સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/કોઈ તો આવે!

Revision as of 03:57, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> શેરી-શેરી આગ છે ગુજરાતમાં! હા, કદી માહોલ મુસકાતો હતો મીઠડો કલ્લો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

શેરી-શેરી આગ છે ગુજરાતમાં!
હા, કદી માહોલ મુસકાતો હતો
મીઠડો કલ્લોલ પડઘાતો હતો
ચૂંદડીના રંગ ફરફરતા હતા
ને હૃદયનો જામ છલકાતો હતો
ક્યાં હવે એ વાત છે ગુજરાતમાં
શેરી-શેરી આગ છે ગુજરાતમાં!
જે હતી, એક ભાઈબંધી પણ ગઈ
મનની વાતો, દિલની યારી પણ ગઈ
ગુમ થઈ સહિયારા સાહસની મજા
ને ઝળકતી કામયાબી પણ ગઈ.
જે હતું સુંદર, અસુંદર થૈ ગયું
ઘોર અંધારું મુકદ્દર થૈ ગયું.
ઘાત, તાતી ઘાત છે ગુજરાતમાં!
શેરી-શેરી આગ છે ગુજરાતમાં!
કોણ હાકિમ છે? આ કોનું રાજ છે?
લોહીપ્યાસા ભેડિયાની ધાક છે
માણસાઈનો જનાજો છે
અને હર્ષથી નાચી રહ્યો શેતાન છે
આંધળી-બહેરી છે ખુરશીઓ કદાચ
વાઘવાડામાં છે બકરીઓ કદાચ
મોતનો એક રાગ છે ગુજરાતમાં
શેરી-શેરી આગ છે ગુજરાતમાં!
કોઈ તો આવે, બુઝાવે આગને
કોઈ તો આવે, ખિલાવે બાગને
કે ટહુકા નિર્ઝરે ગુજરાતમાં
શેરી-શેરી સૌ હસે ગુજરાતમાં!
[‘નિરીક્ષક’ પખવાડિક : ૨૦૦૨]