સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/વિશ્વ જોતું રહ્યું

(રવાન્ડા, બોઝનિયા વગેરેના અનામી શહીદોને)
ખડ્ગ, ખંજરો ને ભડાકા હતા
સિતમના સરાસર સબાકા હતા
બચાવો બચાવોની ચીખો હતી
તડફતાં બદન, રક્તનીકો હતી
ઘરોમાં ને શેરીમાં લાશો હતી
અને નાચતી દુષ્ટતાઓ હતી
હવામાં હતી બૂ, ધુમાડા હતા
શરાફતના મોઢે તમાચા હતા
હતી માણસાઈની મૈયત પડી
હતાં ગીધ, કાગા ને સમડી હતી
મગર સંસ્કૃતિને થયું શું હતું
ફરક્યું ન કોઈ રુવાટું હતું
થઈ ખાંભીઓ વિશ્વ જોતું રહ્યું
હા, જોતું રહ્યું, માત્ર જોતું રહ્યું
અને બાદમાં લાજ આવી જતાં
સ્મરી એ શહીદોને રોતું રહ્યું.
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]