સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/અમૃતનો પ્યાલો પિવરાવો

ગુજરાત, ઓ લીલીછમ ગુજરાત
સુખચેન તણી સંપત ગુજરાત
મશ્હૂર હતી તવ સજ્જનતા
ફૂલવેલ-શી ભલમનસાઈ પણ
દરિયોય રહી જાયે જોતો
એ મનની હતી મોટાઈ પણ
મૈત્રીથી છલકતાં’તાં હૈયાં
ને મેળા પ્યાર-મહોબતના
સૌભાગ્યસુમનનાં વૃક્ષો પર
માળા હતા ઉમદા સૌરભના
અફસોસ એ રંગો આજ નથી
વિલાઈ અનુપમ સૌ ભાતો
દ્વેષાઈ ગયો માહોલ અને
સંસ્કારનો દીવો હોલાયો
ઇન્સાનની અઝમતના ઉત્તમ
સૌ ખાબ અહીં બરબાદ થયા
વિષચક્ર હતું એક શેતાની
ઇન્સાન અહીં હેવાન થયા
શોણિતના ફુવારા છલકાયા
ને ભૂતપલીતો હરખાયા
ઓ લોકો, થોડી કદ્ર કરો
છે મોતી એને રોળો નહિ
અમૃતનો પ્યાલો પિવરાવો
ને પીઓ પરંતુ ઢોળો નહિ
કે ગુંજે કણ-કણમાં આ રાગ
છે ખૂબ ભલી ગરવી ગુજરાત
ગુજરાત, ઓ લીલીછમ ગુજરાત
સુખચેન તણી સંપત ગુજરાત
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]