનંદન આપીશ.” [‘દિવ્ય ભાસ્કર’ દૈનિક: ૨૦૦૩]