સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દિનકર જોષી/ટાવરનું ઘડિયાળ બગડી જાય ત્યારે

          છેલ્લા દશકામાં જેમનો ઔદ્યોગિક પ્રસ્તાર અઢળક થઈ ગયો છે એવા એક સ્વજને હમણાં વાતવાતમાં કહ્યું, “તમને તો ઘણા છાપાવાળા ઓળખતા હશે. થોડાક એવા છાપાવાળાઓની ‘ભૈબંધી’ મને કરાવી આપો. આપણું કામકાજ હવે વધતું જાય છે. એટલે છાપાવાળાની ભૈબંધી રાખી હોય તો ખપ લાગે.” આ સ્વજન જેમને છાપાવાળા કહેતા હતા અને જેમની ભૈબંધીનું એમને મન મૂલ્ય હતું એ વિશે વધુ ખુલાસો માગવાની મારી હિંમત ચાલી નહીં. ઘણા ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓ ‘છાપાવાળાઓ’ સાથે આવી ભૈબંધી રાખે છે. બીજી ભાષાની કોઈ વાત આપણે નથી કરવી પણ આપણી ભાષામાં નર્મદ, ગાંધીજી, અમૃતલાલ શેઠ, ઝવેરચંદ મેઘાણી અને શામળદાસ ગાંધી, આજના જે છાપાવાળાઓના પૂર્વજો ગણી શકાય એમણે જો આ સ્વજનની વાત સાંભળી હોત તો એમને કેવી લાગણી પેદા થઈ હોત એ કલ્પના કરવી અઘરી છે. થોડાં વરસો પહેલાં ‘સમકાલીન’ના તત્કાલીન તંત્રી હસમુખ ગાંધીને, અર્ધી અર્ધી ચાના ઘૂંટડા ભરતાં મેં વાતવાતમાં કહ્યું હતું કે બૅન્કોમાં કેવો કેવો ભ્રષ્ટાચાર ચાલે છે. બે દિવસ પછી મારી પાસેથી મળેલી આ અંગત માહિતીને હસમુખભાઈએ પોતાના તંત્રીલેખમાં ઠાલવી દીધી હતી. આ વાંચ્યા પછી મેં એમને કહ્યું કે જો તમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જ લખવા માગતા હતા તો મેં અંગત રીતે આપેલી આ બૅન્કોના ભ્રષ્ટાચારની માહિતી સાથે જ તમારે તમારા પોતાના અનુભવની, પત્રકારોના ભ્રષ્ટાચારની માહિતી પણ છાપવી જોઈતી હતી. ત્યારે હસમુખભાઈએ એમની લાક્ષણિક ઢબે અત્યંત ક્રોધે ભરાઈને પોતાના જ ગાલ ઉપર તમાચા મારતાં મને કહેલું: “લખી લ્યો, હું તમને યાદી આપું. આપણો કયો પત્રકાર કયા અને કોના પગારપત્રક ઉપર સહી કર્યા વિના કેટલાં નાણાં મેળવે છે.” આટલું કહ્યા પછી એમણે દાખલો આપ્યો: “ફલાણા કટારલેખકે ફલાણા માફિયાને, એ જાણે દેવનો દીકરો હોય એમ એને પોતાની કટારમાં ચીતર્યો છે. ફલાણા પત્રકારે ફલાણા શેઠને, એ જાણે પરદુ:ખભંજક રાજા વિક્રમ હોય એમ પોતાની પેનને અભડાવી છે. પણ એની રજેરજ વાત હું જાણું છું. બધા જ સાલ્લા સબ સ્ટાન્ડર્ડ છે.” કોઈક રાષ્ટ્રીયકૃત બૅન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક ત્યારે રાજકોટમાં મળી હતી. બેઠક પૂરી થયા પછી વળતે દિવસે સવારે બધા ડાયરેક્ટરો રાજકોટ એરપોર્ટ ઉપર વિમાનની પ્રતીક્ષા કરી રહ્યા હતા ત્યારે બૅન્કની કોઈક ગ્રાહક કંપની તરફથી ભેટો આવી પહોંચી. ‘ફૂલછાબ’ના એ વખતના તંત્રી હસમુખ સંઘાણી પણ એ જ વિમાનમાં મુંબઈ જઈ રહ્યા હતા. એમણે આ જોયું. પોતે રાજકોટના એરપોર્ટ ઉપર જે દૃશ્ય જોયું હતું એની વાત કરતાં હસમુખભાઈએ મને કહ્યું: “બૅન્કના ડાયરેક્ટરો સુધ્ધાં જાહેરમાં આવી ભેટોનાં બોક્સ પકડીને ઊભા રહેતા શરમાતા નહોતા.” જવાબમાં મેં કહેલું, “તમે જોયેલા દૃશ્યનો હું બચાવ કરવા નથી માગતો; પણ ચર્ચગેટ સ્ટેશન ઉપર મોડી રાત્રે બોરિવલીની લોકલ ગાડી પકડતા પત્રકારોને તમે જોયા છે? કોર્પોરેટ સેક્ટરની કંપનીઓ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાંથી ચિક્કાર દારૂ પીને, કંપનીના વડા તરફથી અપાયેલી ભેટોનાં પડીકાં હાથમાં લઈને ઊભેલા—ખરેખર તો લથડતા—કેટલાય પત્રકારો તમને ત્યારે જોવા મળશે.’ શ્રી હરિભાઈ કોઠારીએ એક વાર કહ્યું હતું કે જો એમનું પોતાનું કાંડા-ઘડિયાળ બગડી જાય, તો એ પોતે જ ગાડી ચૂકી જાય અને એમને સહન કરવું પડ.ે જો ઘરની દીવાલનું ઘડિયાળ બગડી જાય તો ઘરમાં અવ્યવસ્થા થઈ જાય. પણ જો શહેરના ટાવરનું ઘડિયાળ સમય દર્શાવવાનું ચૂકી જાય તો ઘણા લોકોને ઘણું સહન કરવું પડે, કેમ કે ટાવરના ઘડિયાળને સાચું માનીને ત્યાંથી પસાર થતા ઘણા લોકો પોતાના કાંડા-ઘડિયાળનો સમય મેળવતા હોય છે. ટાવરના ઘડિયાળને ખોટકાઈ જવું પરવડે નહીં. તંત્રીઓ, પત્રકારો, કટારલેખકો જો ધારે તો આવાં ટાવરનાં ઘડિયાળ બનવાની ક્ષમતા ધરાવે છે. [‘દિવ્ય ભાસ્કર’ દૈનિક: ૨૦૦૫]